રાજકોટ
News of Wednesday, 25th January 2023

જાળીયાના તળસીભાઇ રતનપરના રસ્તેથી બેભાન મળ્યા બાદ મોતઃ ઠંડીને કારણેે હૃદય બેસી ગયું

રાજકોટ તા. ૨૫: કડકડતી ઠંડીને કારણે બપોરના સમયે પણ લોકોને ગરમ કપડા પહેરવા પડે છે. દરમિયાન કુવાડવા તાબેના જાળીયા ગામે રહેતાં વૃધ્ધનું વાડીએથી ઘરે જતી વખતે રસ્તામાં બેભાન થઇ જતાં મોત નિપજ્યું હતું. ઠંડીને કારણે હાર્ટએટેક આવી ગયાની શકયતા પરિવારજનોએ જણાવી હતી.

ગઇકાલે એક વૃધ્ધ જાળીયાથી રતનપરના રસ્તે બેભાન થઇ જતાં કોઇએ ૧૦૮ને જાણ કરતાં સિવિલ હોસ્પિટલમાં અજાણ્યા દર્દી તરીકે દાખલ કરાયા હતાં. એ પછી તેમની ઓળખ થઇ હતી અને તેઓ જાળીયાના તળસીભાઇ દેવજીભાઇ ઉંધાડ (ઉ.વ.૬૦) હોવાનું ખુલ્યું હતું. સારવાર દરમિયાન તેમણે દમ તોડી દેતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે કુવાડવા પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર બે ભાઇ અને એક બહેનમાં બીજા હતાં. સંતાનમાં ત્રણ પુત્રી છે. પોતે વાડીએથી ઘરે જતાં હતાં ત્યારે રસ્તામાં ઠંડીને કારણે હાર્ટએટેક આવી જતાં પડી ગયાનું અને તેના કારણે મૃત્યુ થયાની શકયતા પરિવારજનોએ વ્યકત કરી હતી. બનાવથી સ્વજનોમાં શોક છવાઇ ગયો હતો.

(3:26 pm IST)