રાજકોટ
News of Wednesday, 23rd June 2021

કોરોનામાં તકનો લાભ : શાળામાં ખાનગી કોલેજને મંજૂરી?

કોરોના મહામારીમાં ફ્રૂટ - દવા - ઓકિસજન - ઈન્જેકશન - એમ્બ્યુલન્સનો તોતીંગ ભાવ વધારાનો લાભ વેપારીએ લીધા બાદ હવે શિક્ષણકારો મેદાને? : રાજકોટની સરદારનગર સ્થિત ઓમ કોલેજને ઉપલાકાંઠે સ્થળ ફેરફાર માંગ્યો : યુનિવર્સિટીના ઉચ્ચ સત્તાધીશ અને શહેર ભાજપના આગેવાનોની ભાગીદારીવાળી કોલેજની અનેકવિધ ચર્ચા * મંજૂર કરાવવા ધમપછાડા * કાલની સીન્ડીકેટ તરફ સૌની મીટ

રાજકોટ, તા. ૨૩ : સૌરાષ્ટ્રનું ઉચ્ચ શિક્ષણધામ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ગૌરવ અપાવતુ ગ્રેડેશન સાવ તળીયે ચાલ્યુ ગયુ છે. શિક્ષણકારોને બદલે ધંધાદારી લોકોનો દિન પ્રતિદિન દબદબો વધી રહ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું ઉચ્ચ શિક્ષણનું સ્તર અને પદવીની વિશ્વસનીયતા ઘટી રહી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉચ્ચ સતાધીશો અને ભાજપ - કોંગ્રેસના સીન્ડીકેટ સભ્યોની મીલી ભગતથી ખુલ્લેઆમ ધંધાદારી શિક્ષણને પ્રોત્સાહન મળે છે.

કોરોના કાળમાં બે મહિના પૂર્વે કોરોનાની બીજી તીવ્ર લહેરમાં લોકોને ફ્રૂટ, ફ્રૂટના તોતીંગ ભાવ, બેડ, ઓકિસજન, ઈન્જેકશન, દવા તેમજ તમામ ક્ષેત્રે તોતીંગ ભાવવધારો લઈ તકનો લાભ લીધો હતો. વેપારી તો જાણે તેનો નફો જ ગણે. પરંતુ શિક્ષણના ધામમાં વેપાર નહિં પરંતુ મૂલ્યોનું જતન કરવાનું પાયામાં છે. પરંતુ હવે જાણે શિક્ષણના ધામમાં ખનખનીયાના ખેલ શરૂ થયા હોય તેમ તકનો લાભ લેવા કોલેજોની સ્થળફેર અને નવી કોલેજની મંજૂરીમાં નિયમોનો જાણે ઉલાળીયો થઈ રહ્યો હોય તેવી ચર્ચા ચાલે છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જૂન માસની સીન્ડીકેટની સભા આવતીકાલે મળનાર છે તેમાં ૨૦મી આઈટમ શ્રી ઓમ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલીત શ્રી ઓમ કોમ્પ્યુટર સાયન્સ રાજકોટ તરફથી સ્થળ ફેરફારની અરજી કરવામાં આવેલ છે. તે પરત્વે સ્થળ ફેરફારની સ્થાનિક તપાસ સમિતિ નિયુકત કરવામાં આવેલ. સ્થાનિક તપાસ સમિતિના સ્થળ ફેરફારના અહેવાલ પર વિચારણા કરવાનું ઠરાવવામાં આવે છે.

રાજકોટ શહેરના સરદારનગર - ૩ વેસ્ટ ખાતે આવેલ શ્રી ઓમ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલીત શ્રી ઓમ કોલેજ ઓફ કોમ્પ્યુટર સાયન્સ રાજકોટને હવે નવા સંચાલકો સાથે શ્રી ઓમ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી ઓમ કોલેજ ઓફ કોમ્પ્યુટર સાયન્સ રાજકોટ શ્રી રણછોડદાસબાપુ આશ્રમ પાસે, કુવાડવા રોડ, રાજકોટ ખાતે ફેરવવાની દરખાસ્ત કરી છે.

આ કોલેજમાં હવે યુનિવર્સિટીના ઉચ્ચ સતાધીશના નજીકના સગા - સંબંધી અને ભાજપના મોટા આગેવાનની ભાગીદારીમાં નવી કોલેજ શરૂ કરવામાં આવી રહી હોવાની ચર્ચા ચાલે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નંબર ૨નું સ્થાન ધરાવતા આ પદાધિકારી કોઈપણ સંજોગોમાં આ કોલેજ શરૂ કરવા ધમપછાડા કરી રહ્યા છે. હકીકતે તો આ નવા સ્થળે ખાનગી સ્કુલ ચાલે છે. હવે આ ખાનગી સ્કુલમાં ખાનગી કોલેજ તમામ સૈદ્ધાંતિક નિયમોનો ઉલાળીયો કરી મંજૂર કરાવવા ભાજપનું એક વગદાર જૂથ મેદાને પડ્યુ છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નિયમ મુજબ કોઈપણ નવી કોલેજની મંજૂરી માટે ૫ એકર જમીન અને આર્થિક સદ્ધર ટ્રસ્ટ હોવું જોઈએ, પરંતુ આ કિસ્સામાં તો ૫ એકરના નિયમોનો છેદ ઉડે છે. માતબર ટ્રસ્ટો નવા કોર્ષની મંજૂરીમાં પણ યુનિવર્સિટીના સત્તાવાળાઓ ૫ એકરનું ગાણું આગળ ધરી નામંજૂર કરે છે, પરંતુ ખાસ કિસ્સામાં આ કોલેજને મંજૂરી મળવાના ધમપછાડા ના ઘેરા પ્રત્યાઘાતો ભાજપ મોવડી મંડળ અને સરકારમાં રજૂઆત બાદ પડનાર હોવાનું જાણવા મળે છે.

આ કોલેજને સ્થળ ફેરફારની દરખાસ્ત ન કરવા અનેક ભાજપના આગેવાનો - યુનિવર્સિટીના ઉચ્ચ સત્તાધીશે પણ મનાવ્યા હતા. પરંતુ પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવી ભાજપનું એક જૂથ કોઈપણ સંજોગોમાં સ્થળ ફેર કરવાની બહુમતી મેળવવા પ્રયાસ કરી રહ્યાની ચર્ચા છે.

રાજકોટ, તા. ૨૩ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એક ઉચ્ચ સત્તાધીશને ખાનગી કોલેજ શરૂ કરવાનો પેતરો આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને શિક્ષણ જગતને ભારે પડે તેવી સ્થિતિ થઈ છે. યુનિવર્સિટીના જાણકાર વર્તુળો કહે છે કે જો કાલની સિન્ડીકેટમાં ઓમ કોલેજને સ્થળ ફેરફારની નવા માલિકો સાથે મંજૂરી મળશે તો ભાજપ અને કોંગ્રેસના આગેવાનોની બીજી બાર કોલેજ લાઈનમાં છે.

જો એકને મંજૂરી મળશે તો સૌરાષ્ટ્રના અન્ય જીલ્લામાં પણ આ જ પદ્ધતિથી માંદી ગણાતી કોલેજોને પૈસાના જોરે પ્રતિષ્ઠાથી ખરીદી કરવાની જાણે મૌસમ ખીલશે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોલેજ ખરીદ-વેચાણ સંઘ સ્થપાય જાય તો નવાઈ નહિં.

(3:12 pm IST)