રાજકોટ
News of Thursday, 23rd September 2021

ટી.પી. શાખાનું બુલડોઝર ધણધણ્યુ પાંચ ગેરકાયદે બાંધકામો દૂર

રેલનગર વિસ્તારમાં બગીચો અને સામાજિક બાંધકામ હેતુના પ્લોટમાંથી ઓટલા તથા ધાર્મિક બાંધકામ દુર : લક્ષ્મીનગર અંડરબ્રીજ પાસે ધાર્મિક બાંધકામ, નવલનગરમાં માર્જીન - પાર્કિંગમાંથી નડતરરૂપ બાંધકામ તથા ધર્મેન્દ્ર રોડ પરથી ગેરકાયદે બાંધકામ વગેરે દુર કરાયું

રેલનગરના રામેશ્વર પાર્કમાંથી મ.ન.પા.એ ધાર્મિક બાંધકામ દુર કરતા મહિલાઓનો વિરોધ : રામધૂન બોલાવી : રાજકોટ : આજે મ.ન.પા. દ્વારા રેલનગર વિસ્તારમાંથી ધાર્મિક બાંધકામ દુર કરવામાં આવતા આ સ્થળે પૂજા કરવા માટે આવતા બહેનોની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચી હતી અને આ ધાર્મિક બાંધકામ સ્થાનિક લોકોની આસ્થા ભકિત સાથે જોડાયેલું હોય તેમજ સામાજીક હેતુ માટેના અનામત પ્લોટમાં જ આ બાંધકામ થયું હોય તેથી ગેરકાયદે બાંધકામ ન કહી શકાય કેમકે સમગ્ર સમાજના ઉપયોગ માટે આ ધાર્મિક સ્થળ બનેલું છે. તેથી તેને નહી તોડવા અધિકારીઓને ઉગ્ર રજૂઆતો કરાયેલ પરંતુ આમ છતાં આ સ્થળનું બાંધકામ તોડી પાડવામાં આવતા મહિલાઓએ સ્થળ પર જ તંત્ર વિરૂધ્ધ ધરણા અને રામધૂનનો કાર્યક્રમ આપ્યો હતો તે વખતની તસ્વીર. આ બાબતે વિસ્તારવાસીઓએ કોર્પોરેટરોને પણ રજૂઆત કરી હતી. છતાં આ બાંધકામ તોડવામાં આવેલ હોવાનું લતાવાસીઓએ જણાવ્યું હતું. (તસ્વીર : સંદિપ બગથરિયા)

રાજકોટ તા. ૨૩ : મ.ન.પા. દ્વારા ઘણા સમય બાદ ગેરકાયદે બાંધકામો દુર કરવા આજે ડિમોલીશનની કામગીરી કરાઇ હતી. ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા રેલનગર, નવલનગર, લક્ષ્મીનગર, અન્ડરબ્રીજ, હરિધવા માર્ગ, ધર્મેન્દ્ર રોડ વગેરે વિસ્તારોમાં કુલ ૮ જેટલા ગેરકાયદે બાંધકામો તોડી પડાયા હતા.

આ અંગે ટાઉન પ્લાનીંગ વિભાગની યાદીમાં જણાવાયા મુજબ મ્યુ. કમિશ્નર અમિતની સૂચના અનુસાર તથા ટાઉન પ્લાનીંગ ઓફિસર એમ. ડી. સાગઠીયાના માર્ગદર્શન હેઠળ રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજે શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારના વોર્ડ નં.૩,૭,૧૩,૧૭ ના વિવિધ સ્થળ પર થયેલ દબાણ દૂર કરવા માટે ડિમોલિશન હાથ ધરવામાં આવેલ. જે અન્વયે કુલ- (૮) સ્થળોએ થયેલ દબાણ દૂર કરી અંદાજે રૂ.૧૪.૫૦ કરોડની જમીન ખુલ્લી કરાયેલ હતી.

જેમાં ટી.પી.-૧૯ રાજકોટ, એફ.પી.૪/બી, 'ગાર્ડન' હેતુ, રેલનગર મેઈન રોડ પર ઓટા પ્રકારના મકાનોને લાગુ દબાણ દૂર કરાયેલ છે. ટી.પી.સ્કીમ-૧૯ રાજકોટ, એફ.પી.૮/એ, 'સોશિયલ ઇન્ફ્રા' હેતુ, આસ્થા ચોક પાસે, રામેશ્વરની બાજુમાં ધાર્મીક દબાણ તથા ઓટા પ્રકારના દબાણ દૂર કરાયેલ છે. ટી.પી.-૧૯ રાજકોટ રસ્તા પૈકીની જગ્યા, સંતોષીનગર ફાટક પાસે રસ્તાને નડતરરૂપ ધાર્મીક દબાણ દૂર કરી રસ્તો ખુલ્લો કરાયેલ છે. લક્ષ્મીનગર આર.યુ.બી અન્ડર બ્રીજનાના એપ્રોચ પાસે અન્ડર બ્રીજનાના એપ્રોચને નડતરરૂપ ધાર્મીક દબાણ દૂર કરાવેલ છે. નવલનગર-૩ ના છેડે દ્વારકેશ પાર્ક પાસે માર્જીનની જગ્યામાં નડતરરૂપ દબાણ દૂર કરી માર્જીન-પાર્કીંગ ખુલ્લું કરાવેલ છે. હરિધવા માર્ગ પર પટેલ ચોક પાસે રામેશ્વર શેરી નં.૨માં ગેરકાયદેસર દીવાલ દૂર કરાવેલ છે. ભવાનીનગર શેરી નં.૪માં માર્જીનમાં થયેલ વધારાનું બાંધકામ દૂર કરાવેલ છે અને ભારત હોઝીયરી, ધર્મેન્દ્ર રોડ પર ઈમારતની અગાસી ઉપર કરવામાં આવેલ વધારાનું અનઅધિકૃત બાંધકામ દૂર કરાવેલ હતું.

આ ડિમોલિશનમાં ટાઉન પ્લાનીંગ શાખા સેન્ટ્રલ ઝોનના આસિ. ટાઉન પ્લાનર પી. ડી. અઢીયા, આસિ. એન્જિનિયર ઋષિ ચૌહાણ, ઋષિકેશ ડાંગર, જયદીપ ચૌધરી, એડીશ્નલ આસિ. એન્જિનિયર, અજીત પરમાર તથા પરાગ ટાંક, હેડ સર્વેયર નીરવ વાણિયા તથા વર્ક આસી. નીલકંઠરૂદ્ર ચાવડા, અમિત પરમાર સ્થળ પર હાજર રહેલ.

આ ઉપરાંત સેન્ટ્રલ ઝોનની જગ્યા રોકાણ શાખાના ઇન્સ્પેકટરો, રોશની, ફાયરબ્રિગેડ, તેમના સ્ટાફ સાથે સ્થળ પર હાજર રહેલ. આ ડિમોલિશનની કામગીરી દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે વિજિલન્સ શાખાના અધિકારી સહ તમામ સ્ટાફ સાથે સ્થળ પર હાજર રહેલ હતા.

(2:53 pm IST)