રાજકોટ
News of Monday, 23rd November 2020

ચોખા કૌભાંડઃ દુકાનદાર બદરૂદીન વિરાણીનું લાયસન્સ ૯૦ દિ' માટે સસ્પેન્ડઃ તપાસ ચાલુઃ દુકાનમાં ૫૦ હજારના ઘઉં-ચોખા-ખાંડ સીઝ

બદરૂદીને પોતાના ચોખા હોવાનુ અને દિનેશ નીચાણીને વેચ્યાનું કબુલ્યુઃ પુરવઠા હવે દિનેશની પૂછપરછ કરશે

રાજકોટ, તા. ૨૩ :. રાજકોટના સસ્તા અનાજના દુકાનદાર બદરૂદીન સૈફુદીન વિરાણીએ ગરીબોને દેવાતા ચોખાના ૪૭ બાચકા-બારોબાર કાળાબજારમાં ધકેલી દીધા અને પોલીસે તે કૌભાંડ ઝડપી લીધુ બાદમા આજે ડીએસઓ શ્રી પૂજા બાવળાએ આકરા પગલા લઈ બદરૂદીનની દુકાન ઉપર દરોડો પાડયો હતો. ઈન્સ્પેકટરો કિરીટસિંહ ઝાલા, રવિરાજસિંહ ઝાલાની ટીમ આ લખાય છે ત્યારે હજુ પણ તપાસ - નિવેદનો લઈ રહી છે.

દરમિયાન પ્રાથમિક તપાસમાં બદરૂદીને આ કૌભાંડ કબુલી લેતા અને પોતાના જ ચોખા હોવાનું પુરવઠાને નિવેદન આપતા ઈન્સ્પેકટરોએ બપોર સુધીમાં ઘઉં, ચોખા, ખાંડ, તેલ અને કેરોસીન મળી કુલ ૫૦ હજારનો જથ્થો સીઝ કરી દીધો છે અને બપોરે ૨ વાગ્યે પણ તપાસ ચાલુ રાખી છે. બદરૂદીને પોતે આ ચોખાનો જથ્થો પોલીસે પકડી લીધેલા દિનેશ નીચાણીને વેચ્યાની કબુલાત આપતા પુરવઠા હવે દિનેશનું નિવેદન લઈ ગોંડલ યાર્ડમાં કયા વેપારીને ચોખા આપવાના હતા તે અંગે તપાસ શરૂ કરશે. દરમિયાન ડીએસઓ શ્રી પૂજા બાવળાએ 'અકિલા'ને જણાવ્યુ હતુ કે દુકાનદાર બદરૂદીનનું લાયસન્સ ૯૦ દિવસ સસ્પેન્ડ કરી નખાયુ છે. ફોજદારી અંગે હવે નિર્ણય લેવાશે. દુકાનમાં ૧૧ કટ્ટા ખાંડ, ૪૬૦ લીટર કેરોસીન, ૧૨૦ કટ્ટા ચોખા, ૪ કટ્ટા ઘઉં અને કપાસીયા તેલના ૧૮૦ પાઉચ સીઝ કરી દેવાયા છે.

(3:52 pm IST)