રાજકોટ
News of Thursday, 23rd June 2022

એસ.ટી.બસ સ્ટેન્ડમાં ભીડનો લાભ લઇ મુસાફરોના મોબાઇલ સેરવતી બેલડી ઝડપાઇ

એ–ડીવીઝન પોલીસ મથકના હેડકોન્સ જયેન્દ્રસિંહની બાતમીઃ તૈફીક અને મહંમદખાનની ધરપકડઃ ૯ ચોરાઉ મોબાઇલ કબજેઃ સન્ની મારવાડીની શોધ

રાજકોટના તા.૨૨: શહેરના એસ.ટી.બસ સ્ટેશનમાં ભીડનો લાભ લઇ મુસાફરો અને રાહદારીઓની નજર ચૂકવી મોબાઇલ સેરવતા બે શખ્સોને એડીવીઝન પોલીસે નવ ચોરાઉ મોબાઇલ ફોન સાથે
ઝડપી લીધા હતા.

મળતી વિગત મુજબ એસ.ટી.બસ સેશનમાં ત્રણ દિવસ પહેલા એક યુવતીના પર્સમાંથી અજાણ્યા શખ્સે મોબાઇલ સેરવી લેતા એ–ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ થઇ હતી. દરમ્યાન એસ.ટી.બસ સ્ટેશનમાં અને તેની આસપાસ મોબાઇલ ફોનની ચોરીના બનાવો અટકાવવા માટે પોલીસ કમિશનર શ્રી રાજુભાર્ગવ, જોઇન્ટ પોલીસ કમિશનર શ્રી ખુરશીદ અહમદ, ડીસીપી સુધીર દેસાઇ તથા એસીપી જે.એસ.ગેડમની સૂચનાથી એ–ડીવીઝન પોલીસ મથકના પી.આઇ.સી.જી.જોશીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ.એચ.નીમાવત સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા ત્યારે હેડકોન્સ જયેન્દ્રસિંહ ઝાલાને બાતમી મળતા નવા બસ સ્ટેશન પાસેથી કોઠારીયા રોડ ગોકુલનગર શેરી.નં.૩ના તોસીફ આરીફ ટુરીયા (ઉ.વ.૨૧) અને ગોકુલનગર શેરી નં ૨ના મહંમદખાન ફીરોઝખાન પઠાણ (ઉ.વ.૧૮)ને પકડી લઇ બંને પાસેથી અલગ અલગ કંપનીના નવ ચોરાઉ મોબાઇલ ફોન કબજો કર્યા હતા. બંનેની પૂછપરછમાં સની મારવાડીનું નામ ખુલતા પોલીસ તેની શોધખોળ હાથ ધરી છે. આ કામગીરી પી.આઇ.સી.જી.જોશીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ. એમ.એસે.નિમાવત, એ.એસ.આઇ. આર.આર. સોલંકી, હેડકોન્સ જયેન્દ્રસિંહ ઝાલા, કોન્સ રાજુભાઇ તથા આકાશભાઇ દ્વારા કરવામાં આવી હતી.

(3:03 pm IST)