રાજકોટ
News of Friday, 23rd September 2022

લેઉવા પટેલ સમાજના ખેલૈયાઓ રાસે રમશે

જય સરદાર પટેલ યુવા ગ્રુપ નવરાત્રી સમીતિ દ્વારા ૨૦માં વર્ષે આયોજન : વિશાળ પાર્કીંગ સુવિધા, ચુસ્‍ત સિકયુરીટી, વિજેતા ખેલૈયાઓને ઇનામોથી નવાજાશે

રાજકોટઃ લેઉવા પટેલ સમાજની ટીમ પટેલ યુવા ગ્રુપ નવરાત્રી સમિતિ આયોજીત નવરાત્રી મહોત્‍સવ ૨૦૨૨ નાનામોવાચોક નજીક હજારો લેઉવા પટેલ યુવક-યુવતીઓ મનમુકીને રાસોત્‍સવની રંગત માણશે.

૧૯ વર્ષ પહેલા જયારે જ્ઞાતિ લેવલે દાંડીયા રાસનું આયોજન નક્કી કરેલ ત્‍યારથી અત્‍યાર સુધી શ્રીસંજય સગપરીયા તથા શ્રીકેતન વેકરીયા દ્વારા જય સરદાર નવરાત્રી મહોત્‍સવના આયોજન માટે કમિટી બનાવેલ છે જેમાં ચાલુ વર્ષે વિજયભાઇ દેસાઇ પ્રમુખ સ્‍થાને છે અને કમિટીનાં સંજય સગપરીયા, કેતન વેકરીયા, સુરેશ નસીત, ચિરાગ પરસાણા, સુનિલ વેકરીયા, જીતુ મેઘાણી, નયન પટેલ, રાજેશ પટેલ, અશ્વિન ચાંગાણી, મોહિત પટેલ, નૈમિષ ઠુંમર, ભુમિત પટેલ, જયદિપ પાદરીયા, હરેશ સખીયા, હિતેષભાઇ વાડોલીયા, ગૌરાંગ ઘેલાણી, હિરેન વેકરીયા અને રમેશભાઇ વેકરીયા છે.

જય સરદાર નવરાત્રી મહોત્‍સવનાં આયોજનમાં જે પણ રકમ વધે છે તે રકમ માંથી અનેક પ્રકારની સેવાકીય પ્રવૃતિઓ જેમાં અંદાજીત ૫૦ બાળકોને ભણતર પેટે દત્તક લીધેલ છે. બ્‍લડ ડોનેશન કેમ્‍પનું આયોજન થતું હોય છે.

નાનામોવા રોડ અને ૧૫૦ ફુટ રીંગરોડવાળી ૨ એન્‍ટ્રી સાથે વિશાળ ગ્રાઉન્‍ડ અને મોટું પાર્કિગની સાથે સીસીટીવી કેમેરા તથા બાઉન્‍સર સાથેની ચુસ્‍ત સિકયુરીટીની વ્‍યવસ્‍થા કરેલ છે. ખેલૈયાઓ પારિવારીક વાતાવરણમાં રાસોત્‍સવની મજા માણશે. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(3:53 pm IST)