રાજકોટ
News of Friday, 24th June 2022

રાજકોટ એઇમ્‍સના ડો. ઉત્‍સવ પારેખને શ્રેષ્‍ઠ પરફોર્મન્‍સ બદલ ગોલ્‍ડ મેડલ : દેશના ૨૧૦ ડોકટરો સન્‍માનિત

ફોરેન્‍સિક મેડિસિન એન્‍ડ ટોક્‍સિકોલોજીમાં માસ્‍ટરી મેળવી : ખાસ ડીગ્રી એનાયત : એઇમ્‍સના ડીરેકટર પ્રો.ડો. (કર્નલ) સીડીએસ કટોચ તથા અન્‍યોએ અભિનંદન પાઠવ્‍યા

રાજકોટ તા. ૨૩ : ઓલ ઈન્‍ડિયા ઈન્‍સ્‍ટીટ્‍યુટ ઓફ મેડિકલ સાયન્‍સીઝ (AIIMS), રાજકોટ (ગુજરાત) ખાતે ફોરેન્‍સિક મેડિસિન એન્‍ડ ટોક્‍સિકોલોજી વિભાગના ડો. ઉત્‍સવ નીતિનકુમાર પારેખને તેમની સ્‍પેશીયાલીટી ફોરેન્‍સિક મેડિસિન એન્‍ડ ટોક્‍સિકોલોજીમાં શ્રેષ્ઠ પરફોર્મન્‍સ બદલ નવી દિલ્‍હી ખાતે યોજાયેલ નેશનલ બોર્ડ ઓફ એક્ષામિનેશન્‍સ ઈન મેડીકલ સાયન્‍સીઝ (NBEMS) ના ૨૧મા દીક્ષાંત સમારોહમાં ડિપ્‍લોમેટ ઓફ નેશનલ બોર્ડ (DNB)ની ડિગ્રી એનાયત થવા સાથે ગોલ્‍ડ મેડલથી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. તેમણે જૂન ૨૦ સત્રમા એઈમ્‍સ, નવી દિલ્‍હી ખાતે આયોજિત નેશનલ લેવલની પરીક્ષામાં ઉચ્‍ચતમ ગુણ પ્રાપ્ત કર્યા હતા.

નેશનલ બોર્ડ ઓફ એક્‍ઝામિનેશન્‍સ ઈન મેડિકલ સાયન્‍સ (NBEMS) નો ૨૧મો દીક્ષાંત સમારોહ ૨૦મી જૂન, ૨૦૨૨ના રોજ ડો. આંબેડકર ઇન્‍ટરનેશનલ સેન્‍ટર, નવી દિલ્‍હી ખાતે યોજાયો હતો. કેન્‍દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવિયા, આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ મંત્રાલય (MoHFW) ની વર્ચ્‍યુઅલ અધ્‍યક્ષતામાં યોજાયેલ આ કોન્‍વોકેશન માં ડો. ભારતી પ્રવિણ પવાર, આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ રાજય મંત્રી, આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ હતા તથા અન્‍ય પ્રતિષ્ઠિત મહાનુભાવોએ હાજરી આપી હતી.

સત્તર હજારથી વધુ સ્‍પેશિયાલિસ્‍ટ અને સુપર-સ્‍પેશિયાલિસ્‍ટ ડોકટરોને ડિપ્‍લોમેટ ઓફ નેશનલ બોર્ડ (DNB), ડોક્‍ટરેટ ઓફ નેશનલ બોર્ડ (DrNB) અને ફેલો ઓફ નેશનલ બોર્ડ (FNB) ડિગ્રીઓ એનાયત કરવામાં આવી હતી. તે પૈકી, ૨૧૦ ડોકટરો જેમણે તેમની કામગીરીમાં ઉત્‍કૃષ્ટ દેખાવ કર્યો હતો તેઓને દિક્ષાંત સમારોહમાં ઉચ્‍ચ ગુણવત્તાયુક્‍ત પુરસ્‍કારો અને ગોલ્‍ડ મેડલ થી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા.

અધ્‍યક્ષીય સંબોધન કરતાં કેન્‍દ્રીય આરોગ્‍ય મંત્રીએ જણાવ્‍યું હતું કે નવા ભારતના નિર્માણમાં આજના તબીબોની ખૂબ જ મહત્‍વપૂર્ણ ભૂમિકા છે અને તેમની સાચી પ્રતિબદ્ધતા અને સમર્પણ આ શક્‍ય બનાવી શકે છે. ડો.મનસુખ માંડવિયાએ ડોકટરો અને તેમના માતા-પિતાને અભિનંદન પાઠવ્‍યા હતા અને ઉમેર્યું હતું કે ‘આજે, આપણા માનનીય વડાપ્રધાનના નેતૃત્‍વ હેઠળ, કેન્‍દ્ર સરકારનું લક્ષ્ય આરોગ્‍ય ક્ષેત્રમાં નિવારક આરોગ્‍યસંભાળ અને આધુનિક તબીબી સુવિધાઓ વચ્‍ચે સમન્‍વય સાથે સર્વગ્રાહી રીતે કામ કરવાનું છે.'

નોંધનીય છે કે AIIMS રાજકોટમાં ફોરેન્‍સિક એક્‍સપર્ટ તરીકે કામ કરતા ડો. ઉત્‍સવ પારેખ ની સમગ્ર તબીબી કારકિર્દી ગૌરવપૂર્ણ સિધ્‍ધિઓથી ભરેલી છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી એમડીની પરીક્ષામાં પણ ટોચનું સ્‍થાન હાંસલ કર્યું હતું. મેડીકો-લીગલ ક્ષેત્રમાં તેમની કુશળતાની ઘણી વખત પ્રશંસા કરવામાં આવી છે. ઇન્‍ડિયન એકેડેમી ઓફ ફોરેન્‍સિક મેડિસિનની નેશનલ કોન્‍ફરન્‍સમાં તેમના  રિસર્ચ પ્રેસન્‍ટેશન માટે તેમને ફર્સ્‍ટ પ્રાઈઝ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્‍યા હતા. તેમણે તેમના ક્ષેત્રમાં રિસર્ચ ક્ષેત્રે વ્‍યાપકપણે કામ કર્યું જે વિદ્વતાપૂર્ણ રીતે ઘણી પ્રતિષ્ઠિત ઇન્‍ટરનેશનલ જર્નલ્‍સ માં પ્રકાશિત થયેલ છે. તેઓ ઘણા પ્રતિષ્ઠિત જર્નલોના રીવ્‍યુયર અને એડીટોરીયલ બોર્ડમાં સમાવિષ્ટ છે.

AIIMS રાજકોટ ના ડીરેક્‍ટર, પ્રો. ડો. (કર્નલ) સીડીએસ કટોચ એ રાષ્ટ્રીય કક્ષાની આ સિદ્ધિ બદલ શુભેચ્‍છાઓ વ્‍યક્‍ત કરી અને કહ્યું કે ‘આ ખરેખર અમારી સંસ્‍થા માટે ગર્વની વાત છે કે ડો. ઉત્‍સવ પારેખની રાષ્ટ્રીય કક્ષાના મેરિટોરીયસ સ્‍થાન માટે પસંદગી કરવામાં આવી છે અને તેમને ગોલ્‍ડ મેડલ એનાયત કરવામાં આવ્‍યો છે. મને ખાતરી છે કે તેમનું ભવિષ્‍ય ખૂબ જ ઉજ્જવળ છે.'

(11:37 am IST)