રાજકોટ
News of Monday, 23rd May 2022

ધાડ અને લુંટના ગુન્‍હામાં પકડાયેલ આરોપીઓની જામીન અરજી નામંજુર

રાજકોટ તા.ર૩ : અત્રે ધાડ અને લુંટ કરવાના ગુન્‍હામાં પકડાયેલ આરોપીઓની જામીન અરજીને સેસન્‍સ અદાલતે રદ કરી હતી.
આ કેસની હકીકત એવી છે કે આ કામના ફરીયાદી વીરજીભાઇ ભગવાનજીભાઇ બાવળીયા તથા તેમના પત્‍ની કાંતાબેન વીરજીભાઇ બાવળીયા તા.૧૭/૩/રર ના રાત્રીના ૧ વાગ્‍યાના અરસામાં સણોસરા ગામે આવેલ જયંતીભાઇ ખોડાભાઇ ઠુંમરની વાડીમાં તા. જિ.રાજકોટ ખાતે સુતા હતા તે દરમ્‍યાન આરોપીઓ ૧. વિજય ભાગસીંગ મોહનીયા, ર. અરવિંદ વેસ્‍તા હઠીલા, ૩. લક્ષ્મણ છનુ ભુરીયા, ૪. મેસુલ વીરસીંગ ભુરીયા તથા પ. મહેશભાઇ રેવાભાઇ મોહનીયા (પકડવાના બાકી) તમામ રહેવાસી વાંકીયા ગામ, પટેલ ફળીયુ તા.જિ. દાહોદ વાળાઓએ વાડીમાં પડેલ ખેતીકામના ઓજારો જેવા કે ધારીયું, દાતરડુ, લાકડાના ધોકા સાથે ફરીયાદી તથા તેમના  પત્‍નીને મારા મારી મોઢે રૂમાલ બાંધી લાકડીથી અને દાતરડાથી ઇજા કરી ઇજાઓ પહોંચાડી કાંતાબેન નાકમા પહેરેલ સોનાનો દાણો તથા કાનની સોનાની બુટીઓ ખેચી લઇ ઘરમાં રહેલા સોનાનો ચેન, પ૦૦ ગ્રામ ચાંદી તેમજ રોકડ રૂા.૧,૩૮,૦૦૦ કુલ મળી આશરે રૂા.ર,૦૦,૦૦૦ જેવી મતાલામલની લુંટ કરી નાસી ગયેલ ત્‍યારબાદ કુવાડવા પોલીસ સ્‍ટેશન રાજકોટ દ્વારા સઘન શોધખોળ કરી પાંચ આરોપીઓ પૈકી ૪ આરોપીઓને પકડી પાડી મામલતદાર સમક્ષ ઓળખ પરેડ કરાવતા તમામ આરોપીઓને ફરીયાદી દ્વારા ઓળખી બતાવતા તમામની તા. ૪/પ/ર૦રર ના રોજ ધોરણસરની અટક કરી જેલ હવાલે કરવામાં આવેલ આરોપીઓ પૈકી આરોપી નં. ૧. વિજય ભાગસીંગ મોહનીયા તથા આરોપી નં. ર અરવિંદ વેસ્‍તા હઠીલા દ્વારા જામીન ઉપર છુટવા સેસન્‍સ અદાલત સમક્ષ અરજી કરેલ.
 આ કામે સરકાર પક્ષે સરકારી વીકલ અનિલ એસ.ગોગિયા દ્વારા જામીન અરજીનો વિરોધ કરતા દલીલો કરેલ કે, આ કામના ફરીયાદી ઘર પર સણોસરા ગામની સીમમાં તેમના પત્‍ની અને સંતાનો સાથે ઘરની બહાર ઝાડ નીચે સુતા હતા ત્‍યારે આ તમામ આરોપીઓએ પ્રાણઘાતક હથીયારો સાથે ઇજા પહોંચાડી લુંટ કરેલ હોય તેમજ ઓળખ પરેડ દરમ્‍યાન તમામને ફરીયાદી તેમજ તેમના પત્‍નીએ ઓળખી બતાવેલ હોય તેમજ પાંચ આરોપીઓ પૈકી આરોપી નં.પ મહેશ રેવા મોહનીયા મુદામાલ લઇ અને નાશી ગયેલ હોય ત આરોપીઓને પકડવાના બાકી હોય અરજદાર આરોપીઓ જન્‍મટીપની સજાને પાત્ર ગંભીર ગુન્‍હામાં સંડોવાયેલ હોય મુદામાતલ કબજે કરવાના બાકી હોય તેવા સંજોગોમાં જામીન અરજી મંજુર કરવામાં આવશે તો, તેઓ નાશી ભાગી જશે અથવા નાશી ગયેલ આરોપીને મદદ કરી લુંટનો માલ સગેવગે કરવા પ્રયત્‍ન કરશે જેથી આવા સંજોગોમાં જામીન મંજુર કરી શકાય નહી.
બંને પક્ષોની દલીલો તેમજ જામીન અરજીના કામમાં રજુ થયેલ પોલીસ અમલદારનું સોગંદનામુ ધ્‍યાને લેતા પાંચમા એડીશનલ જજ શ્રી એ.વી.હીરપરા સરકાર તરફે કરવામાં આવેલ દલીલો માન્‍ય રાખી અરજદાર આરોપીની નામંજુર કરતો હુકમ કરેલ આ કામે સરકાર પક્ષે સરકારી વકીલ અનિલ એસ.ગોગિયાએ દલીલો કરેલ હતી.

 

(3:40 pm IST)