રાજકોટ
News of Tuesday, 23rd February 2021

વહુ રિસાઇને જતા પરિવારે પોતાની દીકરીને કેદ કરી

રાજકોટમાં અજબ કિસ્સો સામે આવ્યો : પિયરિયાઓએ દીકરીને ઘરે લાવીને રૂમમાં પૂરી દીધી અને કહ્યું કે, જો તારા ભાભી ઘરે આવશે તો જ તને છોડીશું

રાજકોટ,તા.૨૩ : રાજકોટમાં રહેતા બે પરિવારના દીકરા દીકરી વચ્ચે સામસામે થયેલા લગ્નનો એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. જેમાં પુત્રવધૂને ઘરે લાવવા માટે પિયરિયાઓએ પોતાની દીકરીને ઘરે લાવીને એક રૂમમાં પૂરી દીધી અને કહ્યું કે, જો તારા ભાભી ઘરે આવશે તો જ તને છોડીશું. જેને કારણે ૧૧ માસની દીકરીને પોતાની માતાથી અલગ થવું પડ્યું. સમગ્ર કિસ્સો ૧૮૧ની ટીમ પાસે પહોંચ્યો હતો. જેને બન્ને પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. આ કેસમાં જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં રહેતી કાજલના(નામ બદલાવેલ છે) લગ્ન રાજેશ(નામ બદલાવેલ છે) નામના યુવક સાથે થયા હતા. લગ્નના પાંચ વર્ષ પછી રાજેશે પોતાની પત્નીને ત્રાસ આપવાનું શરૂ કરીને મારકૂટ શરૂ કરી.

કાજલને સંતાન નહિ થતા તે અંગેના મેણાં ટોણાં સહન નહિ થતા તે ઘર છોડીને આત્મહત્યા કરવા માટે નીકળી ગઇ. ૧૮૧ની ટીમે પીડિતાનું કાઉન્સેલિંગ કરતા જાણવા મળ્યું કે, પતિના ત્રાસથી તે પોતાના પિયર જવા ઈચ્છતી હતી. ત્યાં પહોંચી તો તેના ભાઈ કલ્પેશે(નામ બદલાવેલ છે) જણાવેલ કે, તેની પત્ની રુચાને(નામ બદલાવેલ છે) તેના પિયરિયાઓ અને તારી સાસરિયાના લોકો ઘરમાં તાળું મારીને રાખેલ છે.

જેથી તેની ૧૧ માસની દીકરી વિખૂટી પડી ગઇ છે. આ જાણ થતા જ ૧૮૧ની ટીમ રુચાને(નામ બદલાવેલ છે) છોડાવવા માટે ગયા હતા. જ્યાં એવું જાણવા મળેલ કે રુચાને તેના કાકાએ જબરદસ્તી કરીને રૂમમાં રાખી હતી. રુચા તેની બાળકી સાથે રહેવા માગતી હોવાથી રુચાના કાકાને સમજાવ્યા હતા. અને રુચાને બંધ રૂમમાંથી છોડાવતા ૧૧ માસની બાળકીનું માતા સાથે મિલન થયું હતું. આમ બન્ને પરિવારનું કાઉન્સેલિંગ કરીને ચાર લોકોની જિંદગી તૂટતાં બચાવી હતી.

(9:25 pm IST)