રાજકોટ
News of Friday, 23rd September 2022

શેરી-ગલીઓ કચરાના ઢગલાઓથી થશે મુક્‍ત : ૫૦ નવા ટીપરવાન ખરીદાશે

મંજૂર... મંજૂર... ૫૫.૮૦ કરોડના વિકાસ કામોને લીલીઝંડી : શહેરમાં ચાલતા જુદા-જુદા રસ્‍તા ડેવલોપમેન્‍ટ તથા બ્રીજના કામે થર્ડ પાર્ટી ઇન્‍સ્‍પેકશન (ટીપીઆઇ)ની નિમણુંકની દરખાસ્‍ત પરત મોકલતી સ્‍ટેન્‍ડીંગ કમિટિઃ શહેરના વિવિધ વિસ્‍તારોમાં પેવીંગ બ્‍લોક, ડીઆઇ પાઇપ લાઇન, ડ્રેનેજ કામ, સ્‍પોર્ટસ સંકુલ તથા બ્રીજ કામ સહિતની ૬૩ દરખાસ્‍તોનો નિર્ણય

રાજકોટ તા. ૨૨ : મ્‍યુનિ. કોર્પોરેશનની સ્‍ટેન્‍ડીંગ કમિટિની મીટીંગ આજે ચેરમેન પુષ્‍કર પટેલના અધ્‍યક્ષસ્‍થાને મળી હતી. જેમાં શહેરમાં સફાઇની કામગીરી વધુ સુદ્રઢ બને તે હેતુથી ૫.૯૯ કરોડના ખર્ચે ૫૦ ટીપર ખરીદવા શહેરના વિવિધ વિસ્‍તારોમાં ૨.૭૯ કરોડના ખર્ચે પેવીંગ બ્‍લોક નાખવા. ૧.૩૯ કરોડના ખર્ચે પાઇપ લાઇન નાખવા તથા ૧.૯૬ કરોડના ખર્ચે ડીઆઇ પાઇપલાઇન પાથરવા, વોર્ડ નં. ૧૨માં ૨૨.૩૩ કરોડના ખર્ચે આંતરરાષ્‍ટ્રીય કક્ષાનું સ્‍પોર્ટસ સંકુલ બનાવવા, મોટામવા તથા ભીમનગરમાં ૧૩ કરોડના ખર્ચે બ્રીજ બનાવવા સહિતની ૬૨ દરખાસ્‍તો સાથેના રૂા. ૫૫.૮૦ કરોડના વિકાસ કામો મંજુર કરાયા હતા. જ્‍યારે શહેરમાં ચાલતા જુદા જુદા રસ્‍તા ડેવલોપમેન્‍ટ તથા બ્રીજના કામે થર્ડ પાર્ટી ઇન્‍સ્‍પેકશન (ટીપીઆઇ)ની નિમણુંકની દરખાસ્‍ત ટેન્‍ડર કરવા પરત મોકલવામાં આવી છે.

ભાજપ સંકલન બાદ સ્‍ટેન્‍ડીંગ કમિટિમાં વિવિધ વિકાસકામોની ૬૩ દરખાસ્‍તો અંગે નિર્ણય કરવામાં આવ્‍યો હતો. જેની વિગતો આ મુજબ છે.

ટીપીઆઇની નિમણુંકની દરખાસ્‍ત પરત

શહેરના વિવિધ રસ્‍તા ડેવલોપમેન્‍ટ  તથા બ્રીજના કામે થર્ડ પાર્ટી ઇન્‍સ્‍પેકશનની નિમણુંક કરવાની દરખાસ્‍ત સ્‍ટેન્‍ડીંગ કમિટિએ પરત મોકલી છે. આ અંગે સ્‍ટેન્‍ડીંગ કમિટિ ચેરમેન પુષ્‍કર પટેલે જણાવ્‍યું હતું કે, સ્‍વર્ણિમની ગ્રાન્‍ટ આધારીત ૫૦ લાખથી વધુના કામ માટે સરકારના નીયમ મુજબ ટીપીઆઇની નિમણુંક કરવામાં આવતી હોય છે. આ ટીપીઆઇની નિમણુંક ટેન્‍ડર વિના કરવામાં આવી હોય તેથી ટેન્‍ડર કરી નિમણુંક કરવા માટે દરખાસ્‍ત પરત મોકવામાં આવી છે.

૫૦ ટીપર વાન ખરીદાશે

શહેરમાં સફાઇની વ્‍યવસ્‍થા વધુ સુદ્રઢ બને અને શેરી - ગલીઓમાં એકત્રીત થતો કચરો વ્‍હીલબરમાં એકઠો કરવામાં આવે છે જેના કારણે વિવિધ વિસ્‍તારોમાં ગંદકીની ફરીયાદો ઉઠે છે. તેના બદલે આ ટીપરવાન વિવિધ વિસ્‍તારોમાં ફરીને સફાઇ કામદારોએ એકઠો કરેલો કચરો એકત્ર કરાશે. તંત્ર દ્વારા ૫.૯૯ કરોડના ખર્ચે પાંચ ક્‍યુબીક મીટર ક્ષમતાના ૫૦ ટીપર વાન ખરીદશે. હાલ શહેરમાં ૩૪૩ ટીપરવાન દ્વારા કચરો એકત્રીત કરવામાં આવી રહ્યો છે.

૨.૭૯ કરોડના ખર્ચે પેવીંગ બ્‍લોક

શહેરના વોર્ડ નં. ૬માં ભોજલરામ સોસાયટી, વોર્ડ નં. ૧૬માં પરસાણા ૫૦ ફુટ રોડ, ન્‍યુ સાગર મેઇન રોડ, વોર્ડ નં. ૯માં સોમનાથ સોસાયટી, ગુણાતીતનગર, વોર્ડ નં. ૧૨માં પુનિતનગર, ૮૦ ફુટ રોડ,આર્યમન રેસીડેન્‍સી, વોર્ડ નં. ૮માં રાધાનગર, ગલાલ વિહાર, પૂર્ણિમા  સોસાયટી, નંદકિશોર સોસાયટી, વોર્ડ નં. ૪માં કુવાડવા રોડ પર આવેલ જય ગુરૂદેવ પાર્ક, વોર્ડ નં. ૧માં શાષાીનગરમાં શેરી નં. ૯, ૧૦, ૨૦, રામેશ્વર પાર્ક, અમૃત પાર્ક, રવિરાંદલ પાર્ક તેમજ વોર્ડ નં. ૧૩માં કૃષ્‍ણનગર, નવલનગર સહિતના વિસ્‍તારોમાં ૨.૭૯ કરોડના ખર્ચે પેવીંગ બ્‍લોકની કામગીરી કરવામાં આવશે.

પાણીની પાઇપલાઇનો બદલાશે

શહેરના વોર્ડ નં. ૭ના ભીલવાસ, ગવલી વાડ, ઠક્કર બાપા તથા આસપાસના  વિસ્‍તારોમાં ૧,૩૯,૫૧,૬૫૦ કરોડના ખર્ચે બદલવામાં આવશે. આ લાઇન બદલવાથી વિસ્‍તારમાં પાણીની સમસ્‍યાનો હલ થશે. જ્‍યારે વોર્ડ નં. ૧૧માં મવડી પોલીસ હેડ કવાર્ટર, વોર્ડ નં. ૧૨માં પુનીતનગર, ૮૦ રોડ પર સર્વોદય સ્‍કુલ પાસે તથા આર્યમન રેસીડેન્‍સીમાં ૧.૯૬ કરોડના ખર્ચે ડીઆઇ પાઇપલાઇનનું કામ થશે. આ ઉપરાંત વિવિધ વિસ્‍તારોમાં ૨.૭૨ કરોડના ખર્ચે ડ્રેનેજ લાઇન, ૫૭.૯૦ લાખના ખર્ચે કમ્‍પાઉન્‍ડ વોલ, ૩ લાખના ખર્ચે કેમીકલ ખરીદવા, વોર્ડ નં. ૧૩ના ખોડિયારનગરમાં ૧૯.૬૪ લાખના ખર્ચે આંગણવાડીનું નવુ બિલ્‍ડીંગ બનાવવા સહિતની ૬૩ દરખાસ્‍તોને આજે મળેલ સ્‍ટેન્‍ડીંગ કમિટિની મીટીંગમાં મંજૂરીની મહોર લગાવવામાં આવી હતી.

(3:29 pm IST)