રાજકોટ
News of Friday, 23rd September 2022

ગરૂડ ગરબી ચોકમાં મંડપ નાંખી રહેલા મજૂરો સાથે ડખ્‍ખો થતાં મહિલા પીઆઇના પતિએ પિત્તો ગૂમાવી પિસ્‍તોલ કાઢી!

ગરબીના મંડપનું કામ કરી રહેલા મજૂરોને-આખો રોડ બંધ કરી દેવાય...કહી ગાળો દેતાં ચડભડ થયા બાદ પહેલા સાચી પિસ્‍તોલ કાઢી, પછી રમકડાની : પિસ્‍તોલ-લાઇટર સાથે લોકોએ પકડી લઇ એ-ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં રજૂ કરતાં તપાસઃ પીઆઇ હાલ ગાંધીનગર હોવાની વિગતો સામે આવી

પીઆઇ પત્‍નિની સરકારી પિસ્‍તોલ લઇને નીકળેલા અને મજૂરો સાથે માથાકુટ થયા બાદ આ પિસ્‍તોલ બતાવી માથાકુટ કરનારા શખ્‍સની તસ્‍વીરો, વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયા હતાં. આ શખ્‍સને એ-ડિવીઝન પોલીસને સોંપવામાં આવતાં તપાસ થઇ રહી છે.

રાજકોટ તા. ૨૩: શહેરના ગરૂડ ગરબી ચોકમાં ટુવ્‍હીલર લઇને નીકળેલા એક શખ્‍સે ત્‍યાં ગરબીના મંડપનું કામ કરી રહેલા મજૂરો સાથે રસ્‍તો મંડપના લાકડા, સામાન દૂર હટાવી લેવાનું કહી ઝઘડો કરી ગાળાગાળી કરતાં તેમજ આ શખ્‍સે નેફામાંથી પિસ્‍તોલ કાઢતાં ગરબીના કાર્યકરો, આગેવાનો અને લોકોએ તેને પકડી લઇ પોલીસને સોંપવા તજવીજ કરી હતી. આ શખ્‍સના પત્‍નિ મહિલા પોલીસ ઇન્‍સ્‍પેકટર હોવાનું ખુલતાં ચકચાર જાગી હતી.

જાણવા મળ્‍યા મુજબ બપોરે એક વ્‍યક્‍તિ જીજે૧૨ડીએચ-૭૨૦૨ નંબરનું એક્‍ટીવા લઇને રામનાથપરા ગરૂડ ગરબી ચોકમાંથી પસાર થઇ રહ્યો હતો ત્‍યારે ત્‍યાં ગરબીના મડપ ફીટીંગનું કામ ચાલી રહ્યું હોઇ તેના લાકડા સહિતનો સામાન રોડ પર હોવાથી ટ્રાફિક જામ થઇ ગયો હતો. આ  વખતે એક્‍ટીવા ચાલકે મજૂરોને ઝડપથી લાકડા સાઇડમાં લેવાનું કહેતાં મજૂરોએ થોડી રાહ જોવાનું કહેતાં આ શખ્‍સ ઉશ્‍કેરાઇ ગયેલ અને મજૂરો સાથે ગાળાગાળી શરૂ કરતાં મજૂરોએ ગાળો બોલવાની ના પાડતાં તેણે ઉશ્‍કેરાઇ જઇ નેફામાંથી પિસ્‍તોલ કાઢી હતી. આ વખતે ગરૂડ ગરબી ચોકના આયોજકો, કાર્યકરો અને બીજા મજૂરોએ તેને પકડી લેતાં તેણે પિસ્‍તોલ ફેંકી દીધી હતી અને રમકડાની પિસ્‍તોલ કાઢી પોતાની પાસે આ રમકડુ હોવાનું રટણ કર્યુ હતું.

બનાવની પોલીસને જાણ થતાં એ-ડિવીઝન પોલીસે આ શખ્‍સની પુછતાછ આરંભી હતી. લોકોએ એક સરકારી પિસ્‍તોલ પોલીસ સમક્ષ રજૂ કરી હતી. આ શખ્‍સે પોતાનું નામ જસજીતસિંઘ હોવાનું અને પોતાના પત્‍નિ પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર હોવાની ઓળખ આપતાં પોલીસ પણ ચોંકી ગઇ હતી. તે શા માટે પત્‍નિની પિસ્‍તોલ લઇને નીકળ્‍યો એ બાબતે ચર્ચા જાગી છે. વળી રમકડાની પિસ્‍તોલ પણ તેણે સાથે રાખી હતી. એ-ડિવીઝનના ઇન્‍ચાર્જ પીઆઇ ઇલાબેન સાવલીયા, પીએસઆઇ જે. ડી. વસાવા સહિતે પિસ્‍તોલ સાથે પકડાયેલા શખ્‍સની વિશેષ પુછતાછ યથાવત રાખી છે. તેના મહિલા પીઆઇ પતિ હાલ ગાંધીનગર હોવાનું પણ જણાવાયું હતું. ગૃહમંત્રીની હાજરી રાજકોટમાં છે એ વખતે જ એક મહિલા પીઆઇના પતિએ જાહેરમાં પિસ્‍તોલ કાઢતાં શહેરમાં ચકચાર મચી ગઇ છે.

(3:21 pm IST)