રાજકોટ
News of Tuesday, 23rd February 2021

છ સ્થળોએ ચાંપતા બંદોબસ્ત વચ્ચે થઇ મતગણતરીઃ ઉમેદવારો કાર્યકરો જીતના વિશ્વાસ સાથે પહોંચી ગયાઃ અમુકે ગણતરી પહેલા જ શુભેચ્છાઓ પાઠવી દીધી

રાજકોટઃ રાજ્યની છ મહાનગર પાલિકાઓની રવિવારે યોજાયેલી ચુંટણીની આજે મત ગણતરી શરૂ થતાં જ ભાજપ-કોંગ્રેસ સહિતના ઉમેદવારો પોતે ચોક્કસ જીતે છે...એવા વિશ્વાસ સાથે મત ગણતરીના કેન્દ્રો પર કાર્યકરો સાથે પહોંચી ગયા હતાં. રાજકોટ શહેર મહાનગર પાલિકાની ચુંટણીની મતગણતરી છ અલગ અલગ કેન્દ્રો પર રાખવામાં આવી હોઇ તમામ સ્થળે શહેર પોલીસે ચાંપતો બંદોબસ્ત અગાઉથી જ ગોઠવી રાખ્યો હતો. તસ્વીરોમાં ચોૈધરી હાઇસ્કૂલ, એવીપીટી કોલેજ અને પી.ડી. માલવીયા કોલેજ ખાતેના મતગણતરી કેન્દ્રો પર પોલીસ, સીઆરપીએફ, બીએસએફના જવાનોનો ચુસ્ત બંદોબસ્ત, ચેકીંગ કાર્યવાહી તથા ઉમેદવારોએ મત ગણતરી શરૂ થાય એ પહેલા જ એકબીજાને શુભેચ્છા પાઠવી ભેટીને વિજયોત્સવ મનાવવાની શરૂઆત કરી દીધી હતી તે દ્રશ્ય જોઇ શકાય છે. અન્ય તસ્વીરોમાં વોર્ડ નં. ૧૩ના કોંગી ઉમેદવાર જાગૃતિબેન ડાંગર તેમની પેનલના ઉમેદવારો સાથે, બીજી તસ્વીરમાં કોંગ્રેસના રણજીત મુંધવા અને તેની પેનલના ઉમેદવારો, કાર્યકરો, ભાજપના સુરેન્દ્રસિંહ વાળા અને તેની પેનલ, નીચેની તસ્વીરમાં ભાનુબેન બાબરીયા તથા તેમની પેનલના ઉમેદવારો, ભાજપના દેવાંગ માંકડ તથા નેહલ શુકલ અને બીજા ઉમેદવારો, કાર્યકરો, તથા સોૈથી નીચે કોંગ્રેસના વશરામભાઇ સાગઠીયા તથા બીજા ઉમેદવારો, ભાજપના નીરૂભા વાઘેલા અને ઉમેદવારો તથા સોૈથી છેલ્લે  કોંગ્રેસના ઉમેદવાર રણજીત સાગઠીયા તથા કાર્યકરો જોઇ શકાય છે. સવારે પોણા દસ સુધીમાં છએય મહાનગર પાલિકામાં થયેલી ગણતરી મુજબ રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર, જામનગરમાં તમામ શહેરોમાં ભાજપનો ઘોડો આગળ દોડી રહ્યો હતો. રાજ્યમાં ૯૫ બેઠકો પર ભાજપ આગળ અને ૨૫ બેઠકો પર કોંગ્રેસ આગળ હતું. (ફોટોઃ અશોક બગથરીયા)

(11:54 am IST)