રાજકોટ
News of Friday, 23rd September 2022

પરા પીપળીયાની વાડીમાં ક્રાઇમ બ્રાન્‍ચનો દરોડોઃ ઘોડીપાસાનો જુગાર રમતા ૧પ શખ્‍સો ઝડપાયા

મોહસીન મોટાણી અને મોહસીન પઠાણ સંચાલીત જુગાર કલબ ઉપર લાંબા સમયથી ક્રાઇમ બ્રાન્‍ચની વોચ હતીઃ રાજકોટ ગ્રામ્‍ય, મોરબી, સુરેન્‍દ્રનગર જીલ્લાની હદમાં ફરતો-ફરતો જુગાર રમાડી પોલીસથી બચતા રહેતા

રાજકોટ, તા., ર૩:  જામનગર રોડ પરના પરા પીપળીયાની વાડીમાં મોટા પાયે જુગાર ચાલતો હોવાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્‍ચના પીઆઇ વાય.બી.જાડેજા અને જે.વી.ધોળાની ટુકડીએ ત્રાટકી ઘોડીપાસા રમતા ૧પ શખ્‍સોને દોઢ લાખની રોકડ સાથે ઝડપી લીધા હતા. કલબના સંચાલક તરીકે મોહસીન પઠાણ અને મોહસીન મોટાણી હોવાનું બહાર આવ્‍યું છે.

છેલ્લા ઘણા સમયથી ઘોડીપાસાની આ કલબ જુદા-જુદા જીલ્લાની હદમાં હરતી-ફરતી રહેતી હોવાની બાતમી હોવાથી શહેર ક્રાઇમ બ્રાન્‍ચની વોચ હતી. દરમિયાન ગઇ રાત્રીના જુગારીઓ જામનગર રોડ પરના પરા પીપળીયામાં આવેલી એક વાડીમાં જુગાર રમતા હોવાની બાતમી પી.આઇ. વાય.બી.જાડેજાને મળતા પીએસઆઇ બી.વી.બોરીસાગર, એએસઆઇ રાજદીપસિંહ ગોહીલ, હેડ કો. હરેશગીરી ગોસાઇ, ધર્મેન્‍દ્રસિંહ જાડેજા, પોલીસમેન જયપાલભાઇ બરાલીયા, કુલદીપસિંહ રાણા અને સ્‍મીત વૈષ્‍નાણીની ટુકડી બિલ્લી પગે વાડી ઉપર પહોંચી ગઇ હતી અને ઘોડીપાસાનો દાવ ખેલવામાં મશગુલ ૧પ જુગારીઓને ઝડપી લીધા હતા.

ઝડપાયેલા જુગારીઓમાં   અશોક મનુભાઇ હરીયાણી (ઉ.વ.૩પ) રહે. પરાપીપળીયા, રાજકોટ, મોહસીન મહમદ હુસેન પઠાણ (ઉ.વ.૩૩, રહે. પરસાણા નગર-૬, જામનગર રોડ રાજકોટ) ગફાર નુરમહમદ સુમર (ઉ.વ.પ૦ રહે. પોપટપરા શેરી નં. ર રાજકોટ), હરેશ ભગતરામ ભખતીયાપુરી (ઉ.વ.૩ર, રહે. ગાયકવાડી શેરી નં. ૧૦) પાલાભાઇ કારાભાઇ રાવળીયા (ઉ.વ.૩પ, રહે. ઇન્‍દીરા કોલોની-જામનગર), તનવીર રફીકભાઇ શીશાંગીયા (ઉ.વ.૪૦-રહે. જંગલેશ્વર-૧૬), અસલમ મહમદભાઇ કલર (ઉ.વ.૩૦, ગંજીવાડા-૧૧), જગદીશભાઇ દેવજીભાઇ સોલંકી (ઉ.વ.૪૭, જામનગર ખેતીવાડી કેન્‍દ્ર સામે જામનગર), જેનુલ મુસાભાઇ માનોરીયા (ઉ.વ.૩૭, રહે. ભાવસાર ચકલો, જામનગર), સુનીલ જ્ઞાનચંદ લાલવાણી (ઉ.વ.૪૬, રહે. પ૮/દિગ્‍વીજય પ્‍લોટ-જામનગર), દિનેશ પ્રેમજીભાઇ પરમાર (ઉ.વ.૩૭, રહે. હરીયા કોલેજ બાજુમાં-જામનગર), અશ્વીન પ્રેમજીભાઇ ગોહીલ (ઉ.વ.૩૦, રહે. હુલર મીલ, ખેતીવાડી સામે-જામનગર), પ્રકાશભાઇ રમેશભાઇ જાદવ (ઉ.વ.૪૦, રહે. જામનગર હુલર મીલ સામે) અને મોહસીન સલીમભાઇ મોટાણી (ઉ.વ.૩૧, ધંધો કેબલ કનેકશન, રહે. ભીસ્‍તીવાડ શેરી નં. ૧ રાજકોટ) નો સમાવેશ થાય છે.

(3:46 pm IST)