રાજકોટ
News of Friday, 23rd September 2022

પ્રાચીન રાસ-ગરબા સંગ ધોળકિયા સ્‍કુલ દ્વારા નવરાત્રી મહાપર્વ ઉજવાશે

શકિત... શ્રધ્‍ધા અને ભકિતની ઝાંખી કરાવશે : સૂર - સંગીત - સંસ્‍કારીતાને વરેલી ધોળકિયાની પ્રાચીન ગરબીમાં કલાત્‍મક રાસની રમઝટ જામશે : નેશનલ - ઇન્‍ટરનેશનલ કક્ષાના સિંગર - ઓરકેસ્‍ટ્રા ટીમ કાર્યરત : ગરબી નિહાળવા અનુરોધ

રાજકોટ : ધોળકિયા સ્‍કુલની ગરબી મંડળના આયોજનની વિગત વર્ણવતા સંચાલક જીતુભાઇ ધોળકિયા, હિનાબેન આડેસરા, નેહલબેન ગાંધી, કોમલબેન શાહ, માહીબેન નજરે પડે છે. (તસ્‍વીર : અશોક બગથરિયા)

રાજકોટ તા. ૨૩ : આસો સુદ એકમથી આસો સુદ નોમ સુધીમાં-નવદુર્ગાની ભકિત - પૂજા - અર્ચના  આરાધના કરવા માટેનું મહાપર્વ એટલે ‘નવરાત્રી'. નવદુર્ગાની પ્રાચીન અને પરંપરાગત શૈલીમાં રાસ-ગરબાની રમઝટ બોલાવવા ધોળકિયા શાળા પરિવાર થનગની રહ્યો છે.

‘મા પાવા તે ગઢથી ઉતર્યા મહાકાળી રે' કે ‘રમે અંબે મા ચાચરનાં ચોકમાં રે લોલ' આવા પરંપરાગત ગરબાને જીવંત રાખવા સતત પ્રયાસ કરતી ધોળકિયા સ્‍કૂલની ભવ્‍યાતિભવ્‍ય પ્રાચીન ગરબીનાં ગરબા નિહાળવાનો લ્‍હાવો છેલ્લા દસકાથી શ્રી જી. કે. ધોળકિયા સ્‍કૂલને આંગણે ચાચર ચોકમાં છે.

ધોળકિયા સ્‍કૂલ્‍સ્‌ - રાજકોટ તેના વિદ્યાર્થીઓમાં શ્રેષ્ઠ શિક્ષણ, ઉત્તમ સંસ્‍કાર અને કુશળ નેતૃત્‍વના ગુણો વિકાસવવામાં ગુજરાતભરમાં ખ્‍યાતનામ છે સાથે-સાથે આ બાળકોમાં ભારતીય સંસ્‍કૃતિની ધરોહર સમાન ધાર્મિક ઉત્‍સવ સ્‍વરૂપ ‘મા નવદુર્ગાના' પ્રાચીન રાસ-ગરબા દ્વારા ભકિત આરાધનાનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આયોજન કરી બાળકોની અંદર વિદ્યાર્થીકાળથી જ સંસ્‍કૃતિ પ્રેમ, દેશપ્રેમ અને ધાર્મિક ભાવનાઓનું બીજરોપણ કરી છેલ્લાં દસ વર્ષથી આ બાળ માનસને ધર્મ અને ભારતની પરંપરાગત સંસ્‍કૃતિ તરફ અભિમુખ કરી રહી છે. જેના ભાગ રૂપે ધોળકિયા સ્‍કૂલ્‍સ્‌ની બાળાઓ માતૃવંદના કરવા, મા ના ગુણલાં ગાવા, માને રાજી કરવા થનગની રહી છે.

દાંડિયા, કરતાલ, બેડાં, દીવડાં, ટિપ્‍પણી, ખંજરી, મંજીરા, તલવાર, ત્રિશુલ, ઘડા, ૧૦૮ દિવા, ખંજરી, લહેરિયા રૂમાલ, ઘંટ, થાળી, ચુની, માંડવી અને અન્‍ય વિવિધ સાધન-સામગ્રી વડે મા અંબાની ભકિત કરી, ગુણગાન ગાઈ માને રીઝવવાના સ્‍તુતિમય પ્રયાસો કરાય છે.

ગરબે ઘુમતી, રૂમઝૂમ કરતી, ઝાંઝર ઝમકાવતી, દિવડા પ્રગટાવતી અને મા નવદુર્ગાના શકિતસ્‍વરૂપનાં ગુણલાં ગાતી ધોળકિયા સ્‍કૂલ્‍સ્‌ની  બાળાઓ જયારે સંપૂર્ણ મર્યાદા સાથે મા ની ભકિતમાં અને સુમધુર સંગીતના તાલે તાલ  મિલાવી - ભારતીય ભાતીગળ વેશભૂષામાં સજજ બની મંચસ્‍થ થઈ મા આદ્યશકિતની સ્‍તુતિ, આરતી, વંદના અને મા અંબા-જગદંબાના ગુણગાન ગાવા માટે માના વિવિદ્ય રૂપ, ગુણ, સૌદર્ય અને મા ના પરાક્રમોના પ્રશંસાત્‍મક પ્રાચીન ગરબા વડે સુમધુર સંગીતના સથવારે - તાલબદ્ધ - વૈવિધ્‍ય સભર કૃતિઓ પીરસશે ત્‍યારે નવલાં નવરાતની દરેક રાતમાં આદ્ય શકિતને રીઝવવાનું અનોખું પર્વ બની રહેશે. જેને નિહાળવું, અનુભવવું, માણવું એ પણ એક અમૂલ્‍ય લ્‍હાવો હશે.

ધોળકિયા સ્‍કૂલના સમગ્ર ટ્રસ્‍ટીગણ, આચાર્યગણ, સ્‍ટાફગણ તથા સમગ્ર વિદ્યાર્થી તથા વાલીગણે જહેમત ઉઠાવી છે. જે વર્તમાન ગરબીમાં પણ પરોક્ષ રૂપથી સહભાગી બન્‍યા છે. છેલ્લા નવ વર્ષથી ધોળકિયા સ્‍કુલ્‍સ્‌ શાળા પરિવાર નવરાત્રી પ્રાચીન રાસ-ગરબા મહોત્‍સવ કાર્યક્રમનું આયોજન કરી રહી છે. જેમાં બાળાઓ હોંશે-હોંશે ભાગ લઈ રહી છે.

દરેક વર્ષે આ પ્રાચીન ગરબીનું આયોજન કોઈ દિવાલ બંધ પાર્ટી - પ્‍લોટ કે પટાંગણમાં ટિકિટ કે એન્‍ટ્રી ફી લઈને નહીં, પરંતુ જાહેર જનતા માટે ચાચર ચોકમાં ખુલ્લા મંચ ઉપર કરવામાં આવે છે

ધોળકિયા સ્‍કૂલ્‍સ્‌ - રાજકોટના પ્રાચીન રાસ-ગરબાને નિહાળવાં રાજકોટ આખામાંથી માનવ મહેરામણ ઉમટી પડે છે, જેની નોંધ લઈ આયોજકો દ્વારા સુંદર અને સુવ્‍યવસ્‍થિત વ્‍યવસ્‍થાનું આયોજન દરેક વર્ષે કરવામાં આવે છે.

ધોળકિયા સ્‍કૂલ્‍સ્‌ દ્વારા નેશનલ-ઈન્‍ટરનેશલ કક્ષાના સિંગર તથા ઓરકેસ્‍ટ્રા ટીમ અને અદ્યતન મ્‍યુઝીક-લાઈટીંગ અને સાઉન્‍ડ સિસ્‍ટમ સાથે પ્રાચીન ગરબીનું આયોજન કરે છે.

સુમધુર સંગીતનો સથવારો સાંપડશે શ્રી એસ. ભાસ્‍કર અને તેમની સમગ્ર ટીમ જેમાં કુમારભાઈ પંડયા, કેતનભાઈ ટાટમિયા, ધરાબેન માંકડ અને પૂજાબેન પોતાના સૂરીલા સ્‍વર દ્વારા ગરબાની પ્રસ્‍તુતિ કરશે જયારે કી બોર્ડ પર ભાસ્‍કર શિંગાળા અને હિતેશ ગૌસ્‍વામી પોતાની કલા પીરસશે. રિધમમાં આશિષ ગોસાઈ, રાજેશ લિંબચિયા, કેયુર બુધ્‍ધદેવ અને જનકભાઈ વ્‍યાસ સેવા આપશે. નવરાત્રી મહોત્‍સવને સફળ બનાવવા, મીતુલભાઈ ધોળકિયા, ધવલભાઈ ધોળકિયા અને વિરલભાઈ ધોળકિયા સંચાલન કરે છે. તો સાથે મેનેજીંગ ટ્રસ્‍ટી કૃષ્‍ણકાંતભાઈ ધોળકિયા અને જીતુભાઈ ધોળકિયા પ્રિન્‍સીપલ તથા મેનેજમેન્‍ટ ટીમને પ્રોત્‍સાહીત કરી કાર્યક્રમને મળનારી સફળતા બદલ આગોતરો રાજીપો વ્‍યકત કરે છે.

સુમધુર સંગીતનાં સથવારે થનાર આ નવરાત્રી મહોત્‍સવને તા. ૨૬ થી તા. ૪ સુધી દરરોજ રાત્રે ૯ થી ૧૨ નિહાળવા શાળાનાં ટ્રસ્‍ટીગણ દ્વારા અનુરોધ કરવામાં આવ્‍યો છે.

(3:38 pm IST)