રાજકોટ
News of Saturday, 25th June 2022

રેલનગરમાં કૂવામાં પડી ગયેલા ઘંટેશ્વરના દેવજીને ફાયર બ્રિગેડે રેસ્‍કયુ કરીને જીવ બચાવી લીધો

વોકીંગમાં નીકળેલા રેલ કર્મચારી ગોપાલ શર્માએ કૂવામાં કેબલ નાંખી બચાવવા પ્રયાસ કર્યા બાદ ફાયર બ્રિગેડને જાણ કરીઃ બચાવ કામગીરી જોવા લોકોના ટોળા ઉમટયાઃ ચક્કર આવતાં પડી ગયાનું યુવાનનું રટણ

રેલનગરમાં સવારે કૂવામાં પડી ગયેલા એક યુવાનને બચાવવા માટે ફાયર બ્રિગેડની ટીમે રેસ્‍ક્‍યુ કર્યુ હતું અને તેને હેમખેમ બહાર કાઢયો હતો. કામગીરીના દ્રશ્‍યો અને બચી ગયેલો યુવાન તથા લોકોનું ટોળુ જોઇ શકાય છે (ફોટોઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ૨૫: શહેરના રેલનગરમાં એક યુવાન સવારે કૂવામાં પડી જતાં વોકીંગમાં નીકળેલા રેલ્‍વે કર્મચારીએ કેબલ, દોરડાની મદદથી તેને બહાર કાઢવા પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમાં સફળતાં ન મળતાં ફાયર બ્રિગેડને જાણ કરતાં ફાયર બ્રિગેડની ટીમે રેસ્‍કયુ કરી તેને બચાવી લીધો હતો.

જાણવા મળ્‍યા મુજબ રેલનગરમાં રહેતાં અને રેલ્‍વેમાં ફરજ બજાવતાં ગોપાલભાઇ શર્મા સવારે પોણા છએક વાગ્‍યે વોકીંગમાં નીકળ્‍યા ત્‍યારે તેણે મેરી ગોલ્‍ડ ટાવર પાસે કૂવા નજીક એક શખ્‍સને ઉભેલો જોયો હતો. તે રાઉન્‍ડ લગાવી પરત નીકળ્‍યા ત્‍યારે એક મહિલાએ કૂવા પાસે ઉભેલો શખ્‍સ અંદર પડી ગયાનું કહેતાં ગોપાલભાઇએ નજીકમાંથી કેબલ શોધી અંદર નાખતા અંદર પડેલા શખ્‍સે કેબલ પકડી લીધો હતો.

એ પછી ગોપાલભાઇએ દોરડુ શોધી તેની મદદથી એ યુવાનને બહાર કાઢવા પ્રયાસ કર્યો હતો. પરંતુ સફળતા ન મળતાં ફાયર બ્રિગેડને જાણ કરતાં રેસ્‍ક્‍યુ ટીમના મેપાભાઇ, વનરાજસિંહ, હરેશભાઇ, દિલીપસ્‍ંિહ, મહાવીરસિંહ, આશિષભાઇ, રાહુલભાઇ, રાજેશભાઇ સહિતે પહોંચી વીસ મિનીટના રેસ્‍કયુ બાદ હેમખેમ બહાર કાઢયો હતો. તેણે પોતાનું નામ દેવજી મનસુખભાઇ સારસીયા (ઉ.૨૫-રહે. ઘંટેશ્વર ૨૫ વારીયા) જણાવ્‍યું હતું. ચક્કર આવતાં પડી ગયાનું રટણ તેણે કર્યુ હતું. જો કે લોકોમાં થતી ચર્ચા મુજબ તે જાતે જ કૂદી ગયો હતો. ફાયર બ્રિગેડ ટીમની બચાવ કામગીરી જોવા માટે લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં.

(4:21 pm IST)