રાજકોટ
News of Monday, 23rd November 2020

૧૯૬૬માં સૌરાષ્ટ્રમાં ઓશોના પ્રથમ પગલા પડયા હતા

૧૯૬૬માં રતુભાઇ અદાણીએ તુલસીશ્યામ ખાતે ઓશોની શિબિરનું આયોજન કર્યું હતું, જેનું દીપ પ્રાગટય રવિશંકર મહારાજે કર્યું હતું : ૪૦૦ શિબિરાર્થીઓની ધારણા સામે ૭૦૦ ઉપસ્થિત રહ્યા હતા : ઓશોની સૌરાષ્ટ્રયાત્રા માણોઃ સન્યાસી રોતલ, શુષ્ક નહિ, પ્રસન્ન અને મ્હેકતા વસંત જેવા હોય છેઃ મારો સન્યાસી ત્યાગી નથી, ભોગી પણ નથી : ઓશોઃ ઓશો અને રવીન્દ્રનાથ ટાગોરના અંતેવાસી મલ્લિકજીનું મિલન રાજકોટમાં થયું હતું: વડોદરામાં ઓશો પર બૂટ ફેંકાયુ હતું, વાગ્યું નહિ- ઓશોએ તુરંત : જ કહ્યું- 'દુસરા બૂટ ભી આને દો !': ઓશો જન્મે જૈન હતા, તેઓ જૈન સાધુ હોવાની ભ્રમણા પણ ચાલી હતી : જો કે ઓશોના વિચારોથી રૂઢિચુસ્ત જૈનોને આઘાત લાગ્યો હતોઃ સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, કેશોદ, પોરબંદર, દ્વારિકા, વઢવાણ, સુરેન્દ્રનગર, ભાવનગરમાં કાર્યક્રમો થયા હતા : ૧૯૬૯થી રાજકોટમાં ઓશોનો ઉતારો જયમલ્લભાઇના ઘેર રહેતો ઓશોએ ગાંધીજી પર આકરા પ્રહારો કર્યા હતા, જો કે બાદમાં સ્પષ્ટતા પણ કરેલી

''સત્ય સદૈવ યુવાન છે. પણ મનુષ્યના મન પર 'જૂના'ની એવી પ્રગાઢ અસર છે કે એના ચિત્તમાં નવાનો જન્મ જલદી નથી થતો. જૂનાની કેટલીક સામગ્રી બિન-ઉપયોગી હોય તેને તોડવાનો પુરૂષાર્થ-સાહસ તો કરવા જ પડશે.''

૧૯૬પની સાલમાં એક યુવાન વિચારકે ઉચ્ચારેલા આ શબ્દો છે. સમયની આરપાર થઇને જેમના વિચારો - જેમના પુસ્તકો- આજેપણ દિશાસૂચક બની રહ્યા છે, તે આચાર્ય રજનીશજીનું આ મંતવ્ય છે. તેઓ જયારે આચાર્ય હતા અને ઓશોમાં પરિવર્તિત થયા નહોતા ત્યારે સૌરાષ્ટ્રમાં ૧૯૬૬ થી ૧૯૭૦ સુધી અવાર નવાર આવતા રહેલા.

જબલપુર પાસેના ગાડરવારા ગામમાં ૧૯૩૧ ના ડિસેમ્બરની ૧૧મીએ તેમનો જન્મ થયેલો. તેમના પિતા બાબુલાલજી અને માતા સરસ્તવીદેવી. બે બહેનો અને છ ભાઇઓનો પરિવાર. પિતાને ગાડરવારામાં કાપડની દુકાન હતી. રજનીશજીના કાકા અમરતલાલજી 'ચંચલ' ઉપનામથી હિન્દીમાં કવિતાઓ લખતા. રજનીશજી ભણવામાં અત્યંત તેજસ્વી હતા. તેઓ નવમાં ધોરણમાં અભ્યાસ કરતા ત્યારે જયપ્રકાશ નારાયણ ગાડરવારા આવેલા રજનીશજીએ મજદૂરોના પ્રશ્નો અંગે સંવેદનાસભર વિચારો વ્યકત કરેલા, જે સાંભળીને જયપ્રધાશ નારાયણ પ્રભાવિત થયેલા. જબલપુરની કોલેજમાં ઇન્ટર આર્ટ્સમાં અભ્યાસ કરતા હતા ત્યારે લોજિકના એક મુદા ઉપર અધ્યાપક સાથે વિવાદ થયો. આ મુદ્દા ઉપર તેમને કોલેજ છોડવી પડી અને જબલપુરની અન્ય કોલેજમાંથી દર્શનશાસ્ત્રના વિષય સાથે રજનીશજી બી.એ. થયા. સાગર યુનિવર્સિટીમાંથી એમ.એ. થયા. એમ.એ. થયા પછી પહેલા રાયપુર (હાલના છત્તીસગઢ) અને બાદમાં જબલપુરની કોલેજમાં દર્શનશાસ્ત્રના અધ્યાપક બન્યા. પોતાની તેજસ્વીતા તેમજ વિષય સાથેના તાદાત્મ્યથી રજનીશજી વિદ્યાર્થીઓના અત્યંત પ્રીતીપાત્ર અધ્યાપક બની રહેલા.

૧૯૬૪-૬પ ના વર્ષમાં કેન્દ્ર સરકારે ભાષાના  પ્રશ્ન માટે કોઠારી કમીશનની રચના કરેલી. મધ્યપ્રદેશની સરકારે પોતાના પ્રતિનિધિ તરીકે રજૂઆત કરવા રજીનીશજીને પસંદ કરેલા. યુવાન અધ્યાપક તરીકે રજનીશજીની ઝળહળતી કારકિર્દિ હતી, પણ જીવનની દિશા બદલાઇ રહી હતી. સમાજને ઢંઢોળવાનું વૈચારિક નવજાગરણ લાવવાનું કાર્ય રજનીશજીએ ૧૯૬૪ માં આરંભ્યુ અને અધ્યાપકમાંથી આચાર્ય રજનીશજીનો આવિર્ભાવ થયો, મુંબઇ તેમનું મુખ્ય મથક બન્યું અને અમેરિકા જતા પહેલા ઘણાં વર્ષો તેઓ મુંબઇમાં પેડર રોડ ઉપર સ્થાયી થયેલા. ત્યાંથી ભારતભરમાં પરિભ્રમણ કરતા. 'જીવન જાગૃતિ કેન્દ્ર' નામના એક સંગઠનની તેમના સમર્થકો તેમજ પ્રશંસકોએ સ્થાપના કરેલી. તેના દ્વારા હિન્દીમાં 'જયોતિશીખા' નામના સામયિકનું પ્રકાશન થતું જેમાં આચાર્ય રજનીશજીના વ્યાખ્યાનો પ્રસિદ્ધ થતા તેમજ તેમનો પ્રવાસ કાર્યક્રમ પણ આપવામાં આવતો હતો.

તુલસી શ્યામની શિબિર

ગુજરાત કોંગ્રેસના એક સમયના અડીખમ આગેવાન, કુશળ વહીવટકર્તા અને રાજયની અનેક રચનાત્મક સંસ્થાઓના સ્થાપક રતુભાઇ અદાણીએ ૧૯પર થી ૧૯૬૭ અને ૧૯૭ર થી ૧૯૭૪ સુધી ઉના મતવિસ્તારનું સૌરાષ્ટ્ર, મુંબઇ અને ગુજરાત વિધાનસભામાં પ્રતિનિધિત્વ કર્યું હતું. તુલસીશ્યામ એ ઉના મતવિસ્તાર નીચે આવે છે.તુલસીશ્યામને કેવળ ધાર્મિક દૃષ્ટિએ નહીં, પણ રાજયના એક પવિત્ર તીર્થધામ તરીકે વિકસાવવાની એમના મનમાં  રૂપરેખા તૈયાર થઇ. સરકારી તંત્ર મારફત રતુભાઇએ પ્રયાસો કર્યા અને સામાજીક સહયોગ મેળવવા તુલસીશ્યામ વિકાસ સમિતીની રચના કરી. દુલાભાઇ કાગની સમિતિના પ્રમુખ પદે નિયુકિત કરવામાં આવી. અન્ય સભ્યોમાં દેવાયતભાઇ વરૂ, સુરગભાઇ વરૂ, હાવાભાઇ સંઘવી, પરમાણંદભાઇ ઓઝા, બાબુભાઇ શેઠ અને જયમલ્લભાઇ પરમારનો સમાવેશ થતો હતો. આ સમિતિ તરફથી લોકોના સહકારથી અને સરકારી સહાયથી ક્રમશઃ ઘણી પ્રવૃતિઓ હાથ ધરાઇ તેમાં ઉનાથી તુલસીશ્યામ સુધીની પાકી સડક તૈયાર કરવામાં આવી. મંદિરની બાજુમાં નવી ગૌશાળા અને એસ.ટી.નું કાયમી સ્ટેન્ડ તૈયાર કરાવવામાં આવ્યું. રૂક્ષ્મણીજીની ટેકરી ઉપર ચડવા માટે વ્યવસ્થિત પગથિયા તૈયાર કરવામાં આવ્યા. જિલ્લા લોકલબોર્ડતરફથી વિશાળ પથિકાશ્રમ બંધાવવામાં આવ્યું. વગેરે કામો ૧૯૬૦ થી ૧૯૬૬ના છ વર્ષો દરમ્યાન તુલસીશ્યામમાં થયા હતા.

પરંતુ આ બધા પછી સંજોગો સાનુકુળ ન રહેતા, તુલસીશ્યામ વિકાસ સમિતિને પોતાની પ્રવૃતિ સંકેલી લેવાનો નિર્ણય કરવો પડયો. પ્રવૃત્તિ આટોપતા પૂર્વે કોઇ વિદ્વાન વકતાનો લાભ મળે તે હેતુથી તપાસ કરવામાં આવી. આગળ જણાવ્યું તેમ, મુંબઇમાં જીવન જાગૃતિ કેન્દ્રની સ્થાપના થયેલી, જેના સંચાલકોમાં જટુભાઇ મહેતા, દુર્લભજીભાઇ ખેતાણી, પૂર્ણિમાબેન પકવાસા, પરમાણંદભાઇ કાપડિયા, વગેરે અગ્રણીઓ જૈન સમાજના એક ઉદયમાન અને તેજસ્વી સિતારા તરીકે મુંબઇના જૈન સમાજે ૧૯૬પ થી ૧૯૭૦ દરમ્યાન રજનીશજીને અનહદ આવકાર તેમજ પ્રોત્સાહન આપેલા.

જોગાનુજોગ રજનીશજી પણ જૈન હતા. રતુભાઇ અદાણીએ મુંબઇના મિત્રો મારફત ઉપરોકત અગ્રણીઓનો સંપર્ક સાધી, રજનીશજીને તુલસીશ્યામ ખાતે ત્રણ દિવસની શિબિરમાં આવવા આમંત્રણ આપ્યું. મુંબઇના આગેવાનો મૂળ સૌરાષ્ટ્રના વતનીઓ હતા, એટલે રજનીશજી સૌરાષ્ટ્રમા આવી વતનનો પરિચય કરે તે પણ એક ઉદ્દેશ હતો.

૧૯૬૬ના ફેબ્રુઆરી મહિનાની તા.૧૮/૧૯/ર૦ના ત્રણ દિવસો શિબિર માટે મુકરર કરવામાં આવ્યા. સમગ્ર આયોજન માટે રતુભાઇ અદાણી, જયમલ્લભાઇ પરમાર, અને સુરગભાઇ વરૂએ એક મહિના પહેલા તુલસીશ્યામમાં ધામા નાખ્યા. અંતુભાઇ ભટ્ટ, જીવરાજભાઇ ગોહિલ વગેરે મિત્રો  કામે વળગ્યા. ત્રણ દિવસની શિબિરમાં ચારસો માણસો આવશે એવો અંદાજ હતો પણ સાતસોની સંખ્યા થઇ.

તા.૧૮મી ફેબ્રુઆરીએ સવારે રવિશંકર મહારાજે દીપપ્રાગટય કરી શિબિરને ખુલ્લી મુકી. ત્રણમાંથી બે દિવસ રવિશંકર મહારાજ, રજનીશજીની સન્મુખ શ્રોતાવર્ગમાં બેઠા. શિબિર ખૂબ સફળ નિવડી. આચાર્ય રજનીશજીનો સૌરાષ્ટ્રમાં એ પહેલો કાર્યક્રમ.

શારદાગ્રામ શિબિર

એક સમયે રજનીશજી ઉપર દાદા ધર્માધિકારીનો પ્રભાવ હતો. ગાંધીજીને જોવા પોતાની ઉગતી યુવાવસ્થામાં રજનીશજી એકવાર સેવાગ્રામ આશ્રમ પણ ગયેલા. વિચારક તરીકે એક તબકકે તેઓ વિનોબાજીથી પણ આકર્ષાયેલા અને વિનોબાજીને મળવા રજનીશજી પવનાર આશ્રમ  ગયેલા.

રજનીશજીની ત્રિદિવસીય બીજી શિબિર ૧૯૬૭ના એપ્રિલ માસમાં શારદાગ્રામ ખાતે યોજાયેલી. ઢેબરભાઇ, મનસુખરામભાઇ જોબનપુત્રા, રસિકભાઇ પરીખ, બચુભાઇ રાજા,  રતુભાઇ અદાણી, જયમલ્લ પરમાર, વીરેન શાહ જેવા આગેવાનો આ શિબિરમાં સામેલ થયા હતાં.

સૌરાષ્ટ્રમાં પ્રવચનો

રાજકોટ ઉપરાંત ૧૯૬૭ થી ૧૯૭૦ દરમ્યાન તેમના વકતવ્યો જૂનાગઢ, કેશોદ, પોરબંદર, દ્વારકા, વઢવાણ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, ભાવનગરમાં યોજાયા હતાં. ભાવનગરના રાજવી વીરભદ્રસિંહજીએ તેમને નિલમ બાગ પેલેસમાં આમંયેલા. 'પ્રભુકી પગદંડિયાં' નામનું તેમનું પ્રવચન ખૂબ પ્રચાર-પ્રસાર પામેલું. સૌરાષ્ટ્રના બુધ્ધિજીવી વર્ગ ઉપર  રજનીશજીની આભા છવાઇ ગયેલી. દ્વારકામાં પુષ્કરભાઇ ગોકાણી, પોરબંદરમાં નાનુભાઇ પંડયા અને ધીરેન્દ્રભાઇ મહેતા, સુરેન્દ્રનગરમાં હસુભાઇ વોરા, અરવિંદભાઇ આચાર્ય, નટુભાઇ મહેતા, અનોપચંદ શાહ વગેરે આચાર્ય રજનીશજીના કાર્યક્રમોનું આયોજન કરતા હતાં. સુરેન્દ્રનગરમાં યોજાયેલા પ્રવચનો વખતે રજનીશજીની વાણી સાંભળવા થાનગઢ અને ચોટીલાથી લોકો આવતાં. મેળાનું મેદાન લોકોથી હકડેઠઠ ભરાઇ જતું. વઢવાણના વિકાસ વિદ્યાલયમાં અરૂણાબેન દેસાઇએ અને રાજકોટના કાંતા સ્ત્રી વિકાસગૃહમાં હીરાબેન શેઠે રજનીશજીના વકતવ્યો ગોઠવેલા. 'નારી શકિત' ઉપર તેઓ અદ્ભુત બોલ્યા હતાં. 'સ્ત્રીની સૌથી મોટી દુશ્મન પુરૂષ નહીં, પણ સ્ત્રી છે, એ વાત રજનીશજીએ સામાજિક ઉદાહરણો આપીને પ્રસ્તુત કરેલી.'

તીથલ અને નારગોલ

ગુજરાતમાં અમદાવાદ, સુરત, વડોદરા, આણંદ ખાતે તેમના પ્રવચનો યોજાતાં. અમદાવાદના ટાઉન હોલમાં રજનીશજીના પ્રવચનો ગોઠવાતાં. ઉદાહરણો અને ટૂંકી વાતો દ્વારા પોતાની વાત કહેવાની આગવી શૈલી તેમની હતી અને શ્રોતાઓ  ઉપર આ શૈલી ભુરકી છાંટતી તેમ કહી શકાય. એક કલાકને અંતે તેમનું વકતવ્ય વિરામ લે ત્યારે જાણે હવા થંભી ગયેલી લાગે. સુરત પાસે નારગોલ અને વલસાડ પાસે તીથલમાં સમુદ્રના રમણીય તટ પર રજનીશજીની ત્રણ ત્રણ દિવસની શિબિરો યોજાતી. ૧૯૬૮ કે ૧૯૬૯ માં તીથલમાં યોજાયેલી આવી જ એક શિબિરમાં રાજકોટના ધીરૂભાઇ દવે સાથે જવાનું મને (આ લખનારને) સદ્ભાગ્ય મળેલું. મારી કિશોરાવસ્થા અને ઊગતી યુવાવસ્થામાં રજનીશજીના વકતવ્યોનંુ નિકટથી બેસીને આકંઠ પાન કરેલું તેની મધુર યાદો આજે અર્ધી સદી પછી પણ મનમાં અકબંધ જળવાયેલી છે.

'દૂસરા બુટ આને દો'

અનેક વિશેષતાઓ ઇશ્વરે રજનીશજીમાં ઠાંસી ઠાંસીને ભરી હતી. તેમની વેધક આંખો સામેની વ્યકિતને આરપાર માપી લેતી. ધર્મ, સમાજ જીવન, અધ્યાત્મ ઉપર તેઓ બોલતા અને ૧૯૭૦ સુધી સંન્યાસના રજનીશજી ટીકાકાર હતાં. રાજકીય, સામાજિક, ધાર્મિક અથવા આધ્યાત્મિક ક્ષેત્રની કોઇપણ વ્યકિતના વિચારો સાથે તેઓ સહમત ન થાય તો તેનું નામ લઇને નિર્ભિકતાથી, પણ વિવેકપૂર્વક રજનીશજી ટીકા કરતા. ૧૯૬૭ માં બિહારમાં દુકાળ પડેલો અને અનેક સેવાભાવી લોકો તેમજ સંસ્થાઓએ જયપ્રકાશ નારાયણની અપીલ સાંભળીને બિહારમાં દુકાળ-રાહતના કામો હાથ ધરેલા. આ પ્રવૃતિમાં લોકોને અનાજ, જીવનજરૂરી ચીજો ઇત્યાદિ વિનામુલ્યે આપવામાં આવતું હતું. આ રીતે કરવામાં આવતા વિતરણ સામે રજનીશજીને ભારોભાર નારાજગી હતી. તેઓ કહેતા લોકો પાસે કામ કરાવીને નાણા અથવા વસ્તુ આપો. વિનામુલ્યે આપવાથી લોકોમાં આળસ વધશે, કામચોર થશે અને સરવાળે દેશને જ નુકશાન થશે.

એક સંતપુરૂષે બિહારમાં દુકાન રાહતની પ્રશંસનીય કામગીરી કરી હતી. પણ ઉપરોકત વિચારાધારાને કારણે રજનીશજીના મનમાં તે વાત સ્વીકાર્ય ન હતી. તેમણે આ સંતપુરૂષની આકરી ટીકા કરેલી. વડોદરામાં રજનીશજીનું વકતવ્ય યોજાયું હતું. આ સંતપુરૂષના એક અનુયાયીએ આવેશમાં આવી જઇને બુટનો ઘા રજનીશજી ઉપર કર્યો સદ્ભાગ્યે બુટ તેમને વાગ્યું નહીં, બાજુમાં પડ્યું. સભામાં હોહા થઇ પડી. પરંતુ જરાપણ વિચલિત થયા વગર રજનીશજી સ્વસ્થતાથી બેઠા રહ્યા અને બુટ ફેંકનાર વ્યકિતને ઉદેશીને માઇકમાં બોલ્યા : 'દૂસરે બુટકા કયા કરોગે ? એક બુટ તો પહેના નહીં જા સકતા. દૂસરા બુટ ભી મેરે પાસ આને દો !' આ તેમની સ્વસ્થતા. જેનો માંહ્યલો જાગૃત થઇ ગયો હોય તેનામાં જ આવી ખુમારી તથા સ્વસ્થતા સંભવે !

આકર્ષણનાં કારણો

આચાર્ય રજનીશજીના વિચારોથી વિચારશીલ વર્ગ આકર્ષાયો તેનું એક કારણ એ હતું કે વિચારશુધ્ધિ અને આત્મશુધ્ધિનો એક તેજસ્વી તરીકો લઇને આચાર્યશ્રી આગળ આવેલા. ધર્મ અને સમાજ અંગે બધા બધું વિચારી શકતા નથી. તેમ બધા બધું બોલી શકતા નથી. આચાર્યશ્રીના વકતવ્યમાં  બીજા જે નહોતા બોલી શકતા અથવા જે નહોતા વ્યકત કરી શકતા એનો પડઘો હતો. નવી તાકાતથી - નવા જોશથી આચાર્યશ્રીની તેજસ્વી બાનીમાં મુંઝવણથી વૈચારિક રીતે મૂક બની ગયેલા માનવીની અંતરની વાતોનો પડઘો પડતો જણાતો હતો. લોકોને આચાર્યશ્રીની વાણીમાં પોતાની પરિતૃપ્તિ મળી જણાતી હતી. હતાશ યુવાનીમાં આશાનો સંચાર થતો હતો.

એમની વિચારસરણી એક મુકત વિચારનો -મુકત માનવનો દિશાદોર આપતી હતી. એ સંપ્રદાયરહીત અને કોઇ ગુરૂપરંપરાથી પણ રહીત હતી. કોઇ શાસ્ત્રબાધિત કે બુધ્ધિબાધિત પણ ન હતી. એમાં વૈજ્ઞાનિક અંધશ્રધ્ધા પણ દેખાતી ન હતી, કારણે કે એ આત્મલક્ષી લાગતી હતી.

શ્રોતાઓની બુધ્ધિમાં બેસે તો જ પોતાની વાત સ્વીકારવાનું રજનીશજી કહેતા. પોતાની વાત વગરવિચારે સ્વીકારીને નવું દાસત્વ કેળવવાની તેઓ ના પાડતા હતા. એમણે રૂઢિગત ને ચાલી આવતી વિચારસરણીઓ સામે પ્રચંડ બળથી, પણ સૌમ્ય રીતે પ્રહારો કરવા શરૂ કરેલા. એમનો વેગ-આવેગ ઘણો, ધારદારને વીંધી નાખનારો હતો.

આચાર્ય રજનીશજીએ જર્જરિત ખ્યાલોને ફેંકી દેવાની બુલંદ ઘોષણા કરીને સ્થગિત બની ગયેલા વિચારોને આઘાતો આપી હચમચાવ્યા. વિચારોની દુનિયામાં એમણે હલચલ મચાવી દીધી. શબ્દોને, અર્થને, રહસ્યને નવી રીતે ઘટાવવાની, વિચારોને નવી રીતે મુકવાની એમની શૈલી અત્યંત આકર્ષક રહેલી.એમને સાંભળતી વખતે માણસ બીજા પ્રત્યાઘાત ભૂલી જાય એવો પ્રવાહ રજનીશજી પેદા કરી શકતા. એમની કાવ્યમય વાણીમાં ભાવના આરોહ-અવરોહ પેદા કરવાની લયબધ્ધ સુરાવટ બંધાઇ જતી. લોકોને એક પ્રકારનું વૈચારિક બળ મળ્યા કરતું અને વિચારોની સફાઇ પણ મળ્યા કરતી.

વિષયાનંદ અને બ્રહ્માનંદ

રજનીશજીના વિચારોએ શરૂઆતથી જ સંપ્રદાયોના અને રૂઢિચુસ્તોના ક્ષેત્રોમાં ખળભળાટ મચાવી દીધેલો. સાંપ્રદાયિકતાએ જ જગતમાં માનવહત્યાકાંડોની જેહાદો જગાવી છે. કારણે કે એમાંથી ધર્મઝનૂનનું સામુદાયિક સ્વરૂપ આકાર લઇ ઉઠે છે. તેમ રજનીશજી કહેતા.

રજનીશજીની આ વૈચારિક ભૂમિકામાં ૧૯૬૬માં મુંબઇમાં, મુંબઇ જૈન યુવક સંઘ આયોજિત પર્યુષણ વ્યાખ્યાનમાળામાં તેમણે 'વિષયાનંદ અને બ્રહ્માનંદ' વિષય ઉપર જાહેર પ્રવચન આપ્યું. તેમાં જાતીયતા-સેકસ વિષે મંચ ઉપર બેધડક પણે વિચારોને રમતા મૂકયા.

આચાર્ય રજનીશજી જન્મે જૈન હતા. ઠીક ઠીક સમય સુધીએ જૈન સાધુ હોવાની ભ્રમણા ચાલુ રહેલી. એથી જૈન સમુદાય  એમના પ્રત્યે સૌથી વધારે આકર્ષાયેલો તે આપણે આગળ જોઇ ગયા છીએ. આચાર્યશ્રીના ઉપરોકત વ્યાખ્યાનથી જૂનવાણી લોકોને, રૂઢિચૂસ્તોને અને ખાસ કરીને જૈન સમાજના આગેવાનોને ભારે આઘાત લાગ્યો. જાતીયતા અંગે એમણે કોઇ નવી વાત નહોતી કરી. માત્ર નવી રીતે રજૂ કરી તે સાચું હતું. રજનીશજીની દલીલ (તર્ક) કામના ઉન્નતિકરણની હતી. અવનતિકરણની નહીં. એમની રજુઆતથી ઘણા ભ્રમ, ઘણાં બુધ્ધિભેદ પેદા થાય તે હકીકત હતી.

ગાંધીજી ઉપરના પ્રહારો

૧૯૬૮ની આખરે દિલ્હી અને પંજાબની જાહેર સભાઓમાં રજનીશજીએ ગાંધીજી ઉપર વૈચારિક પ્રહારો કર્યા. આજના સમયમાં સમજ્યા વગર ગાંધીજીની ટીકા કરવાવાળો એક વર્ગ છેલ્લા થોડા વર્ષોથી અસ્તિત્વમાં આવ્યો છે, તેવા પ્રહાર રજનીશજીએ કર્યા ન હતા. પરંતુ તે કાળે ગાંધીજીની ટીકા કરનારા આચાર્યશ્રી પ્રથમ હોવાથી તેમના વકતવ્યોએ ખાસ્સી હલચલ મચાવી હતી.

. આચાર્યશ્રીએ કહેલું : ચરખો, ખાદી, રચનાત્મક કાર્યએ એક તૂત છે.

. લોકોને દરિદ્રનારાયણ કહીને બહેલાવીને તેમની ગરીબી સતત ચાલુ રહે તેવા પ્રયાસો કરવા તે એક પ્રકારની છેતરપિંડી છે. ગાંધીજી દરિદ્રનારાયણને પૂજતા હતા અને તેમનું દારિદ્રય ચાલુ જ રહે એવો આક્ષેપ હું ગાંધીજી ઉપર કરતો નથી પણ પાંચ હજાર વર્ષથી જે ફિલસૂફી આપણા ઉપર ઠોકી બેસાડવામાં આવી છે. તેનો જ જાણેઅજાણે ગાંધીજી ભોગ બની ગયેલા.

. આ લોકો વિમાન છોડીને રેલગાડીમાં અને રેલગાડી છોડીને બેલગાડીમાં જવા વાતો કરે છે. તથા લોકોને ત્યાગ તથા તપશ્ચર્યાના મોહમાં મૂકીને પ્રગતિથી વંચિત રાખે છે. આ વસ્તુનો હું વિરોધી છું.

. વિશ્વ સમસ્ત આજે ઔદ્યોગિક ક્રાંતિ કરી રહ્યું છે. ત્યારે ગ્રામોદ્યોગની વાત કરવી બેવકૂફી છે. એક આખી પ્રજા સાથેની, રાષ્ટ્ર સાથેની છેતરપિંડી છે.

રજનીશજી પોતે ખાદીધારી હતા. તેમના ઉપરોકત વિચારોની સામે વાસ્તવિકતા એ હતી કે ગાંધીજી પોતાના યુગની પેદાશ હતા. ચરખોએ શોષણરહિત સમાજરચનાનું સાધન હતું. આજે ભલે ખાદી પ્રવૃતિમાંથી અહિંસાની ક્રાંતિકારી તાકાત પેદા થતી ન હોય, એથી કરીને સાધનો ખોટાં નથી ઠરતા. ખાદી જીવન પરિવર્તનનું -માનવતાનું ક્રિયાશીલ એવું પ્રેમ અને કરૂણાનું પ્રતિક હતું , તૂત નહીં.

ગાંધીજી વિજ્ઞાનના વિરોધી ન હતા. વિજ્ઞાન ગતિ આપશે. આધ્યાત્મ દિશા દેખાડશે તેમ ગાંધીજી કહેતા. પ્રવૃતિ કરનારની મર્યાદાઓ હોય પણ એથી ખાદી અને ગ્રામોદ્યોગની પ્રવૃતિ પાછળના હેતુઓ કઇ રીતે ખોટા ઠરી શકે ?

ખાદી અને ગાંધીજી અંગેના રજનીશજીના ઉપરોકત વિચારોથી તેમની સામે રચનાત્મક સંસ્થાઓના દરવાજા બંધ થઇ ગયા, ભોગળો ભીડાઇ ગઇ. રજનીશજીને 'ચીનના એજન્ટ' કહીને નવાજવામાં આવ્યા.

રજનીશજીની સ્પષ્ટતા

આચાર્ય વિનોબાજી, અણુવ્રત આંદોલનના આચાર્ય તુલસી, દાદા ધર્માધિકારી અને રાજાજી જેવા ધુરંધર વિચારકોએ રજનીશજીના મંતવ્યો અંગે પોતાના અભિપ્રાયો. મર્યાદિત રૂપમાં વ્યકત કર્યા. અખબારોનું એ પ્રિય પાત્ર બની રહેલા. ગાંધીજી અંગેના પોતાના વિચારો બારામાં આચાર્ય રજનીશજીએ સ્પષ્ટતા કરેલી.

-હિંદુસ્તાનનું મગજ આજ સુધી અવૈજ્ઞાનિક રહ્યું છે. એ યંત્ર, વિજ્ઞાન વિરોધી છે, ત્યારે સંપત્તિ વિજ્ઞાન અને યંત્ર-વિજ્ઞાનથી પેદા થાય છે. હિંદુસ્તાનને જો સંપત્તિ પેદા કરવી હોય તો તેણે ચરખાથી મુકત થઇ જવું જરૂરી છે. એનો અર્થ એવો નથી કે હું ચરખાને આગ લગાવી દેવાનું કહું છું. એનો અર્થ એવો પણ નથી કે જે લોકો ચરખા દ્વારા રોજનો રૂપિયો કમાતા હોય તે બંધ કરી દે. હું એમ પણ નથી કહેતો કે ખાદીનું ઉત્પાદન બંધ કરી દયો. હું એટલું જ કહેવા માગું છું કે ચરખો આપણી વિચારધારાનું, આપણા ચિંતનનું પ્રતીક ન રહે. આપણી વિચારધારાના ચિંતનનું પ્રતીક જો આટલું ટેકનિકલી-પછાત હશે તો આવી રહેલી દુનિયામાં આપણે આગળ વધી નહીં શકીએ.

- ગાંધીજીએ જે દિવસોમાં ચરખાની વાત કરેલી એ દિવસો માટે તે જરૂરી હશે. લોકોની પાસે સમય ફાજલ પડે છે. કિસાનો પાસે પણ પુરૂ કામ નથી. એ ચરખા ચલાવતા હોય તો ભલે ચલાવે. જેની પાસે સમય હોય એ જરૂર એનો ઉપયોગ કરે પણ હિંદુસ્તાનના મગજને યંત્રવિજ્ઞાન વિરોધી નહીં બનાવવું જોઇએ.

- આવી રહેલાં પચાસ વર્ષમાં દુનિયા એવડી મોટી ક્રાંતિમાંથી પસાર થશે કે આપણા વચ્ચે અને પશ્ચિમ વચ્ચે એટલું મોટું અંતર પેદા થઇ જશે જે આપણી આવતી પેઢી પણ પુરી નહિ શકે.

હું ખાદી પહેરૃં છું. ખાદી મને પસંદ છે પણ ગાંધીજીના દિવસોમાં જે જરૂરત ચરખાની ઉભી થઇ તે જુદી જ હતી. ન તો એ ઔદ્યોગિક હતી, ન આર્થિક, એ જરૂરત રાજકીય હતી. ગાંધીજી હિંદુસ્તાનને એકતાનું એક પ્રતિક  દેવા ચાહતા હતા. એ  પ્રતીક એમણે આપ્યું પણ એમના અનુયાયીઓ એવી કોશીશમાં છે કે એ પ્રતીક કાયમ માટે બની રહે.

હું ગાંધીજીનો વિરોધી નથી. હું ગાંધીજી અને  ગાંધીવાદને જુદા પાડું છું. ગાંધીજી એમના તત્વદર્શનમાં રહેલા છે. મારો વિરોધ એમની વિચાર સરણી માટે છે. ગાંધી જેવી વ્યકિત ચાર-પાંચ હજાર વર્ષમાં માંડ બે-ચાર જન્મે છે. કોઇ કોઇ વાતમાં ગાંધી એકાકી પણ છે. મહાપુરૂષોમાં કૃષ્ણ સાથે જ એમને સરખાવી શકાય. રાજકારણના ક્ષેત્રે ધાર્મિક પુરૂષોમાં ગાંધીએ પહેલી હિંમત બતાવી છે. બીજા પુરૂષો તો પલાયન કરી ગયા હતા.

-સમાજમાં સંપત્તિ પેદા કરવા કેન્દ્રીકરણની જરૂર છે. ગાંધીજીએ વિકેન્દ્રીકરણની વાત ગલત રીતે પકડી હતી. ગાંધીજીની નિયત પર કયારેય કોઇ શક લાવી ન શકાય. ગાંધી એટલા સાચા હતા કે એના રોમરોમમાં દેશની ઉન્નતી સિવાય બીજી કોઇ કલ્પના ન હતી. ગાંધીજીના વ્યકિતત્વ ઉપર મને કોઇ શંકા નથી.

-ન્યુટનને જે સાચુ લાગ્યું તે આઇન્સ્ટાઇનને ન લાગ્યું તેથી આઇન્સ્ટાઇન, ન્યુટનના દુશ્મન નથી બની જતા. એ તો ન્યુટનને આગળ લઇ જાય છે. હું ગાંધીનો દુશ્મન નથી. ઇતિહાસમાં કોઇ મનુષ્ય પ્રત્યે હોય એના કરતા ગાંધી પ્રત્યે મને વધારે પ્રેમ છે.

(પ્રસ્તુત વિગતો ઉર્મીનવરચના સામયીકના ડિસેમ્બર ૧૯૬૮ અને જાન્યુઆરી ૧૯૬૯ના અંકોમાં મુદ્રિત સ્વરૂપે ઉપલબ્ધ છે)

અગ્રણીઓની નવી પેઢી

રાજકોટમાં જેઠાલાલભાઇ જોશી, ચીમનલાલ ના. શાહ, જુગતરામભાઇ રાવલ, વજુભાઇ શાહ વગેરે કોંગ્રેસના પીઢ નેતાઓની સાથે યુવાન નેતાગીરી પણ ૧૯૬ર-૬૩થી વિકાસ પામી હતી. તેમાં મનસુખભાઇ જોશી, રમેશભાઇ છાયા, લાભુભાઇ ત્રિવેદી, હરસુતભાઇ રાવલ, અશ્વીનભાઇ મહેતા, છબીલભાઇ લાખાણી, સુધીરભાઇ જોશી, જયંતીભાઇ કુંડલીયા, ચંદ્રકાંતભાઇ વ્યાસ વગેરેનો સમાવેશ થતો હતો. વલ્લભભાઇ પટેલ અને પોપટભાઇ સોરઠીયા, ગ્રામ્ય વિસ્તારના નેતાઓ તરીકે ઉપસી આવ્યા હતા. મનોહરસિંહજી દાદા ત્યારે અપક્ષ હતા. વિપક્ષમાં કેશુભાઇ પટેલ,  અરવિંદભાઇ મણીયાર અને ચીમનભાઇ શુકલ સમગ્ર ગુજરાત જનસંઘનું પાવર હાઉસ હતા. ચીમન મહેતા અને બટુક દેસાઇ સામ્યવાદનો યત્કિંચીત પ્રચાર સૌરાષ્ટ્રના મર્યાદીત વિસ્તારોમાં કરતા હતા. રાજકોટનું જાહેર જીવન ઉપરોકત અને અન્ય અનેક યુવાન નેતાઓથી થનગનતુ હતું. ત્યારે સિધ્ધાંત નિષ્ઠા હતી. રાજકીય અને વૈચારીક મતભેદો હોવા છતાં અરસ-પરસ આદર-સન્માનથી વ્યવહાર થતો. (આજના જાહેર જીવન સાથે ૧૯૫૦ થી ૧૯૯૦ સુધીના જાહેર જીવનની સરખામણી કરવા જેવી નથી!)

આગળ જણાવ્યુ તેમ, ગાંધીજી અંગેના રજનીશજીના વકતવ્યને કારણે, રાષ્ટ્રીયશાળામાં યોજાતા તેમના પ્રવચનો માટે અનુ કૂળતા ન રહી. જીવન જાગૃતિ કેન્દ્રના રાજકોટના સંચાલકોને અન્ય સ્થળ શોધવું અનિવાર્ય બન્યું. લાભુભાઇ, મનસુખભાઇ અને રમેશભાઇનો સંપર્ક સાધવામાં આવ્યો. આ મિત્રોએ અન્ય મિત્રોના સહયોગથી રાજકોટમાં ૧૯૬૬માં લાલબહાદુર શાસ્ત્રી વિદ્યાલય અને જે.જે. કુંડલિયા આટર્સ -કોમર્સ કોલેજની સ્થાપના કરેલી. અત્યારે જયાં કુંડલિયા આટર્સ-કોમર્સ કોલેજ અને રેડક્રોર્સનો હોલ આવેલા છે ત્યાં ખુલ્લું મેદાન હતું. કોંગ્રેસની ઉપરોકત યુવા નેતાગીરીએ લાલબહાદુર શાસ્ત્રી વિદ્યાલયની આગળનું મેદાન રજનીશજીના પ્રવચનો માટે આપવાની સહર્ષ સંમતિ આપી.

નવું સ્થળ

આ નવા સ્થળે ૧૯૬૯ના માર્ચ અને ઓગષ્ટ માસમાં તથા ૧૯૭૦ના માર્ચ મહિનામાં રજનીશજીના પ્રવચનો યોજાયા હતા. બે વર્ષ રાષ્ટ્રીયશાળામાં અને બે વર્ષ લાલબહાદુર શાસ્ત્રી વિદ્યાલયના મેદાનમાં રજનીશજીના પ્રવચનોનું રાજકોટમાં આયોજન થયું હતું. રાત્રે યોજાતા વકતવ્યમાં લાલબહાદુર શાસ્ત્રી સ્કૂલનું મેદાન નાનું પડતું. લોકો બહાર રસ્તા ઉપર શિસ્તબધ્ધ ઉભા રહીને રજનીશજીની વાણી ઝીલતા. શ્રોતાઓ સ્વયંભૂ ઉમટતા. લોકોને લાવવાની વ્યવસ્થા કરવાનો ચાલ ત્યારે પ્રચલિત ન હતો. (રાજકોટના કોઇ સોનીભાઇ પાસે તે સમયના સ્પૂલ આજે પણ છે.)

આ સ્થળે આચાર્ય રજનીશજીએ 'ગાંધી અને વૈજ્ઞાનિકતા' નામથી આપેલું પ્રવચન રાજકોટની આર.અંબાણી એન્ડ કંપની તરફથી પુસ્તિકા સ્વરૂપે પ્રકાશિત થયુ હતું, જેની કિંમત વીસ પૈસા હતી! રજનીભાઇ અંબાણી, આચાર્યશ્રીના નિકટના અનુયાયી અને જીવનજાગૃતિ કેન્દ્રની રાજકોટ શાખાના મંત્રી હતા. ૧૯૬૯માં ત્રણ દિવસીય વ્યાખ્યાન માળામાં એક દિવસ રાત્રે તેમણે ધ્યાનનો પ્રયોગ કરાવેલો. રાજકોટની જિલ્લા જેલમાં ત્યારે સંભવતઃ શ્રી ભટ્ટ નામના જેલર હતા. તેમણે રજનીશજીને સમય હોય તો જેલના કેદીઓ સમક્ષ વાર્તાલાપ આપવા વિનંતી કરી. રજનીશજીએ પ્રસ્તાવનો સ્વીકાર કર્યો અને સવારે ૧૧ થી ૧૨ ના એક કલાક, રાજકોટ જેલના કેદીઓ રજનીશજીની વાણી સાંભળી ધન્ય બની ગયા.

૧૯૬૯ના ઓગષ્ટમાં તેઓ એક દિવસ માટે રાજકોટ આવેલા. ૧૯૭૦ના માર્ચ મહિનાની તા.૬ થી ૯ સુધીના ચાર દિવસ રજનીશજીની પ્રવચન શ્રૃંખલા રાજકોટમાં યોજાઇ તે એમનો સૌરાષ્ટ્રનો છેલ્લો જાહેર કાર્યક્રમ. સવારે રાજકુંવરબા લેડીઝ કલબમાં તેમના વકતવ્યો યોજાતા, જે માટે ફી રાખવામાં આવી હતી. (સંભવતઃ આ ફી રૂ.પાંચ હતી) આમ છતાં લોકો તેમાં ઉમટતા અને ચાલવાની જગ્યા ઉપર શ્રોતાઓ બેસતા.

રાજકોટ લાયન્સ કલબે તત્કાલીન કોનોટ હોલ (આજના અરવિંદભાઇ મણીઆર હોલ)માં રજનીશજી ઉપરાંત પરમાણંદ કાપડીયા, નિરૂ દેસાઇ વગેરેના સન્માનનો કાર્યક્રમ યોજેલો. રજનીશજીએ માત્ર શાલ સ્વીકારવાની જ અનુમતિ આપી હતી.

રાજકોટમાં નિવાસ

૧૯૬૯થી આચાર્ય રજનીશજી રાજકોટમાં જયમલ્લભાઇ પરમારના ૧૩, જાગનાથ પ્લોટમાં આવેલા નિવાસે ઉતરતા. તેમની નિકટ બેસવાનું સદભાગ્ય અમને મળ્યું તે અમારા જીવનની ન વિસરાય તેવી ઉપલબ્ધિ છે. રજનીશજી સાદું, પણ સ્વાદિષ્ટ ભોજનના શોખીન હતા. મારા  માતાની રસોઇથી તેઓ ખૂબ પ્રભાવિત થયેલા. સાંજે જમીને તેઓ થોડો સમય આરામ કરતા અને પછી રાત્રિવકતવ્ય માટે જતા. ફાજલ સમયમાં મુલાકાતીઓનો અવિરત પ્રવાહ ચાલ્યા કરતો.

રજનીશજીનું વાંચન અંગ્રેજીમાં હતું અને વકતવ્યમાં અંગ્રેજીનો એક પણ શબ્દ ન આવે. હિંદીમાં કાવ્યમય બાની રેલાતી. આજના અનેક લેખકોએ અને કથાકારોએ રજનીશજીએ આપેલા ઉદાહરણો અથવા તેમના વકતવ્યોને પોતાના શબ્દોમાં રૂપાંતર કરીને વિચારક તરીકેની ખ્યાતિ મેળવી છે. મુલ્લા નસરૂદીન અને બિરબલ તે સમયે રજનીશજીને ગમતા પાત્રો હતા. તેમના ટૂંકા પ્રસંગો તેઓ વકતવ્યમાં આવરી લેતા.

'ઊર્મિ નવરચના'

આચાર્ય રજનીશજીના વિચારો જાણવા-સમજવાની લોકોની જિજ્ઞાસા વધતી જતી હતી. એથી 'ઊર્મિ નવરચના' માસિકમાં એમના વિચારોની લેખમાળા ડીસેમ્બર-૧૯૬૮ના અંકથી શરૂ થઇ હતી. 'ઊર્મિ નવરચના'ના તંત્રી ઇશ્વરલાલ મો. દવે અને જયમલ પરમાર હતા. સામયિકનું પહેલું પાનું આચાર્યશ્રીના તાજગી- સભર વિચારોથી ઉઘડતું. તે ઉપરાંત તેમના વકતવ્યો પ્રકાશિત થતા.

એ લેખમાળાના પ્રકરણોના શીર્ષક જોઇએ તો 'સત્ય કી ખોજ', 'મૃત અને અમૃત', નયે મનુષ્ય કા નિર્માણ' 'નૈતિકતા ઔર ધર્મ' 'આચારણ વસ્ત્ર હૈ', 'શુભ ઔર સુંદર', 'કેન્દ્ર ઔર પરિધિ', 'ચિત્ત સે મુકિત', 'જ્ઞાન કી વર્તમાન સ્થિતિ', 'પ્રકાશ કા પર્વ' 'જ્યોતિ શીખા', 'ત્યાગ યા પ્રાપ્તિ?', 'જીવનાશકિત' , 'ભારત અને વ્યવસાયી સમાજ' વગેરે આચાર્યશ્રીના ૧૯૬૮-૭૦ના આ વ્યાખ્યાનો ૧૯૭૦ના જુલાઇ માસ સુધીના 'ઊર્મિનવરચના'ના અંકોમાં સંગ્રહિત છે.

વૈચારિક પરિવર્તન

૧૯૭૦ સુધી રજનીશજી સન્યાસ આપવાની અને શિષ્યો બનાવવાની પરંપરાના વિરોધી હતા. પોતાના વ્યાખ્યાનો વિનામૂલ્યે યોજવા જોઇએ એમ તેઓ માનતા. તેમના વિચારો મૂડીવાદને સમર્થન આપનારા હતા, પણ રજનીશજીના વકતવ્યોમાં સામાન્ય માનવીની આકાંક્ષા ઝીલાતી અને એટલે જ તેઓને લોકમાન્ય વિચારક તેમજ વકતાની પ્રતિષ્ઠા મળી હતી.

તેમના આ વિચારોમાં ૧૯૭૦ થી અચાનક પરિવર્તન આવ્યું. ૧૯૭૦ના સપ્ટેમ્બરમાં હિમચાલ પ્રદેશના મનાલીમાં યોજાયેલી શિબિરમાં તેમણે સન્યાસ આપી શિષ્યો બનાવવાની પરંપરા શરૂ કરી. મોંઘીદાટ ટિકિટ લઇને વ્યાખ્યાન સાંભળવા જવાય તેવી વ્યવસ્થા ઉભી થઇ. વૈભવી જીવનશૈલીનું તેઓ પ્રતીક બન્યા. અમેરિકા અને પૂણેના આશ્રમો તેના ઉદાહરણો છે. સામાન્યજન સાથે તેમનો તાર જોડાયેલા રહેતો, તેને બદલે શ્રીમંતો, વિદેશીઓ, ફિલ્મ કલાકારો તેમના શિષ્યો બનતા. આમ લોક સાથેનો સંપર્ક તૂટી ગયો. કોઇ અડચણ વગર રજનીશજીને મળી શકાતું તેને બદલે તેમને મળવા લાંબી પ્રક્રિયામાંથી પસાર થવાનું બન્યું. કારકીર્દીના આરંભે તેમણે જાતીયતાના ઉર્ધ્વીકરણની હિમાયત કરી હતી, પરંતુ તેમના ઘણાં શિષ્યો જાતિયતાની અવનતિમાં સરી પડ્યા. આચાર્યશ્રીને બદલે 'ભગવાન' અને તેમાંથી 'ઓશો'માં પરિવર્તન થયું !

ધનિકો, બૌધ્ધિકો અને હોલીવુડ-બોલીવુડના ફિલ્મ સ્ટારની ઝાકઝમાળમાં આવી રજનીશજીએ નવા નવા વિચારો પણ મૂકયા. તેમણે જાહેર કર્યુ કે, 'મારો ઉપદેશ ગરીબ લોકો માટે નથી. ગરીબ લોકોને તો રોટી, કપડા અને મકાનની જરૂર છે, તેમને મારા આધ્યાત્મિક જ્ઞાનની બિલકુલ જરૂર નથી'

રજનીશજીના અનેક પ્રશંસકો અને શિષ્યો તેમનાથી વહેલા ખસી ગયા અને કદાચ રજનીશજીના મૂળ વિચારોને તેઓ વધારે સારી રીતે સમાજ્યા હતા.

રાજકોટમાંથી રજનીશજીના સંન્યાસીઓ ૧૯૭૦-૭૨માં થયેલા તેમાં રજનીભાઇ અંબાણી, ધીરૂભાઇ દવે, દિનુભાઇ રાવલ, વગેરે મુખ્ય હતા. સુરેન્દ્રનગરમાંથી નટુભાઇ મહેતા, અરવિંદભાઇ આચાર્ય વગેરે હતા. હીરાબેન શેઠ પરિવારના મીનાબેન, રાજકોટ ઓઇલ મિલ (રોમ) સાબુવાળા નંદાણી પરિવારના એક બહેન વગેરેનો સમાવેશ થતો હતો.

સન્યસ્ત વિશે તેઓ કહેતા : ''મારો સન્યાસ રોતલ, શુષ્ક અને સુગંધહીન સન્યાસ નથી. મારો સન્યાસ એક  ઉત્સવ છે, મારે મન સન્યાસ વસંત છે, મધુ માસ છે. ફૂલોની જેમ ખીલતો-હસ્તો-મહેકતો સન્યાસ છે. મારો સન્યાસ ત્યાગ પણ નથી અને ભોગ પણ નથી. મારો સન્યાસ ત્યાગ અનેે ભોગનું અતિક્રમણ છે.''

સૌરાષ્ટ્રના કોઇપણ શહેરમાં જવા-આવવા માટે રાજકોટ ૧૯૭૪ સુધી આચાર્યનું કેન્દ્ર રહેતું. ૧૯૮૬-૮૭માં ધીરૂભાઇ દવે અને અન્ય મિત્રો રજનીશજીને મળવા પૂણે ગયેલા ત્યારે તેમણે રાજકોટના સંભારણા પ્રેમપૂર્વક યાદ કર્યા હતા.

બુધ્ધ પુરૂષ

રજનીશજીની જેટલી ટીકા, નિંદા, બદનામી થઇ છે એટલી કદાચ કોઇ બીજા પુરૂષની નહીં થઇ હોય. તેમના વિચારો- માન્યતાઓ- વાતો સાથે મતભેદ હોઇ શકે, પણ એક વાત સ્વીકાર્યા વિના ચાલે એમ નથી કે તેઓ સદીના એક બુધ્ધ પુરૂષ હતા. જગતના ધર્મો, ધર્મગ્રંથો, ધર્મ સંસ્થાપકો, સંતો, ઇશ્વરી અવતારો, અધ્યાત્મ વગેરે વિશે તેમણે આપેલા વ્યાખ્યાનોના ૬૫૦થી પણ વધારે પુસ્તકો થકી રજનીશજી વૈચારિક-અક્ષર સ્વરૂપે જીવંત છે અને જીવિત રહેશે.

નયે સમાજ કી ખોજ : રાજકોટમાં ઓશોના પ્રવચનો

૧૯૬૭માં ત્રણ દિવસ રાષ્ટ્રીયશાળામાં પ્રવચનો થયા હતા હીરાબેન શેઠના 'જ્યોત' બંગલામાં ઓશોનો ઉતારો  હતો : ૧૯૬૮માં ઓશોએ રાજકોટમાં અજ્ઞાનના બોધ વિષય  પર પ્રવચનો આપ્યા હતા

રાજકોટમાં આચાર્ય રજનીશજીનું સર્વપ્રથમ જાહેર વ્યાખ્યાન યોજાયું. ૧ર, ૧૩, ૧૪ નવેમ્બર-૧૯૬૭ ના ત્રણ દિવસો, રાજકોટમાં ૧૯૬૭માં જીવન જાગૃતિ કેન્દ્રની સ્થાપના થયેલી. હીરાબેન શેઠ તેના પ્રમુખ અને જયમલ્લભાઇ પરમાર ઉપપ્રમુખ હતાં. રજનીભાઇ અંબાણી અને કાંતિભાઇ મહેતા મંત્રીઓની જવાબદારી સંભાળતા હતાં. સભ્યોમાં રાજકમલ સ્ટુડીઓવાળા દિનુભાઇ રાવલ અને લાલજીભાઇ ચૌહાણ, પ્રકાશભાઇ દવે, ધીરૂભાઇ દવે, ચંદ્રકાંત ભટ્ટ, પ્રવિણભાઇ વગેરેનો સમાવેશ થતો હતો. ૧૯૬૭ ના નવેમ્બરમાં રાષ્ટ્રીય શાળાના ઓપન-એર રંગદર્શનમાં રજનીશજીના વ્યાખ્યાનો યોજાયા હતાં. સવારે અને રાત્રે 'નયે સમાજ કી ખોજ' ઉપર તેમણે વ્યાખ્યાનો આપેલા. વ્યાખ્યાનનો આરંભ પુરૂષોતમભાઇ ગાંધી અથવા આભાબેન ગાંધીના ભજન-ગાનથી થતો. નારણદાસ કાકા ગાંધી સહિત રાજકોટના તત્કાલીન જાહેર જીવનના અગ્રણીઓ તેમજ નાગરિકોથી રાષ્ટ્રીય શાળાના રંગમંચનું ખુલ્લું મેદાન ખીચોખીચ ભરાઇ જતું. ૧૪મી નવેમ્બર એટલે પંડિત જવાહરલાલજીનો જન્મ દિવસ! પાછળથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ બનેલા હરસુખભાઇ સંઘવી સર્વોદય કેળવણી સમાજના ઉપક્રમે કોલેજોનું સંચાલન કરતા હતાં. તેમણે જવાહરલાલ નહેરૂ વ્યાખ્યાન માળાનું આયોજન કરેલું, જેનું પ્રથમ વકતવ્ય આચાર્ય રજનીશજીએ તા. ૧૪-૧૧-૧૯૬૭ ના સવારે આપેલું. એ આખું વ્યાખ્યાન 'ઊર્મિ નવરચના' સામયિકમાં ત્રણ હપ્તામાં પ્રકાશિત થયું હતું.

રજનીશજીની સમયની પાબંદી એવી કે સવારે અને રાત્રે આઠ કલાકે વકતવ્ય શરૂ કરે અને ઘડિયાળમાં સમય જોયા વગર, બરાબર એક કલાકને અંતે વકતવ્યનું સમાપન કરે.

ઇશ્વરને સમજવા તેમનું આગવું દૃષ્ટિબિંદુ હતું. આમ છતાં 'હમ સબ કે ભીતર બૈઠે પરમાત્મા કો મૈં પ્રણામ કરતા હું, મેરે વંદન કા સ્વીકાર કરે' કહીને તેઓ વકતવ્યનું સમાપન કરતાં.

૧૯૬૭ થી રજનીશજીની ભારતભરમાં ખ્યાતિ થઇ ગયેલી. તેમના મામાના દીકરી ક્રાંતિબેન ઘણીવાર તેમની સાથે રહેતા, ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, દિલ્હીમાં રજનીશજી વ્યાખ્યાનો આપવા માટે ફરતા રહેતા. સમય મળે ત્યારે  જબલપુર અથવા મુંબઇમાં આવાસ કરતા. ગુજરાત સાથેના ઘરોબાને કારણે ગુજરાતી વાંચતા તેમને આવડતું. રાજકોટમાં તેમનો ઉતારો કાંતા સ્ત્રી વિકાસ ગૃહ રોડ ઉપર આવેલા હીરાબેન શેઠના 'જયોત' બંગલામાં રહેતો. ત્યાં ઉપરના માળે રજનીશજી રહેતા. ૧૯૬૭ ના આ વ્યાખ્યાનો દરમ્યાન રવીન્દ્રનાથ ટાગોરના અંતેવાસી ગુરૂદયાલ મલ્લિકજી રાજકોટ આવેલા. મલ્લિકજી પણ દર્શન શાસ્ત્રના પ્રખર વિદ્વાન હતાં. રજનીશજીની રાષ્ટ્રીય શાળા ખાતે યોજાયેલી  સભામાં મલ્લિકજી આવેલા. સભા પૂરી થયા પછી રજનીશજી મલ્લિકજીને મળવા ગયા અને પ્રેમપૂર્વક તેમને ભેેટયા.

૧૯૬૮ ના માર્ચ મહિનાની ૮, ૯ અને ૧૦ ના ત્રણ દિવસો ફરી રજનીશજી રાજકોટનાં મહેમાન બન્યા હતાં. રાષ્ટ્રીય શાળાના ખુલ્લા રંગમંચમાં તેમના વકતવ્યોનું આયોજન થયું હતું. સવાર, સાંજ અને રાત એમ ત્રણ વખત તેમના પ્રવચનો યોજાયેલા. રાત્રે તેઓ પ્રશ્નોના ઉત્તર આપતા.  એક દિવસ સાંજે તેમણે શિક્ષણ ઉપર વકતવ્ય આપેલું. જેનું શીર્ષક હતું 'અજ્ઞાનનો બોધ'. ભારતની શિક્ષણ પધ્ધતિ કઇ દિશામાં ફંટાઇ ગઇ છે અને તેનું પરિણામ કેવું આવશે તેની તલસ્પર્શી છણાવટ આ વકતવ્યમાં જાહેરમાં રજનીશજીએ કરેલી.

'ઓશો'ના આ લેખનું આલેખન કરનાર

રાજુલ દવેનો પરિચય

રાજુલ ઇશ્વરભાઇ દવેનો જન્મ ૧૧ ડિસેમ્બર-૧૯૫૬ના મુંબઇ મુકામે થયો છે. તેમનું વતન રાજકોટ છે. ગુજરાતમાં લોકસંસ્કૃતિના પ્રવર્તકો પૈકીના એક જયમલ્લ પરમાર પાસે તેઓ રહ્યા. પરિવારમાં સાહિત્ય અને સંસ્કારનું વાતાવરણ એટલે કિશોરાવસ્થાથી તેનો સંગ આવ્યો છે. એમ.એસ.સી. (કેમેસ્ટ્રી) સુધીનો અભ્યાસ કરી, તેઓ દૈનિક પત્રકારત્વના ક્ષેત્રે ૧૯૮૩થી પ્રવૃત્ત છે. વિજ્ઞાનના વ્યવસાય આર્થિક પત્રકારત્વનો અને શોખ સાહિત્ય - લોકસાહિત્યનો. આમ, ત્રિવિધ ધારા તેમનામાં એકત્ર થઇ છે.

૧૯૭૨થી 'ઊર્મિ નવરચના' માસિકના સંચાલન - સંપાદન સાથે સંકળાયા. ૧૯૮૩ થી ૧૯૯૧ના આઠ વર્ષો આ સામયિકના સહતંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો. ૧૯૮૧થી આકાશવાણી અને ૧૯૮૬થી દૂરદર્શન ઉપર તેમનો વાર્તાલાપ પ્રસારિત થાય છે. લોકસંસ્કૃતિના તેમનામાં ઊંડા પહેલ પડેલા છે. સૌરાષ્ટ્રના અનેક ગામડાઓનો તેમણે ઘનિષ્ઠ પ્રવાસ ખેડયો છે. ભારતભરમાં તેમણે પરિભ્રમણ કર્યું છે. વિશ્વના ૧૨ દેશોના પ્રવાસ પણ કર્યો છે. રાજુલ દવેએ 'મેરામણના મોતી', 'તુમ મુજે ખૂન દો', 'સેવાધરમના અમરધામ' સહિત ૯ પુસ્તકોનું લેખન અને ૫૫ પુસ્તકોનું સંપાદન કર્યું છે. 'ઊર્મિ નવરચના'માં પ્રસિધ્ધ થયેલી લોકસાહિત્ય વિષયક સામગ્રી તેમજ જમલ્લ પરમારના તમામ સાહિત્યનું વિષયનુસાર વર્ગીકરણ કરી તેમને પુસ્તકોરૂપે સુક્ષભ બનાવવાની મહત્વની કામગીરી રાજુલ દવેએ બજાવી છે. ગુજરાતની ભાતીગળ લોકસંસ્કૃતિની પદ્યપી કંઠસ્થ રહેલી સામગ્રી અંદાજે દસ હજાર પૃષ્ઠોમાં મુદ્રિત થઇને સરળતાથી ઉપલબ્ધ બની શકી છે. પુસ્તકોના સંપાદનની તેમની આગવી દ્રષ્ટિ અને પધ્ધતિ છે.

યુનિવર્સિટીઓ, રાજ્ય અને કેન્દ્રિય સાહિત્ય અકાદમીઓ તથા વિવિધ પ્રતિષ્ઠીત સંસ્થાઓના ઉપક્રમે યોજાતા કાર્યક્રમો અને સેમિનારોમાં તેઓ ૧૯૯૦થી વકતા તરીકે સામેલ થાય છે. લોકગીતો, ભજનો, લોકવાર્તાઓ, લોકવાદ્યોનું અંદાજે ત્રણસો કલાકનું મૂલ્યવાન રેકોર્ડીંગ તેમની પાસે છે. ૨૦૧૧-૨૦૧૨માં જયમલ્લ પરમાર શતાબ્દી અંતર્ગત, ગુજરાતના વિવિધ શહેરોમાં ૨૬ કાર્યક્રમોનું આયોજન તેમણે સામાજિક સહયોગ મેળવીને કર્યું હતું. ગુજરાતના વિવિધ સામયિકો અને અખબારોમાં તેમના લેખો પ્રસિધ્ધ થાય છે. મોરારીબાપુ પ્રેરિત 'દુલા કાગ એવોર્ડ' પસંદગી સમિતિ, રાજ્ય સરકારની પુસ્તક પસંદગી સમિતિ જેવી ભિન્નભિન્ન સમિતિઓના સભ્યપદે તેઓ રહ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પત્રકારત્વ વિભાગમાં મુલાકાતી વ્યાખ્યાતા તરીકે તેમણે કામગીરી બજાવી છે. વાચન, લેખન, પ્રવાસ તેમના શોખના વિષયો છે.

રાજુલભાઇ દવે

કૈલાશનગર,

બેંક ઓફ બરોડાવાળી શેરી,

કોટેચા ચોક,

કાલાવડ રોડ, રાજકોટ

મો. ૯૪૨૬૨ ૨૯૫૧૭

આચાર્ય રજનીશજીનો  સત્સંગ - કાર્યક્રમ આવો હતો

(૧)   તા. ૩, ૩૧ ફેબ્રુ. ૬૯ તા. ૧-૨-૩ જાન્યુ.            માટુંગા - મુંબઇ જ્ઞાનસત્ર

(ર)   તા. ૧૩-૧૪-૧૫ ફેબ્રુ.               ભાવનગર     જ્ઞાનસત્ર

(૩)   તા. ૨૨ ફેબ્રુ.                        જબલપુર     પ્રવચન

(૪)   તા. ૨૫-૨૬-૨૭ ફેબ્રુ.               જુનાગઢ       જ્ઞાનસત્ર

(૫)   તા. ૮-૯-૧૦ માર્ચ                  પોરબંદર     જ્ઞાનસત્ર

(૬)   તા. ૧૫ માર્ચ                       જબલપુર     પ્રવચન

(૭)   તા. ૨૧-૨૨-૨૩ માર્ચ               માથેરાન      સાધના શિબિર

(૮)   તા. ૧-૨-૩ એપ્રિલ                  બુરહાનપુર    જ્ઞાનસત્ર

(૯)   તા. ૬ એપ્રિલ                       જબલપુર     પ્રવચન

(૧૦) તા. ૫-૬-૭ મે                       કોલ્હાપુર      જ્ઞાનસત્ર

(૧૧) તા. ૮-૯ મે                         પુના          સત્સંગ

(૧૨) તા. ૧૭-૧૮-૧૯-૨૦ મે             ઇન્દોર        જ્ઞાનસત્ર

(૧૩) તા. ૨૦-૨૧ મે                      ભોપાલ       સત્સંગ

(૧૪) તા. ૩૦-૩૧ મે                      ઉદયપુર      સાધના શિબિર

      તથા ૧૦૨ જૂન                     ઉદયપુર      સાધના શિબિર

(3:50 pm IST)