રાજકોટ
News of Friday, 23rd September 2022

મુંજકા ચોકડીએ દૂધ ઢોળનારા પાંચ શખ્‍સને યુનિવર્સિટી પોલીસે પકડયાઃ બે વાહન કબ્‍જે

બેડી ચોકડીએ નુકસાન કરનારા ત્રણને બી-ડિવીઝન પોલીસે પકડયાઃ ચોથા શખ્‍સ બહારગામ ભાગી ગયો

રાજકોટ તા. ૨૩: દૂધ વિતરણ બંધના માલધારી સમાજના એલાન અંતર્ગત કેટલાક સ્‍થળોએ કેટલાક તત્‍વોએ વાહનોને અટકાવી દૂધના કેરેટ ઢોળી નુકસાન કરવાના બનાવો બન્‍યા હતાં. આ મામલે શહેર પોલીસે પાંચ અલગ અલગ ગુના દાખલ કર્યા હતાં. જેમાં યુનિવર્સિટી પોલીસે પાંચ આરોપીઓને અને બી-ડિવીઝન પોલીસે ત્રણને પકડી લીધા હતાં. જુનાગઢની મધર ડેરીમાંથી દૂધ ભરી નોઇડા તરફ લઇ જવામાં આવતું હતું ત્‍યારે ગાડીને મુંજકા ચોકડી નજીક આ વાહનને અટકાવી દૂધ ઢોળી નુકસાન કરવામાં આવ્‍યું હતું. આ ગુનામાં જયદિપ રતાભાઇ બોરીચા (સ્‍વામિનારાયણ ચોક), વિવેક મનોજભાઇ સિંધવ (મવડી પ્‍લોટ નવલનગર-૫), હેમંત રમેશભાઇ સોઢા (નવલનગર-૧૮), ઉકેશ નાનુભાઇ ખાંભલીયા (મયુરનગર સંત કબીર રોડ) અને આદલ કમાભાઇ માલાણી (મોટા મવા મેકડોનેલ્‍સ પિઝ્‍ઝા સામે)ની સીસીટીવી ફૂટેજને આધારે તપાસ કરી ધરપકડ કરી છે. તેમજ બૂલેટ જીજે૦૧એમએન-૦૦૦૧ કિંમત ૧ લાખ અને નંબર વગરનું હોન્‍ડા કિમત ૨૫ હજારના કબ્‍જે કર્યા છે. પીઆઇ એ. બી. જાડેજા, પીએસઆઇ એ. બી. જાડેજા, એએસઆઇ એમ. આર. ઝાલા, હેડકોન્‍સ. રાજેશભાઇ મિયાત્રા, સિધ્‍ધરાજસિંહ જાડેજા, યુવરાજસિંહ ઝાલા, કુલદિપસિંહ જાડેજા, કોન્‍સ. વનરાજભાઇ લાવડીયા, બલભદ્રસિંહ જાડેજા, દિવ્‍યરાજસિંહ જાડેજા, મૈસુરભાઇ કુંભારવાડીયા, યોગરાજસિંહ ગોહિલ સહિતે આ કામગીરી કરી હતી. જ્‍યારે મોરબી રોડ બેડી ચોકડીએ દૂધની ગાડી રોકી કેરેટ રોડ પર ફેંકી દૂધની કોથળીઓ ઢોળી નાંખી નુકસાન કરવાના ગુનામાં બી-ડિવીઝન પીઆઇ એમ. સી. વાળા, પીએસઆઇ એચ. એમ. ઝાલા સહિતના સ્‍ટાફે ત્રણ આરોપીઓ જય નવઘણભાઇ ટોળીયા, ગોપાલ કરસનભાઇ સાંભડ, આશિષભાઇ લીંબાભાઇ ઘીયડની ધરપકડ કરી છે. ચોથો આરોપી ચિરાગ ભાગી ગયો હોઇ તેની શોધખોળ થઇ રહી છે.

(3:40 pm IST)