રાજકોટ
News of Sunday, 23rd January 2022

રાજકોટમાં અકસ્‍માત બાદ લોકોની બેફિકરાઇ સામે આવી : મહિલા કોલેજ અન્‍ડરબ્રિજ પાસે અકસ્‍માતે એકટીવા ચાલક ર૦ મીનીટ પડયો રહ્યો !!

માનવતાની શરમજનક ઘટના : લોકો વિડીયો ઉતારવામાં મશગુલ રહ્યા

રાજકોટ :   મહિલા કોલેજ અંડર બ્રિજ પાસે એક અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ એક્ટિવા ચાલક લગભગ 20 મિનિટ સુધી બેભાન હાલતમાં હોવા છતાં કોઈએ તેની મદદ માટે 108ને જાણ કરવાની તસ્દી પણ લીધી નહોતી. અને લોકો માત્ર વિડીયો બનાવવામાં મશગુલ રહ્યા હતા. જો કે અકસ્માતની 20 મિનિટ બાદ ત્યાંથી પસાર થયેલા બી.ડિવિઝનના પોલીસમેન રિષભ વ્યાસે અકસ્માતની હકીકત મેળવી તરત 108ને ફોન કરી ટ્રાફિક હળવો કરાવ્યો હતો..

મળતી માહિતી મુજબ  શનિવારે બપોરે મહિલા કોલેજ અંડર બ્રિજ પાસે અકસ્માત સર્જાયો હતો. જેમાં આશરે 40 વર્ષનો એક્ટિવા ચાલક કાલાવડ રોડ સ્વામિનારાયણ મંદિર તરફથી આવી રહ્યો હતો. ત્યારે બાઈક સવાર ઝોમેટો ડિલિવરી બોયે એક્ટિવાને ટક્કર મારતા યુવાન ફંગોળાઈને રોડ પર ફસડાઈ પડ્યો હતો. તેને માથામાં ગંભીર ઇજા થતા અકસ્માત બાદ તે બેભાન થઈ ગયો હતો. આ દરમિયાન ત્યાં લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું અને ટ્રાફિક જામ પણ સર્જાયો હતો.

કરુણા એવી બની કે, આ યુવાન રોડ ઉપર પડ્યો હતો છતાં કોઈએ 108ને ફોન કરવાના બદલે લોકો વીડિયો ઉતારવા લાગ્યા હતા. આ દ્રશ્ય ખરેખર માનવતા મરી પરવારી હોવાની સાક્ષી આપી રહ્યા હતા. જો કે આ દરમિયાન બી. ડિવિઝનના પોલીસમેન રિષભ વ્યાસ ત્યાંથી પસાર થયા હતા. તેમજ લોકોની મોટી ભીડ જોઈને તેમણે માનવતા ખાતર અકસ્માતમાં શું થયું છે તે જાણવા પ્રયાસ કર્યો હતો. તેમણે જોયું કે અનેક લોકો વીડિયો ઉતારી રહ્યા હતા, લગભગ 20મિનિટ જેવો સમય થઈ ગયો હતો પણ કોઈએ એબ્યુલન્સ કે પોલીસને જાણ કરી નહોતી.

બાદમાં રિષભભાઈએ તુરંત 108માં કોલ લગાવીને જાણ કરવાની સાથે વીડિયો ઉતારી કરુણ ઘટનાનો વિકૃત આનંદ લેતા લોકોને હટાવી ટ્રાફિક પણ હળવો કરાવ્યો હતો. થોડીવારમાં જ 108નો કાફલો પહોંચી ગયો હતો. તેમજ ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બીજી તરફ આ અંગેની જાણ થતાં એ ડિવિઝન પોલીસનો કાફલો દોડી ગયો હતો. અને તેમણે યુવાનની ઓળખ મેળવવા તેમજ અકસ્માત સર્જી નાસી જનાર ઝોમેટો ડિલિવરી બોયને ઝડપી લેવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

(1:46 pm IST)