રાજકોટ
News of Monday, 24th January 2022

આજે રાષ્ટ્રીય કન્યા બાળ દિવસ : દીકરી આશીર્વાદમાં મળેલા ઇશ્વર

એકવાત ચોકકસપણે કહી શકાય કે, દીકરી વગરના સમાજનું કોઇ અસ્તિત્વ જ નથી. : પિતાનો આહલાદક પ્રેમ અને માતાનું નિર્મળ વ્હાલ ભેગું થાય અને આકાશમાં ચડે ને તેની વાદળી બંધાય અને ધોધમાર વરસે એનું નામ દીકરી : વર્ષ ૧૯૬૬માં ઈન્દિરા ગાંધીએ ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા જેથી ૨૦૦૯માં આ દિવસે રાષ્ટ્રીય કન્યા બાળ દિવસ ની શરૂઆત થઇ : દીકરીના જન્મ પ્રત્યે અણગમો દાખવતા લોકોએ એ વિચારવાની જરૂર છે કે શું સ્ત્રી વગર આ દુનિયામાં મનુષ્ય જીવનનું અસ્તિત્વ શકય છે? : ગુજરાતમાં દર ૧૦૦ સ્ત્રીઓએ પુરૂષોની સંખ્યા ૧૦૭, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં દર ૧૦૦ સ્ત્રીઓની સરખામણીએ ૧૧૩, પંજાબ, હરિયાણા, ચંડીગઢ અને દિલ્હીની માં ૧,૦૦૦ પુરુષોએ મહિલાઓની સંખ્યા અનુક્રમે ૯૩૮, ૯૨૬, ૯૧૭ અને ૯૧૩ છે.

દીકરીના પાત્રને વર્ણવવું કોઇ બે ચાર લાઇનમાં વ્યાખ્યાયિત કરવું લગભગ અસંભવ છે પરંતુ તેને પ્રેમ, કરૂણા, દયાભાવના અને નિર્મળતાથી સમજી જરૂર શકાય છે. એટલે જ તો કહેવાય છે 'દીકરી વ્હાલનો દરિયો' દીકરીને વ્હાલથી જ સમજી અને સમજાવી શકાય છે. પિતાનો આહલાદક પ્રેમ અને માતાનું નિર્મળ વ્હાલ ભેગું થાય અને આકાશમાં ચડે ને તેની વાદળી બંધાય અને ધોધમાર વરસે એનું નામ દીકરી. સપ્ટેમ્બર માસના ચોથા રવિવારે દીકરી દિવસ (ડોટર્સ ડે)ની ઉજવણી કરવામાં આવે છે. જયારે ૨૪ મી જાન્યુઆરીએ 'નેશનલ ગર્લ ચાઇલ્ડ ડે' (રાષ્ટ્રીય કન્યા બાળ દિવસ) તરીકે પણ ઉજવાય છે.

આજે લગભગ દરેક ક્ષેત્રમાં દીકરીઓને સમાન અધિકાર આપવામાં આવે છે. પરંતુ એક સમય એવો હતો જયારે દીકરીને ગર્ભમાં જ મારી નાખવામાં આવતી હતી. દીકરીઓને બાળ લગ્નની આગમાં ધકેલી દેવામાં આવતી હતી જેનું પ્રમાણ ખાસ કરીને ગ્રામીણ સમુદાયોમાં વધુ હતું. છોકરીઓને નાની ઉંમરે લગ્ન કરવાની ફરજ પાડવામાં આવતી હતી. પરંતુ હવે દીકરીઓ સામેના ગુનાઓ સામે કાયદો બનાવવામાં આવી રહ્યો છે. આ સાથે, ૨૪ જાન્યુઆરીએ આ દિવસ ઉજવવાનું બીજું એક કારણ છે જે દેશની દીકરીઓને સશકત બનાવવાની જરૂરિયાત વિશે જાગૃતિ લાવવાનું છે. ભારતમાં દર વર્ષે ૨૪ જાન્યુઆરીએ નેશનલ ગર્લ ચાઈલ્ડ ડે ઉજવવામાં આવે છે. નેશનલ ગર્લ ચાઈલ્ડ ડે ઉજવવા પાછળનો હેતુ ભારતની છોકરીઓને મદદ અને તકો પૂરી પાડવાનો છે. બાળકીના અધિકારો વિશે જાગૃતિ ફેલાવવા અને બાળકીના શિક્ષણના મહત્વ અને તેમના આરોગ્ય અને પોષણ વિશે જાગૃતિ ફેલાવવાનો છે.

વર્ષ ૨૦૦૯માં મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા દર વર્ષે ૨૪ જાન્યુઆરીએ રાષ્ટ્રીય કન્યા બાળ દિવસની શરૂઆત કરવામાં આવી હતી. ૨૪ જાન્યુઆરીની પસંદગી એટલા માટે કરવામાં આવી હતી કારણ કે આ દિવસે વર્ષ ૧૯૬૬માં ઈન્દિરા ગાંધીએ ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. છોકરીઓનો સાક્ષરતા દર, તેમની સાથે ભેદભાવ, સ્ત્રી ભ્રૂણ હત્યા એ ભારતમાં મોટો મુદ્દો છે. સ્ત્રી ભ્રૂણ હત્યાને કારણે છોકરાઓની સરખામણીમાં છોકરીઓની સંખ્યા ઓછી છે. એશિયામાં સાક્ષરતા દર પણ સૌથી નીચો છે.

આજે ઘરમાં દીકરીનો જન્મ થાય તો એક અનેરો જ ઉત્સાહ છવાઇ જાય છે. જો કે હા, હજુ ઘણા એવા વર્ગો છે જેમાં દીકરીના જન્મ પ્રત્યે અણગમો છે. લોકોની આવી માન્યતા ખરેખર આપણાં સમાજ માટે અભિશાપ રૂપ છે. દીકરીના જન્મ પ્રત્યે અણગમો દાખવતા લોકોએ એ વિચારવાની જરૂર છે કે શું સ્ત્રી વગર આ દુનિયામાં મનુષ્ય જીવનનું અસ્તિત્વ શકય છે? આ લેખ વાંચતા તમામ લોકોને જવાબ ચોકકસ પણે 'ના'જ હોવો જોઇએ તો પછી શા માટે ? શા માટે દીકરી પ્રત્યે અણગમો? શા માટે દીકરીને શાપનો ભારો સમજવામાં આવે છે? આ તો લાખ લાખ ધન્યવાદ છે રાજા રામ મોહનરાય જેવા મહાન સમાજ સુધારકોને કે જેમણે સમાજમાંથી આવા દુષણો દુર કર્યા. અરે, દીકરી શાપનો ભારો કે શાપ નહિ એ તો, ભગવાન તરફથી મળેલા આશીર્વાદ છે. એકવાત ચોકકસપણે કહી શકાય કે, દીકરી વગરના સમાજનું કોઇ અસ્તિત્વ જ નથી.

આપણા દેશમાં 'બેટી પઢાવો - બેટી બચાવો'નો નારો અપાયો છે પરંતુ સામાજિક સ્થિતિ ચિંતાજનક બની છે. ગુજરાત રાજયની જ વાત કરીએ તો ગુજરાત એક પ્રગતિશીલ રાજયની છબી ધરાવે છે પરંતુ હજુ આજે પણ અનેક સમાજો, પ્રદેશોમાં સંતાનમાં દિકરો જ જોઈએ દીકરી નહિ તેવી માનસિકતા સંપૂર્ણપણે દૂર થઈ નથી. ઘણા શૈક્ષણિક પછાત કુટુંબો અને કેટલાક સામાજીક ઉત્ત્।રદાઇત્વ ધરાવતા પરિવારોમાં પણ આજે સ્ત્રી અત્યાચાર, ઘરેલુ હિંસાની ઘટનાઓ વધી રહી છે જેની પોલીસ ચોપડે નોંધાતી ઘટનાઓની સંખ્યા ચિંતાજનક છે. ગુજરાતમાં દર ૧૦૦  સ્ત્રીઓએ પુરૂષોની સંખ્યા ૧૦૩ થી ૧૦૭ના નેશનલ એવરેજ છે તેની સામે ગુજરાતમાં આ આંક ૧૧૨ સુધીનો ચોંકાવનારો કહી શકાય છે. જયારે દેશના મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં દર ૧૦૦ સ્ત્રીઓની સરખામણીએ ૧૧૩ પુરૂષો હોવાનાં અહેવાલો છે. ભારતમાં સૌથી સારી પરિસ્થિતિ કેરળ, પોંડિચેરી, બિહાર અને તામિલનાડુમાં છે. જયાં ૧૦૦૦ પુરુષોએ મહિલાઓની સંખ્યા અનુક્રમે ૧૧૨૧, ૧૧૧૨, ૧૦૯૯ અને ૧૦૮૮ છે. જયારે ચિંતાજનક પરિસ્થિતિ પંજાબ, હરિયાણા, ચંડીગઢ અને દિલ્હીની છે જયાં ૧૦૦૦ પુરુષોએ મહિલાઓની સંખ્યા અનુક્રમે ૯૩૮, ૯૨૬, ૯૧૭ અને ૯૧૩ છે. અહેવાલમાં જણાવ્યા મુજબ ગુજરાતમાં પ્રત્યેક મહિલાએ શહેરમાં ફર્ટિલિટી રેટ ૧.૬ બાળકનો છે. જે દરેક પરિવાર દીઠ બે બાળકો પણ નથી જે અતિ ચિંતાનો વિષય છે. ફર્ટિલિટી દર ઘટતા વસતીદર સ્થિર થશે સાથે એક જ બાળકની અપેક્ષા હશે તો તે દીકરો જ હશે. પરિણામે દીકરીઓની સંખ્યા વધુ ઘટશે. દીકરો જ પેઢીને આગળ વધારે, વારસદાર બને અને દીકરો હોય તો જ પિતૃનું તર્પણ કરી શકે! આ દૃઢ માન્યતાઓને કારણે દીકરી કરતા દીકરાને મહત્વ વધારે મળતું રહ્યું છે. આ માન્યતામાંથી ભારતીય સમાજે હવે બહાર આવવાની જરૂર છે.

નેશનલ ડે ઓફ ગર્લ ચાઈલ્ડ ઉપરાંત, ૧૧ ઓકટોબરને ઈન્ટરનેશનલ ડે ઓફ ગર્લ ચાઈલ્ડ તરીકે ઉજવવામાં આવે છે. સ્ત્રી ભ્રૂણ હત્યા, લિંગ અસમાનતાથી લઈને જાતીય શોષણ સુધી મુદ્દાઓની કોઈ કમી નથી. તેની પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય છોકરીઓ દ્વારા સામનો કરવામાં આવતી અસમાનતાઓને ઉજાગર કરવાનો, બાળકીના અધિકારો, શિક્ષણ, આરોગ્ય અને પોષણના મહત્વ સહિત જાગૃતિને પ્રોત્સાહન આપવાનો છે. આજકાલ પણ લિંગ ભેદભાવ એક મોટી સમસ્યા છે જેનો સામનો છોકરીઓ અથવા મહિલાઓએ જીવનભર કરવો પડે છે.

દીકરા-દીકરી વચ્ચેના ભેદભાવના મૂળ ખૂબ ઊંડા છે. અનેક કારણો છે. પરંતુ આ સમસ્યાના ઉકેલ તરફ આગળ વધવાની જરૂર છે. દીકરીઓને વિશેષ માન આપો. તક આપો. દીકરીઓને ભણાવો અને તે જયાં જવા માંગે છે ત્યાં નોકરી-વ્યવસાય માટે છૂટ આપો. દીકરીઓ પણ પૂરક કમાણી કરે તે માટે સામાજિક માન્યતા બદલવાની જરૂર છે. દીકરીઓને સુરક્ષિત વાતાવરણ આપો. ભેદભાવ દૂર થશે તો દીકરીઓનો વધુ સ્વીકાર થશે. સ્ત્રીભ્રૂણ હત્યા અટકશે. દરેક માતા-પિતા સંતાનમાં દીકરીને સ્વીકારશે. પરિણામે પુરુષો સામે મહિલાઓની જનસંખ્યાથી સંતુલન જળવાશે. સરકાર યોગ્ય આયોજન અને વ્યવસ્થા કરે અને કાયદાઓનું પાલન કરાવે અને સામાજિક સંસ્થાઓ આ માટે હજુ વધુ વ્યાપક જાગૃતિનું નક્કર આયોજન કરે તો અને તો જ સકારાત્મક પરિણામની આશા રાખી શકાય તેમ છે.(૩૭.૧૬)

ભારતમાં બાળ દીકરીઓને મોબાઇલ ફોનનો ઉપયોગ કરવાની મનાઇ.!

એક સર્વે અનુસાર ભારતમાં ૪૨ ટકા છોકરીઓને દિવસમાં એક કલાકથી ઓછા સમય માટે જ મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાની છૂટ છે. મોટાભાગના માતાપિતાને લાગે છે કે મોબાઈલ ફોન 'અસુરક્ષિત' છે અને તે તેમનું ધ્યાન ભંગ કરે છે. નેશનલ ગર્લ ચાઈલ્ડ ડે પહેલા બહાર પાડવામાં આવેલા સર્વેમાં આસામ, હરિયાણા, કર્ણાટક, બિહાર, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, તેલંગાણા, ઉત્ત્।ર પ્રદેશ અને પશ્યિમ બંગાળ આ ૧૦ રાજયોમાંથી ૪૧૦૦ ઉત્ત્।ર દાતાઓને આવરી લેવામાં આવ્યા હતા. તેમાં દસ રાજયોમાં ચાર મુખ્ય હિસ્સેદાર જૂથો-કિશોરો, પરિવારના સભ્યો, શિક્ષકો અને સામુદાયિક સંસ્થાઓ (જેમ કે એન.જી.ઓ)ના પ્રતિનિધિઓનો સમાવેશ થતો હતો. સર્વેમાં જાણવા મળ્યું છે કે ભારતમાં કિશોરીઓ માટે ડિજિટલ ઉપકરણોની પહોંચની કટોકટી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, 'દરેક રાજયમાં તફાવત છે. કર્ણાટકમાં, જયાં મહત્ત્।મ ૬૫ ટકા કિશોરીઓ ડિજિટલ અથવા મોબાઇલ ઉપકરણોની સરળ પહોંચ ધરાવે છે. જે છોકરાઓને સરળતાથી મળે છે. હરિયાણામાં, આ કિસ્સામાં લિંગ તફાવત સૌથી વધુ છે, જયારે ડિજિટલ ગેજેટ ધરાવતા છોકરાઓ અને છોકરીઓ વચ્ચેનું અંતર તેલંગાણામાં સૌથી ઓછું ૧૨ ટકા છે. સર્વેમાં જણાવાયું છે કે કૌટુંબિક વલણ અને પૂર્વગ્રહો છોકરીઓને ડિજિટલ ઉપકરણોનો ઉપયોગ કરવા માટે આપવામાં આવતા સમયને મર્યાદિત કરે છે. ૪૨ ટકા છોકરીઓને દિવસમાં એક કલાકથી ઓછા સમય માટે મોબાઈલ ફોન વાપરવાની છૂટ છે. જોકે કોરોનાને કારણે ઓનલાઇન એજયુકેશન થતા તેમાં થોડો સુધાર આવ્યો છે તેમ છતાં છોકરાઓ કરતા છોકરીઓ વચ્ચે હજી વાલિઓ તફાવત રાખે છે!(૩૭.૧૬)

નેશનલ ગર્લ ચાઈલ્ડ ડે ૨૦૨૨ની થીમ જાહેર ન કરાઇ

MWCD અનુસાર, દેશભરમાં નેશનલ ગર્લ ચાઈલ્ડ ડે ૨૦૨૨ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વર્ષે સરકારે ઉજવણી માટે કોઈ થીમ જાહેર કરી નથી. ગયા વર્ષે, આ દિવસનો ઉદ્દેશ્ય ઘટી રહેલા બાળ જાતિ ગુણોત્ત્।ર ના મુદ્દા પર જાગૃતિ લાવવાનો હતો. ૨૦૨૦માં, નેશનલ ગર્લ ચાઈલ્ડ ડેની થીમ 'માય વોઈસ : અવર ઈકવલ ફ્યુચર' હતી. જયારે ગર્લ ચાઈલ્ડ ડે ૨૦૨૧ ની થીમ 'ડિજિટલ જનરેશન, અવર જનરેશન' હતી. જયારે આ વખતે સરકારે નેશનલ ગર્લ ચાઈલ્ડ ડે ૨૦૨૨ ની થીમ જાહેર ન કરતા અનેક અટકળો સર્જાઇ હતી.

- પ્રશાંત બક્ષી

મો.૭૯૯૦૫૫૮૪૬૯

(3:44 pm IST)