રાજકોટ
News of Friday, 23rd September 2022

લાઇટ બીલ ભર્યુ નથી, કનેક્‍શન કપાઇ જશે એવો મેસેજ મોકલી વૃધ્‍ધ સાથે ઠગાઇઃ પોલીસે નાણા પાછા અપાવ્‍યા

યુનિવર્સિટી પીઆઇ એ. બી. જાડેજા, પીએસઆઇ એ. બી. જાડેજા અને ટીમે અરજદાર અશોકભાઇ દેસાઇને રૂા. ૩૦૩૫૪ પરત અપાવ્‍યા

રાજકોટ તા. ૨૧: સોશિયલ મિડીયા તથા ઇલેક્‍ટ્રોનિક (મોબાઇલ) દ્વારા લાલચ તથા અલગ અલગ કિમીયાઓ વડે લોકો સાથે છેતરપીંડી કરી નાણા પડાવતાં શખ્‍સો વિરૂધ્‍ધ કાર્યવાહી કરવા યુનિવર્સિટી પોલીસની ટીમ કાર્યરત હોઇ એક અરજદાર અશોકભાઇ વનમાળીદાસ દેસાઇ (ઉ.વ.૭૨-રહે. સ્‍વસ્‍તિક હાઇલેન્‍ડ ઇ-૨૦૩)ને તેમણે ગુમાવેલા રૂા. ૩૦૩૫૪ પરત અપાવ્‍યા છે. આ વૃધ્‍ધને અજાણ્‍યા નંબર પરથી વ્‍હોટ્‍સએપમાં મેસેજ આવ્‍યો હતો કે તમે લાઇટ બીલ ભર્યુ નથી, બીલ અપડેટ કરો નહિતર તમારું વિજજોડાણ કટ થઇ જશે. આ પછી અરજદારે મેસેજમાં આવેલા નંબર પર સંપર્ક કરતાં તેમને એક લિંક મોકલાઇ હતી. જે તેમણે ખોલતાં અને ઓટીપી સહિતની વિગતો ભરતાં જ તેમના બેંક એકાઉન્‍ટમાંથી રૂા. ૩૦૩૫૪  ઉપડી ગયા હતાં. સાયબર ક્રાઇમનો ભોગ બનેલા વૃધ્‍ધે યુનિવર્સિટી પોલીસનો સંપર્ક કરતાં પીઆઇ એ. બી. જાડેજા, પીએસઆઇ એ. બી. જાડેજા, હેડકોન્‍સ. ભગીરથસિંહ ખેર તથા કોન્‍સ. યોગરાજસિંહ ગોહિલે ટેકનીલક એનાલિસીસનો ઉપયોગ કરી બેંકના નોડલ ઓફિસરનો સંપર્ક કરી આ રકમ પરત અપાવી હતી. ઓનલાઇન ફ્રોડનો ભોગ બનનારે તુરત જ સાયબર ક્રાઇમ હેલ્‍પલાઇન નંબર ૧૯૩૦ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(3:36 pm IST)