રાજકોટ
News of Thursday, 24th November 2022

ભારતીય લોકતંત્રવાદી બાલ ગંગાધર તિલકને ધૂર્ત અંગ્રેજો દ્વારા ધૃણિત સજા અપાઈ, થૈલીશાહોનાં કુતરાઓએ આ લોકતંત્રવાદીનો બદલો લીધોઃ લેનિન

આઝાદી પૂર્વે સ્‍વાતંત્ર્ય સૈનિકોની લડતનો ઈતિહાસ : લેનિન માનતા હતા કે ગાંધી ‘પ્રેરક આંદોલન'નાં નેતાનાં રૂપમાં એક ક્રાંતિકારી છે : અંગ્રેજ શાસન દ્વારા ૩ᅠક્રાંતિકારી ચાફેકર ભાઈઓને ફાંસીની સજા થઈઃ આથી ભગિની નિવેદિતાએ અંગ્રેજ શાસન પ્રતિ ઉગ્ર નારાજગી દર્શાવી અને ચાફેકર ભાઈઓની વૃધ્‍ધ માતાને સાંત્‍વના આપવા કલકત્તા પહોંચ્‍યા

વિશ્વનાં દેશોનાં નેતાઓએ ભારતની સ્‍વતંત્રતા માટે સક્રિય રહ્યા છે. અમેરિકાનાં રાષ્ટ્રપતિ રૂઝવેલ્‍ટ સૌથી મોખરે હતા. અમેરિકા વિશ્વમાં મહાન દેશ છે. રશિયાનાં ક્રાંતિકારી લેનિન પણ ભારતનાં સ્‍વાતંત્ર્ય સંગ્રામ અંગે જાગૃત હતા અને સંપર્કમાં પણ હતા.

વ્‍લાહીમીર ઈલિયિચ લેનિન (૧૮૭૦-૧૯૨૪)

લેનિન ભારતનાં સ્‍વતંત્રતા અંદોલનથી પરિચિત હતા અને તે અંગે તેમણે અધ્‍યયન પણ કરેલ. ભારતીય સ્‍વતંત્રતા સંગ્રામનાં તેઓ સમર્થક પણ હતા. લેનિને ભારતીય સંગ્રામનાં સક્રિય અગ્રણીઓને મળવા માટે નિમંત્રિત કરેલ, જેથી વર્તમાન પરિસ્‍થિતિમાં ઉકેલ લાવવા તેમને ખ્‍યાલ આવે. લોકમાન્‍ય તિલકને નૃશંસ સજા આપવામાં આવી અને પરિમાણ સ્‍વરૂપ મુંબઈમાં જનજીવનનાં અનુસંધાને હડતાલ પડી હતી. તેના ઉપર લેનિને તા. ૨૩/૦૭/૧૯૦૮ માં નીચે મુજબ લખ્‍યું હતું.

ભારતમાં લોકો રાજનીતિક નેતાઓ તથા લેખકોને સાથ આપવા લાગ્‍યા છે. ભારતીય લોકતંત્રવાદી તિલકને ધૂર્ત અંગ્રેજો દ્વારા ઘૃણિત સજા અપાઈ અને તિલકને લાંબી અવધી માટે સજાનો અમલ કરાવ્‍યો. થૈલીશાહોનાં કુતરાઓને આ લોકતંત્રવાદીઓનો બદલો લીધો છે, જેનાં પરિણામે ગલી-ગલીમાં વિરોધ પ્રદર્શન અને મુંબઈમાં હડતાલનું રૂપ જોવા મળી રહ્યું છે. -લેનિન, તા. ૨૩/૦૭/૧૯૦૮

ક્રાંતિવીર એમ. એન. રાયનાં અભિપ્રાય મુજબ લેનિન માનતા હતા કે ગાંધી પ્રેરક જનઆંદોલનનાં નેતાનાં સ્‍વરૂપમાં એક ક્રાંતિકારી છે. જલિયાવાલા બાગ હત્‍યાકાંડની ખબર સાંભળ્‍યા બાદ તુરંત લેનિને ‘અમૃતબજાર પત્રિકા'ને સર્વ ભારતિયો જોગ સહાનુભૂતિ પત્ર પણ લખ્‍યો હતો. લેનિન સામ્‍યવાદી ક્રાંતિકારી, રાજનીતિજ્ઞનાં સિદ્ધાંતકાર હતા. ઈ.સ. ૧૯૧૭ થી ૧૯૨૪ સુધી સોવિયત સંઘનાં ‘હેડ ઓફ ગવર્નમેંટ' તરીકે નિયુક્‍ત થયા હતા. ૧૯૧૭ માં રશિયાનાં જારને હટાવી દીધા. લેનિનને ૧૮૯૭ માં ૩ વર્ષ માટે પૂર્વ સાઈબેરિયામાં જેલવાસ ભોગવ્‍યો હતો. યુદ્ધકાળમાં લેનિને માર્ક્‍સવાદની દાર્શનિક વિચારધારાને ઉત્તેજન આપેલ.

ભગિની નિવેદિતા (૧૮૬૭-૧૯૧૧)

આયરિશ માર્ગરેટ નોબેલા (ભગિની નિવેદિતા) ઈ.સ. ૧૮૯૫ માં લંડન મધ્‍યે સ્‍વામી વિવેકાનંદને મળ્‍યા હતા. ઈ.સ. ૧૯૦૨ માં વિવેકાનંદનું અવસાન થયું ત્‍યારબાદ ભારતની રાષ્ટ્રવાદી ગતિવિધિઓમાં ક્રાંતિકારીઓ સાથે ભારત આવીને સક્રિય બન્‍યા, જેથી બ્રિટીશ સરકાર તેમની વિરૂદ્ધ બની. સ્‍વાતંત્ર્ય સંગ્રામનાં ૩ ક્રાંતિકારીઓ ચાફ્રેકર ભાઈઓને ફાંસીની સજા બ્રિટીશ શાસને આપી ત્‍યારે ભગિની નિવેદિતાએ બ્રિટીશ શાસન પ્રતિ પોતાની નારાજગી વ્‍યક્‍ત કરી હતી. ત્રણે ભાઈઓને ફાંસી થતાં તેમનાં વૃદ્ધ માતાને સાંત્‍વના આપવા તેઓ કલકત્તા પહોંચ્‍યા હતા. ભારતમાં આવ્‍યા બાદ તેમનું ભગિની નિવેદિતા પડ્‍યું હતું. ઓક્‍ટોબર ૧૯૧૧માં તેમનું મૃત્‍યુ થયું.

સંકલનઃ નવીન ઠકકર

મો.૯૮૯૮૩ ૪૫૮૦૦

(3:45 pm IST)