રાજકોટ
News of Monday, 23rd January 2023

જંકશન પ્લોટ ખુન કેસમાં પકડાયેલ આરોપીને શંકાનો લાભ આપતી કોર્ટ

રાજકોટ તા. ર૩:  અત્રે જંકશન પ્લોટ મર્ડર કેસમાં શંકાનો લાભ આપી આરોપીને છોડી મુકાવાનો સેસન્સ કોર્ટે હુકમ કર્યો હતો.

રાજકોટ, જંકશન પ્લોટ, શેરી નં. ૧પ બ, વ્રજવીહાર, મરણ જનારના ઘરની પાસે આરોપીને પેસાબ કરવાની ના પાડતા ઉશ્કેરાય જઇ છરી મારી સ્થળ પર જ મૃત્યુ નીજાવવાના કેસમાં પકડાયેલ આરોપી સાવન ઉર્ફે લાલી સંજયભાઇ વાઘેલા તથા આરોપી સતીષ બાબુભાઇ પરમારને શંકાનો લાભ આપી અદાલતે છોડી મુકવાનો હુકમ કર્યો હતો.

આ કેસની હકિકત એવી છે કે તા. ૩૧/૦૮/ર૦૧૬ના રોજ ફરીયાદી જગદીશભાઇ પરસોતમભાઇ ગોકાણી ને રાત્રે ૧રઃ૩૦ વાગ્યે તેમના બીજા દીકરાનો ફોન આવેલ કે મરણજનાર જીજ્ઞેશભાઇને કાઇક થઇ ગયેલ છે ત્યાં પહોંચતા મરણજનાર જંકશન પ્લોટ, શેરી નં. ૧પ બ, વ્રજવીહારવાળા ઘરના ફળીયામાં પગથીયા પાસે બેભાન પડેલ હતો અને લોહીના ખાબોચીયા ભરાયેલ હતા ત્યારબાદ સીવીલ હોસ્પીટલમાં ફરજ પરના ડોકટરશ્રીએ પોસ્ટમોર્ટમ કરી જણાવેલ કે મરણ જનારને છાતીની ડાબી બાજુએ તીક્ષણ હથીયાર વડે જ ીવલેણ ઇજા થવાના કારણે મૃત્યુ થયેલ હોવાનું જણાવેલ જે ગુન્હા કર્યા અંગેની ફરીયાદીએ ફરીયાદ પ્ર. નગર પોલીસ સ્ટેશનમાં નોંધાવતા આરોપીની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવેલ અને કોર્ટમાં રજુ કરતા લટ્રાયલ કોર્ટ દ્વારા કેસ કમીટ કરી સેસન્સ કોર્ટમાં આરોપીની પ્લી લેવામાં આવેલછ અને આરોપીએ કેસ ચલાવવાની માંગણી કરેલ સેસન્સ કોર્ટમાં કેસ ચાલતા બચાવ પક્ષે રોકાયેલ એડવોકેટશ્રી દ્વારા ફરીયાદી, તપાસ કરનાર અધીકારીશ્રી તેમજ ડોકટરશ્રી તથા સાહેદો અને પંચો એમ કુલ ર૬ સાહેદો તપાસેલ અને ઉલટતપાસ કરવામાં આવેલ.

ફરીયાદપક્ષના પુરાવામાં ખુબ જ મોટો વિરોધાભાષ છે મહત્વના સાહેદોનો પુરાવો શંકાસ્પદ છે, મુદામાલ છરીઓ પરના ફીંગરપ્રિન્ટસ લેવામાં આવેલ નથી, છરીઓ નવી છે જેના ઉપર લોહીના ડાઘા નથી અને વૈજ્ઞાનિક પરિક્ષણમાં છરી ઉપર લોહીના ડાઘા નથી, મરણજનારના પત્ની પુરાવામાં પણ અનેક વિરોધાભાષ હકિકતો સામે આવે છે. જેથી મરણજનાર અને આરોપીઓ વચ્ચે કોઇ અદાવત હતી તેનું ''મોટીવ'' સ્પષ્ટ થતું નથી, તેમજ આરોપીઓ તથા મરણજનારને બનાવ પહેલા કોઇએ સાથે ''લાસ્ટ સીન ટુ ગેધર'' જોયેલ નથી, કોઇ ઓખળ પરેડ કરવામાં આવેલ નથી, ઇજા શાર્પ માર્જીન હતી જયારે મુદામાલ છરી એકબાજુ બુઠી હતી, આરોપીઓના બ્લડ સેમ્પલ મેળવેલ નથી, પી.એમ. નોટમાં મૃત્યુનો કોઇ ચોકકસ સમય દર્શાવેલ નથી, આમ સમગ્ર કેસ સાંયોગિક પુરાવા ઉપર આધારીત હોય ત્યારે ફરીયાદ પક્ષે આરોપીઓને ગુન્હા સાથે સાંકળતી તમામ કડીઓ રેકર્ડ ઉપર સ્પષ્ટપણે સાબીત કરવી પડે અને જો ફરીયાદપક્ષ સાબીત કરવામાં નિષ્ફળ જાય તો તેનો લાભ આરોપીઓને મળવો જોઇએ જેવી રજુઆત કરી તેમજ ઉચ્ચ અદાલતના વિવિધ માર્ગદર્શક ચુકાદાઓ રજુ કરતા નામદાર સેસન્સ કોર્ટ દ્વારા આરોપીઓને શંકાનો લાભ આપી છોડી મુકવાનો હુકમ કરવામાં આવેલ છે.

આ કામમાં આરોપી નં. ૧ વતી લીગલ એઇડમાં એડવોકેટશ્રી ચેતનાબેન આર. કાછડીયા તથા આરોપી નં. ર વતી એડવોકેટશ્રી રોહીતભાઇ બી. ઘીયા તથા હર્ષ રોહીતભાઇ ઘીયા રોકાયેલા હતા.

(3:41 pm IST)