રાજકોટ
News of Thursday, 23rd June 2022

બોલેરોમાંથી ૧૪૦૦ લીટર ભેળસેળયુક્‍ત દૂધ ઝડપાયુ : નાશ

મનપાના ફૂડ શાખા દ્વારા કોઠારીયા રોડ પર છેલ્લા બે દિવસથી વોચ ગોઠવી આજે વહેલી સવારે ચેકીંગ હાથ ધરી ભેળસેળ દૂધનો જથ્‍થો ઝડપ્‍યો : જામજોધપુરના અમરાપર ગામેથી કાળાભાઇ મુછાળ દ્વારા લોઠડા ગામમાં દૂધ સપ્‍લાય થતુ હતું

રાજકોટ તા. ૨૨ : મનપાની ફૂડ શાખાને મળેલી માહિતી અન્‍વયે કોઠારીયા મેઇન રોડ પર છેલ્લા બે દિવસથી વોચ ગોઠવી જામજોધપુરના અમરાપરથી લોઠડા ગામે સપ્‍લાય થતું ભેળસેળયુક્‍ત દૂધનો ૧૪૦૦ લીટરનો જથ્‍થો ઝડપી પાળી તેનો નાશ કરવામાં આવ્‍યો હતો.
મહાનગરપાલિકાના ફૂડ વિભાગને મળેલ માહિતી અન્‍વયે રાજકોટ શહેરમાં ભેળસેળ યુક્‍ત દૂધ સપ્‍લાય થતું હોવાની માહિતી મુજબ કોઠારીયા રોડ પર બે દિવસથી વહેલી સવારના વોચ ગોઠવી ડેઝીગ્નેટેડ ઓફિસર એ. એન. પંચાલ, ફૂડ સેફટી ઓફિસર આર. આર. પરમાર, ફૂડ સેફટી ઓફિસર કે. જે. સરવૈયા તથા ટીમ દ્વારા કોઠારીયા મેઇન રોડ, આજીડેમ પોલીસ સ્‍ટેશન પાસેથી બોલેરો ગાડી વાહન નં. GJ 10 TX 5961 ને અટકાવી પોતાની માલિકીના વાહનમાં દૂધને સપ્‍લાય કરતાં કારાભાઈ દેવાયતભાઇ મુછાળ (રબારી) (રહે : ડોલા તળાવ નેસ, ગામ. અમરાપર, તા. જામજોધપુર, જી. જામનગર) ની પૂછપરછ કરતાં તેઓ છેલ્લા દોઢ માસથી લોઠડા ગામમાં દૂધને સપ્‍લાય કરવા જતા હોવાનું જણાવેલ તથા હાલ વાહનમાં રહેલ બે ટાંકામાં આશરે ૧૪૦૦ લી. મિક્‍સ દૂધ (લુઝ) હોવાનું જણાવેલ.
ડિપાર્ટમેન્‍ટ દ્વારા ફૂડ સેફટી ઓન વ્‍હીલ્‍સ વાનને સ્‍થળ પર હાજર રાખી વાહનમાં રહેલ ટાંકામાંથી દૂધના નમૂના મિલ્‍કોસ્‍કેનથી તપાસતા દૂધનો જથ્‍થો ભેળસેળયુક્‍ત માલૂમ પડતા ફુડ સેફટી સ્‍ટાન્‍ડર્ડ એક્‍ટ-૨૦૦૬ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી જથ્‍થામાંથી ‘મિકસ દૂધ (લુઝ)' નો નમૂનો લેવામાં આવેલ.ᅠ
 વિશેષમાં ફૂડ બિઝનેસ ઓપરેટરશ્રી કારાભાઈ દેવાયતભાઇ મુછાળની પૂછપરછ કરતાં તેઓએ દૂધનો જથ્‍થો ભેળસેળ યુક્‍ત હોવાનું સ્‍વીકાર કરેલ. બાદમાં ભેળસેળયુક્‍ત દૂધનો જથ્‍થો બજારમાં વેંચાણ ન થાય તે હેતુથી ફૂડ બિઝનેસ ઓપરેટરની સહમતીથી ‘મિકસ દૂધ (લુઝ)' ના આશરે ૧૪૦૦ લી. જથ્‍થાને ડમ્‍પિંગ યાર્ડ ખાતે નાશ કરવામાં આવેલ.

 

(4:51 pm IST)