રાજકોટ
News of Thursday, 23rd June 2022

પેડક રોડ પ્રજાપતિ સોસાયટીમાં મહિલાના મકાનમાં દારૂ - બીયરના જથ્‍થા સાથે રવિ અને રાહુલ પકડાયા

ક્રાઇમ બ્રાંચનો દરોડો : દારૂની ૧૮૦ બોટલ અને ૧૨૦ બીયરના ટીન કબ્‍જે : બુટલેગર સાગર અને તેનો સાગરીત વિપુલ કોબીયાની શોધ : સાગરે મકાન ભાડે રાખી દારૂ-બીયર વેંચતો'તો

રાજકોટ તા. ૨૩ : પેડક રોડ પર આવેલી પ્રજાપતિ સોસાયટીમાં ક્રાઇમ બ્રાંચે બાતમીના આધારે મહિલાના મકાનમાં દરોડો પાડી ૮૦ હજારનો દારૂ અને ૧૨ હજારના બીયરના ટીન સાથે બે શખ્‍સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ પ્રજાપતિ સોસાયટીમાં એક મકાનમાં દારૂ - બીયરનો જથ્‍થો પડયો હોવાની ક્રાઇમ બ્રાંચના એ.એસ.આઇ. ફરીદભાઇ શેખ, હેડ કોન્‍સ. ધર્મેન્‍દ્રસિંહ જાડેજાને બાતમી મળતા પ્રજાપતિ સોસાયટી શેરી નં. ૫માં જયાબેન જાડાના મકાનમાં દરોડો પાડી તલાશી લેતા સેટીમાં છૂપાવેલ રૂા. ૮૦,૮૦૦ની કિંમતની દારૂની ૧૮૦ બોટલ અને રૂા. ૧૨૦૦૦ની કિંમતના બીયરના ૧૨૦ ટીન મળી આવતા રવિ લલીતભાઇ પરમાર (ઉ.૩૯) (રહે. જૂનો મોરબી રોડ, શ્રી પાર્ક) અને રાહુલ મનોજભાઇ કોબીયા (ઉ.વ.૨૨) (રહે. ચુનારાવાડ શેરી નં. ૫, લાખાજીરાજ ઉદ્યોગનગર)ને પકડી લીધા હતા. પોલીસે દારૂ અને બીયરનો જથ્‍થો અને બે મોબાઇલ કબ્‍જે કરી બુટલેગર સાગર અને તેનો સાગરીત વિપુલ પ્રવિણભાઇ કોબીયા (રહે. સદ્‌ગુરૂ સોસાયટી-૧)ની શોધખોળ હાથ ધરી છે. પોલીસે બંનેની પૂછપરછ કરતા સાગરે મહિલાનું મકાન ભાડે રાખી દારૂ - બીયરનો જથ્‍થો વેંચવા માટે ઉતાર્યો હતો. રવિ, રાહુલ અને વિપુલ તેના સાગરીતો હોવાનું જાણવા મળ્‍યું છે.

(3:15 pm IST)