રાજકોટ
News of Thursday, 23rd June 2022

૭૦ના ૯૦ હજાર ચુકવ્યા, હજુ ૧.૪૦ લાખ માંગી ધમકીઃ હર્ષ જોષીએ ફિનાઇલ પીધું

અગાઉ ખંડણીમાં પકડાયેલો કિશન ગઢવી વ્યાજ માટે ધમકી આપતો હોવાનું અંકુર સોસાયટીના યુવાનનું કથન

રાજકોટ તા. ૨૩: વ્યાજખોરીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ગુરૂપ્રસાદ ચોક પાસે અંકુર સોસાયટીમાં રહેતાં અને ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતાં હર્ષ જીજ્ઞેશભાઇ જોષી (ઉ.વ.૨૨) નામના યુવાને ફિનાઇલ પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે માલવીયાનગર પોલીસને જાણ કરી હતી.

હર્ષના કહેવા મુજબ તેના માતા-પિતા હયાત નથી. પોતે એક બહેનથી નાનો છે અને ડ્રાઇવીંગ કામ કરે છે. એક મહિના પહેલા જ તેના લગ્ન થયા છે. અગાઉ તેણે નાનીમા બિમાર હોઇ તેની સારવાર માટે પરિચિત એવા ખોડિયારનગરના કિશન ગઢવી પાસેથી રૂા. સિત્તેર હજાર હાથ ઉછીના લીધા હતાં. આ રકમ સામે બાદમાં તેણે વ્યાજ માંગતા અત્યાર સુધીમાં કુલ નેવુ હજાર ચુકવી દીધા છે. પણ હવે તે રૂા. ૧ લાખ ૪૦ હજાર માંગી સતત હેરાન કરે છે. આ કારણે કંટાળી જઇ પોતે રાતે ઘર નજીક ફિનાઇલ પી ગયો હતો અને ઘરે જઇ ઉલ્ટીઓ કરવા માંડતાં પોતાને હોસ્પિટલે ખસેડાયો હતો. તેમ હર્ષએ જણાવતાં પોલીસે નિવેદન નોંધવા તજવીજ કરી હતી.

હર્ષને રાતે સિવિલ હોસ્પિટલમાં સારવાર અપાવાયા બાદ રજા લીધી હતી. તેણે કહ્યું હતું કે કિશન અગાઉ ખંડણીના કેસમાં સંડોવાયો હતો.

(12:02 pm IST)