રાજકોટ
News of Thursday, 23rd June 2022

દરેક માતા-પિતા પોતાના દીકરા-દીકરી શું જાણે છે શિક્ષકો કેવું ભણાવે છે તે સ્‍કુલે જોવા જવું જોઇએ

મંત્રીશ્રી અરવિંદભાઇ બે બાળકોને ઉંચકી લઇ સ્‍કૂલમાં પ્રવેશ્‍યા... : કુવાડવા ખાતે ૪ શાળાઓનો સંયુકત પ્રવેશોત્‍સવઃ ૬૯ વિદ્યાર્થીઓને પ્રવેશ કરાવાયો

આજથી પ્રવેશોત્‍સવ શરૂ થયો છે, કુવાડવા ખાતે મંત્રી શ્રી અરવિંદભાઇ રૈયાણીની ઉપસ્‍થિતિમાં ૬૯ બાળકોને પ્રવેશ અપાયો તે નજરે પડે છે.
રાજકોટ તા. ર૩: આજે કુવાડવા ખાતે ચાર શાળાઓનો સંયુકત પ્રવેશોત્‍સવ યોજાયો હતો. જેમાં કુવાડવા તાલુકા શાળા, જય વેલનાથ પ્રાથમિક શાળા, કુવાડવા પ્રાથમિક શાળા નં. ૧ તથા શાળા નં. ર નો સમાવેશ થાય છે. મંત્રીશ્રી અરવિંદભાઇ રૈયાણીએ પ્રથમ કક્ષાના એક બાળક અને બાળકીને બંને હાથથી તેડીને પ્રાંગણમાં પ્રવેશ કર્યો હતો. ત્‍યારબાદ તેમની આંગળી પકડીને બાળકો હોલ સુધી પહોંચ્‍યા હતા. જયાં શાળા પ્રવેશોત્‍સવ કાર્યક્રમનો શુભારંભ દીપ પ્રાગટયથી કરવામાં આવ્‍યો હતો.
આ પ્રસંગે મંત્રીશ્રીએ ઉદબોધન કરતાં જણાવ્‍યું હતું કે, માતા પિતાએ દીકરા-દીકરીની ચિંતા થાય તો સ્‍કૂલ આવી તેઓ શું ભણે છે અને કેવું ભણાવે છે તે જોવા આવી જવું જોઇએ. અને બાળકોને શુભેચ્‍છા પાઠવી હતી કે તેઓ ખૂબ આગળ વધે. શિક્ષકોને પણ ગામનાં વિદ્યાર્થીઓને વધુ અભ્‍યાસ કરવા પ્રેરવા અને પોતે માહિતગાર થઇને માર્ગદર્શન પુરૂં પાડવા અનુરોધ કર્યો હતો.
પ્રવેશોત્‍સવ અંતર્ગત મહાનુભાવો દ્વારા ધોરણ ૧ અને ધોરણ ૮ના બાળકોને સ્‍કૂલ બેગનું વિતરણ કરવામાં આવ્‍યું હતું. મંત્રીશ્રીએ સ્‍નેહપૂર્વક બાળકો સાથે વાતચીત કરીને બાળકોને આવકાર્યા હતા. દરેક કક્ષામાં પ્રથમ આવેલા વિદ્યાર્થીઓનું અભિવાદન પણ મહાનુભાવો દ્વારા કરવામાં આવ્‍યું હતું. શાળાના વિદ્યાર્થીઓએ સ્‍વાગત નૃત્‍ય, યોગ, નિબંધ, વકતવ્‍ય વગેરેની પ્રસ્‍તુતિ કમરી હતી. જે મંત્રીશ્રીએ રસપૂર્વક નિહાળી હતી.
પ્રવેશોત્‍સવ કાર્યક્રમમાં ચારેય શાળાઓના મળીને કુલ ૩૩ કુમાર અને ૩૬ કુમારી એમ કુલ ૬૯ વિદ્યાર્થીઓએ શૈક્ષણિક વર્ષ ર૦રર-ર૦ર૩માં પ્રવેશ મેળવ્‍યો હતો.
પ્રવેશોત્‍સવમાં ગામના સરપંચશ્રી સંજયભાઇ પીપળીયા, જિલ્લા આયોજન અધિકારી નીતિનભાઇ ટોપરાણી, મામલતદાર શ્રી કે. એમ. કથીરીયા, અગ્રણી બાબુભાઇ નસિત તેમજ ગામના અન્‍ય આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા.

 

(3:45 pm IST)