રાજકોટ
News of Friday, 23rd September 2022

ચોટીલાના ખડગુંદામાં દિલીપ સોલંકી પર રાજૂ ઉર્ફ ગડુનો જોટામાંથી ભડાકોઃ કમરમાંથી ગોળી આરપાર નીકળી ગઇ

કોળી યુવાન પાનના ગલ્લે ઉભો હતો ત્યારે રાજુ, તેનો ભત્રીજો અને મિત્ર સ્કોર્પિયોમાં આવ્યા અને 'મારા ભાઇને કેમ ગાળો દીધી?' કહી ફાયરીંગ કર્યુઃ રાજકોટ સારવાર હેઠળ રહેલા દિલીપે કહ્યું-ગાળો કોઇ બીજાએ દીધી'તી, મારા પર ખોટી શંકા કરી ભડાકો કરાયો

રાજકોટ તા. ૨૩: ચોટીલાના ખડગુંદા ગામે રહેતાં કોળી યુવાન પર તે સાંજે ગામમાં પાનના ગલ્લે ફાકી ખાઇને ઉભો હતો ત્યારે ગામના જ કોળી શખ્સ, તેના ભત્રીજા અને મિત્રએ સ્કોર્પિયોમાં આવી ઝઘડો કરી એક શખ્સે તેની બોચી પકડી રાખતાં અને બીજાએ બંદૂકના જોટામાંથી ભડાકો કરતાં ગોળી કમરની ડાબી બાજુએ આરપાર નીકળી ગઇ હતી. ગંભીર ઇજા થતાં તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમા ખસેડાયો છે. ભડાકો કરનારના ભાઇને કોઇએ ગાળો દીધી હોઇ તે આ કોળી શખ્સે દીધાની શંકા પરથી ફાયરીંગ થયાનું બહાર આવ્યું છે.

જાણવા મળ્યા મુજબ ખડગુંદા ગામે રહેતાં દિલીપ છગનભાઇ સોલંકી (કોળી) (ઉ.વ.૨૨) નામના યુવાનને મોડી રાતે સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. કમરના ભાગે ઇજા થઇ હોઇ તબિબની પુછતાછમાં તેણે ફાયરીંગ થયાનું કહેતાં પોલીસને જાણ કરાઇ હતી. હોસ્પિટલ ચોકીના કલ્પેશભાઇ સરવૈયાની પ્રાથમિક પુછતાછમાં દિલીપે કહ્યું હતું કે પોતે સાંજે આઠેક વાગ્યે ગામમાં પાનના ગલ્લે હતો ત્યારે રાજૂ ઉર્ફ ગડુએ જોટામાંથી ભડાકો કરી ઇજા પહોંચાડી હતી અને તેનાી સાથેના અજય તથા ડબ્બુએ પાઇપથી માર માર્યો હતો. આ મુજબની નોંધ નાની મોલડી પોલીસ સ્ટેશનમાં કરાવાઇ હતી.

હોસ્પિટલના બિછાનેથી દિલીપે કહ્યું હતું કે-હું બે ભાઇ અને બે બહેનમાં મોટો તથા કુંવારો છું અને ખેતી કરી ગુજરાન ચલાવુ છું. સાંજે હું અલ્પેશભાઇ મકવાણાની પાનની દૂકાને ફાકી ખાવા ગયો હતો અને ફાકી લીધા પછી પાંચેક મિનીટ ત્યાં ઉભો હતો. એ વખતે અચાનક ગામનો જ રાજુ ઉર્ફ ગડુ શીવા પરાલીયા તેન ભત્રીજા અજય વિનુ પરાલીયા અને મિત્ર ડબ્બુ સાથે સ્કોર્પિયોમાં આવ્યો હતો. ડબ્બુએ મારી બોચી પકડી લીધી હતી અને અજયએ પાઇપ ફટકાર્યો હતો. એ પછી રાજુ ઉર્ફ ગડુ તેની ગાડીમાંથી બંદૂકનો જોટો લઇને આવ્યો હતો અને મારા પર ભડાકો કરી દેતાં કમરની ડાબી બાજુએથી ગોળી આરપાર નીકળી ગઇ હતી.

રાજુએ મને 'મારા ભાઇને બે દિવસ પહેલા ગાળો શું કામ દીધી હતી?' તેમ કહી મારા પર ભડાકો કર્યો હતો. હકિકતમાં તેના ભાઇને કોઇ બીજાએ ગાળો ભાંડી હતી. હું ત્યારે હાજર પણ નહોતો. મારા પર ખોટી શંકા કરી ભડાકો કરવામાં આવ્યો હતો. પોલીસે આ અંગે વિશેષ તપાસ હાથ ધરી છે.

સુરેન્દ્રનગરના પ્રતિનિધી ફારૂક ચોૈહાણના અહેવાલ મુજબ બે દિવસ પહેલા વિનુ નામના શખ્સ સાથે દિલીપને સામાન્ય ઝઘડો થયો હતો. તેનો ખાર રાખી ફાયરીંગ કરાયું હોવાનુંસામે આવ્યું છે. હત્યાના પ્રયાસનો ગુનો નોંધવા પોલીસે કાર્યવાહી કરી હતી.

(3:31 pm IST)