રાજકોટ
News of Friday, 25th September 2020

લગ્નના દોઢ મહિના બાદ પતિએ કહ્યું-તું મને ભટકાઇ ગઇ, જરાય ગમતી જ નથી!

સાસુ-સસરાએ કહ્યું-અમારા મોભા મુજબ તારા બાપે કંઇ આપ્યું નથીઃ હાલ રાજકોટ રહેતી નિશા વાઘેલાની જસદણ સ્થિત સાસરિયા વિરૂધ્ધ ફરિયાદ

રાજકોટ તા. ૨૫: દોઢેક વર્ષથી રાજકોટ માવતરે રહેતી પરિણીતાને જસદણમાં  રહેતાં પતિ-સાસરિયા વિરૂધ્ધ ત્રાસની ફરિયાદ નોંધાવી છે.

આ અંગે મહિલા પોલીસે હાલ સંત કબીર રોડ સરકારી સ્કૂલ પાછળ બાલકૃષ્ણ સોસાયટીમાં રહેતી નિશાબેન હાર્દિક વાઘેલા (વ્યાસ) (ઉ.વ.૨૨)ની ફરિયાદ પરથી વિછીયા રહેતાં તેણીના પતિ હાર્દિક, સસરા રમણિકભાઇ વાલજીભાઇ વાઘેલા, સાસુ મધુબેન, જેઠ યોગેશભાઇ અને નણંદ દક્ષા કલ્પેશ મકવાણા વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.

નિશાબેને ફરિયાદમાં જણાવ્યું છે કે હું દોઢ વર્ષથી માવતરે રહુ છું. મારા લગ્ન ૧૦/૧૨/૧૭ના રોજ જસદણના હાર્દિક સાથે સમુહલગ્નમાં જ્ઞાતિના રિવાજ મુજબ થયા છે. અમારે સંતાન નથી. લગ્ન બાદ જસદણ વૃંદાવન સોસાયટીમાં સાસરે હતી. પ્રારંભે બધાએ સારી રીતે રાખી હતી. પણ દોઢેક મહિના બાદ સાસુ-સસરાએ અમારા મોભા પ્રમાણે તારા બાપે કરિયાવર આપેલ નથી...સાવ હલકી વસ્તુ આપી છે. તેમ કહી વધુ કરિયાવર લાવવા દબાણ શરૂ કર્યુ હતું. પતિને વાત કરતાં તેણે પણ 'તું મને ભટકાઇ ગઇ છો, તું ગમતી જ નથી' કહી ગાળો દઇ મારકુટ કરી હતી.

ઘરખર્ચના પૈસા પણ આપતા નહિ અને માવતરેથી મંગાવી લેવા કહેતાં હતાં. કટકે-કટકે મારા મમ્મીએ પાંચ-પાંચ હજાર કરી પંદરેક હજાર આપ્યા હતાં. પતિ કામે જાય પછી જેઠ યોગેશ ઘરે હોય તો તે મારી સામે જ જોયા કરતો હતો. હું આ અંગે પતિને કહુ તો જેઠ કહેતાં કે ઘરમાં હું કમાઉ છું, હું કહું તેમજ કરવાનું. નણંદ પણ બાજુના ગામેથી આવતી ત્યારે ઘરકામ બાબતે અને હીરા ઘસવાનું કામ કરવા સાથે આવવાનું કહેતી હતી. હું પ્રેગનન્ટ થઇ એ પછી પણ પતિ સાથે દવા લેવા આવતો નહિ. સાસુ સસરા પણ દવાના પૈસા આપતા નહોતાં. જેથી મારે મિસડિલીવરી થઇ ગઇ હતી.

સાસરિયા દવા ન કરાવતાં હોઇ મારા પપ્પાને વાત કરી હતી. જેથી તેણે મારા સાસરિયાને દવા બાબતે વાત કરતાં તેઓ મારા પિતા પર ઉશ્કેરાઇ ગયા હતાં. તેમજ મારા પતિએ તું ઘરમાંથી બહા નહિ નીકળ તો મારી નાંખીશ તેમ કહી ધમકી દેતાં મારા માતા-પિતા મને રાજકોટ માવતરે લાવ્યા હતાં.  હવે હું ત્યાં રહી શકુ તેમ ન હોઇ મેં અગાઉ પોલીસમાં અરજી કરી હતી. પરંતુ પતિ-સાસરિયા મને પરાણે ત્યાં રાખવા ધમકી આપે છે. ત્રાસ સહન ન થતાં અંતે ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદીના ઉપરોકત આક્ષેપો અંગે પીએસઆઇ કે. જી. જલવાણીએ તપાસ હાથ ધરી છે.

(12:14 pm IST)