રાજકોટ
News of Monday, 23rd January 2023

બેંકમાં નોકરી અપાવી દેવાના બહાને લાખોની ઠગાઇના ગુનામાં આરોપીની જામીન અરજી રદ

રાજકોટ, તા.૨૩: બેંક અધીકારીનો શ્વાંગ રચી લોન મંજૂર કરાવવાના તથા બેંકમાં નોકરી અપાવી દેવાના બહાને રૃા.૫૯,૮૫,૦૦૦/ની છેતરપીંડી કરનાર આરોપી સંજય કબીરાની રેગ્યુલર જામીન અરજી સેસન્સ અદાલતે રદ કરી હતી.

આ કેસની હકીકત જોઇએ તો, આરોપી સંજય નાથાભાઇ કબીરાએ અન્ય આરોપીઓ સાથે મળી મોટો આર્થિક લાભ મેળવવા માટે પુર્વયોજીત કાવત્રુ રચી પોતે બેંક ઓફ ઇન્ડિયામાં ઓફીસર છે અને લોન પ્રોજેકટ વેલ્યુઅર છે અને પોતે એક કરોડથી ઉપરથી લોન સેંકશન કરવાનું કામ કરે છે તેમ ફરીયાદી તથા સાહેદોને જણાવી બેંક ઓફ ઇન્ડિયાનું બોગસ આઇ.ડી.પ્રુફ બનાવેલ તે બતાવી અને પોતે બેંક ઓફ ઇન્ડિયામાં નોકરી કરતા નહી હોવાનું જાણવા છતા આર્થિક લાભ મેળવવા માટે ખોટી કબુલાત આપી ફરીયાદી તથા સાહેદોને વિશ્વાસમાં લઇ બેંકમાં નોકરી અપાવવા તથા લોનો અંગેની જુદી જુદી યોજના અરજી ફોર્મ તૈયાર કરી લોન એપ્રુવ્વલ થયેલ તેવો બેંક ઓફ ઇન્ડિયાનો બનાવટી બોગસ એપ્રુવલ લેટર બતાવી ફરીયાદી તથા સાહેદો વિગેરે પાસેથી લોન સેંકશન કરાવી આપવાનું જણાવી અને બેંકની પ્રોસેસીંગ ફીના બહાને તેમજ બેંકમાં કલાર્કની નોકરી અપાવવાનું વચન અને વિશ્વાસ આપી ભરતી અંગેની બોગસ અરજીઓ તૈયાર કરાવી રૃા.૧૨,૦૦,૦૦૦/ નો એક ચેક મેળવી કુલ રોકડ રૃા.૫૯,૮૫,૦૦૦/ ફરીયાદી તથા સાહેદો પાસેથી મેળવી લઇ ફરીયાદી તથા સાહેદોની સાથે છેતરપીંડી અને વિશ્વાસઘાત કરી ગુન્હો આચર્યા સંબંધેની ફરીયાદ ડી.સી.બી. પોલીસ સ્ટેશનમાં ફરીયાદી વિશાલ મગનભાઇ નાથાણીએ નોંધાવેલ હતી. જેથી જામીન પર છુટવા અરજી કરી હતી.

અરજદાર પાસેથી મુદામાલની રીકવરી ડીસ્કવરી કરવાની બાકી છે જેથી અરજદારની કસ્ટોડીયલ ઇન્ટ્રોગેશનની જરૃરીયાત જણાય આવે છે આરોપી અન્ય રાજયના વતની હોય જામીન ઉપર મુકત કરવામાં આવશે તો ટ્રાયલ વખતે હાજર રહેશે નહી અને ફરીયાદ પક્ષના પુરાવા સાથે ચેડા થવાની પણ પુરી સંભાવના હોય જે તમામ કારણો ધ્યાને લેતા અરજદારને જામીન ઉપર મુકત કરવા યોગ્ય અને ન્યાયી જણાતુ ન હોય તેમ માની અરજદારની રેગ્યુલર જામીન અરજી નામંજુર કરતો હુકમ ફરમાવવામાં આવેલ હતો.

ઉપરોકત કેસમાં મુળ ફરીયાદી વિશાલ નાથાણી વતી રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કુણાલ શાહી, ચેતન ચોવટીયા, રીપલ ગેવરીયા, પાર્થ સંઘાણી, મંથન વીરડીયા, કિશન માંડલીયા, ભાવીક ફેફર, મીહીર દાવડા તથા મદદમાં યુવરાજ વેકરીયા, જય પીઠવા, નીરવ દોંગા, કેતન પરમાર, પ્રીન્સ રામાણી, ભરત વેકરીયા તથા સરકાર તરફે પરાગ શાહ રોકાયેલ હતા.

(3:40 pm IST)