રાજકોટ
News of Monday, 23rd January 2023

શાળાઓમાં શિક્ષકો અને ઓરડાની ઘટ પૂર્ણ કરાશે : પ્રફુલ પાનસેરીયા

ધો. ૧૦ - ૧૨ના છાત્રો ન્‍યાયીક માહોલમાં મુક્‍ત મને પરીક્ષા આપી શકે તેવી વ્‍યવસ્‍થા : નવી શિક્ષણ નીતિનો અસરકારક અમલ અને નવા અભ્‍યાસક્રમ માટે કાર્યવાહી : રાજ્‍યકક્ષાના શિક્ષણ મંત્રી અકિલાના આંગણે

રાજકોટ : ગુજરાત રાજ્‍ય સરકારના રાજ્‍ય કક્ષાના મંત્રી શ્રી પ્રફુલભાઇ પાનસેરીયા ‘અકિલા'ની શુભેચ્‍છા મુલાકાતે આવ્‍યા હતા. પ્રસ્‍તુત તસ્‍વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે લાક્ષણિક તસ્‍વીર. બાજુમાં અકિલાના પત્રકાર ઉદય વેગડા નજરે પડે છે. (તસ્‍વીર : અશોક બગથરિયા)

રાજકોટ તા. ૨૩ : ગુજરાત રાજ્‍યના મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલના નેતૃત્‍વવાળી ભાજપ સરકાર લોકોની સુખાકારી માટે તમામ વિભાગોમાં સતત કાર્યરત છે. રાજ્‍યમાં વિદ્યાર્થીઓ શ્રેષ્‍ઠ શિક્ષણ મેળવે તે માટે જરૂરી પગલાને રાજ્‍યના શિક્ષણ વિભાગે પ્રાથમિકતા આપી છે.

રાજકોટની મુલાકાતે આવેલા ગુજરાત રાજ્‍યના સંસદિય બાબતો, પ્રાથમિક, માધ્‍યમિક તેમજ ઉચ્‍ચ શિક્ષણના રાજયકક્ષાના મંત્રી શ્રી પ્રફુલભાઇ પાનસુરીયાએ અકિલા કાર્યાલયની મુલાકાત દરમિયાન જણાવ્‍યું હતું કે, રાજ્‍યના મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્‍યની શાળાઓમાં શિક્ષકોની ઘટ તેમજ ઓરડાની જે સમસ્‍યા છે તે દિશામાં કાર્યવાહી શરૂ કરવામાં આવી રહી છે. શાળાઓમાં વિદ્યાર્થીઓ સારી રીતે મુકત વાતાવરણમાં અભ્‍યાસ કરી શકે તે માટે શાળાઓમાં જે શિક્ષકોની ઘટ છે તે પૂરી કરવામાં આવશે તેમજ શાળાઓમાં ઓરડાની સુવિધા પૂરી કરવા રાજ્‍ય સરકાર આગળ વધી રહી છે.

શિક્ષણમંત્રી શ્રી પ્રફુલભાઇ પાનસેરીયાએ જણાવેલ કે, શિક્ષકોની બદલીના પ્રશ્નો પણ સુચારૂ આયોજન કરીને શિક્ષકોની સુખાકારી માટે નિર્ણય લેવામાં આવશે.

શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઇ પાનસેરીયાએ વધુમાં જણાવેલ કે, આગામી માર્ચ માસમાં યોજાનાર ધો. ૧૦ અને ૧૨ની પરીક્ષા લાખો વિદ્યાર્થીઓ આપી રહ્યા છે. વિદ્યાર્થીઓની કારકિર્દીને દીશા આપનાર ધો. ૧૦ - ૧૨ની પરીક્ષા ન્‍યાયીક માહોલમાં વિદ્યાર્થીઓ કોઇ પણ જાતના ટેન્‍શન વગર ઉત્‍સાહ સાથે પરીક્ષા આપે તેવી વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવી રહી છે.

શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઇ પાનસેરીયાએ ગર્વભેર જણાવેલ કે, વિશ્વમાં કોઇ દેશમાં થયો ન હોય તેવો કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે દેશના યશસ્‍વી વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદી ‘પરીક્ષા પે ચર્ચા' કરવાના છે. વિશ્વના સૌથી લોકપ્રિય નેતા વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી વિદ્યાર્થીઓને માર્ગદર્શન માટેનો ‘પરીક્ષા પે ચર્ચા' કાર્યક્રમ સમગ્ર ગુજરાત રાજ્‍યમાં યોજાઇ તે માટે ઉચ્‍ચશિક્ષણ મંત્રી ઋષિકેશભાઇ પટેલ, શિક્ષણ મંત્રી કુબેરભાઇ ડીંડોરના માર્ગદર્શન હેઠળ રાજ્‍યભરમાં કાર્યક્રમ યોજાવાનો છે તે માટેની વ્‍યવસ્‍થા અને આયોજન થઇ રહ્યું છે. વિવિધ ક્ષેત્રે બેઠકોનો દૌર શરૂ થઇ રહ્યો છે.

રાજ્‍યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલભાઇ પાનસેરીયાએ જણાવેલ કે, વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીની સરકારે જે દેશમાં નવી શિક્ષણ નીતિ બનાવી છે. તેનો અસરકારક અમલીકરણ માટે આયોજનો થઇ રહ્યા તેમજ અભ્‍યાસક્રમની દિશામાં કાર્યવાહી હાથ ધરાઇ છે.

(3:55 pm IST)