રાજકોટ
News of Friday, 25th September 2020

યોગીરાજનગરમાં વિશાલને સગા ભાઇ અને તેના બે મિત્રોએ ધોકા-પાઇપથી ફટકાર્યો

પૈસા બાબતે ભાઇ કાનાને તેના મિત્રો સાથે ચડભડ થઇ હોઇ અરજી કરતાં ડખ્ખો

રાજકોટ તા. ૨૫: માધાપર ચોકડી નજીક યોગીરાજનગર મેઇન રોડ પર રહેતાં અને ટ્રેકટરના ફેરા કરી ગુજરાન ચલાવતાં વિશાલ અશોકભાઇ ઘટાર (ઉ.વ.૨૨)ને તેના સગા ભાઇ કાનો અશોકભાઇ તથા કાનાના મિત્રો પ્રભુ જેકીભાઇ મારવાડી અને કાનો સુરાભાઇ ભરવાડે મળી ધોકા-પાઇપથી માર મારતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી. વિશાલના કહેવા મુજબ મારા ભાઇ કાનાને તેના મિત્ર પ્રભુ સાથે પરમ દિવસે પૈસાની લેતીદેતી મામલે માથાકુટ થઇ હોઇ મેં તેના વતી પોલીસમાં અરજી કરી હતી. આ બાબતનો ખાર રાખી પ્રભુ, કાનો ભરવાડ ઘરે આવ્યા હતાં અને માથાકુટ કરી હતી. સાથે મારા ભાઇ કાનાએ પણ મળી તું શું કામ અરજીઓ કરે છે? કહી મારકુટ કરી લીધી હતી. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.

ચુનરાવાડમાં રાજુને દશરથ, ભુપતે છરીથી ઘાયલ કર્યો

ચુનરાવાડ-૨૧માં રહેતાં રાજુ ઉકાભાઇ મકવાણા (ઉ.૪૦) નામના રિક્ષાચાલક યુવાનને સાંજે લાખાજીરાજ ઉદ્યોગનગરમાં હતો ત્યારે દશરથ રાજેભાઇ અને ભુપત સોઢા સહિતે ઝઘડો કરી છરીથી ઇજા કરતાં તેમજ પથ્થર ફટકારતાં સારવાર માટે દાખલ કરવામાં આવતાં ચોકીના સ્ટાફે થોરાળા પોલીસને જાણ કરી હતી. અગાઉના મનદુઃખનો ખાર રાખી હુમલો કરાયો હતો. પીએસઆઇ એચ. બી. વડાવીયાએ ફરિયાદ નોંધી હતી. 

કેસરી પુલ પર નજીવી વાતે ધમાલઃ ઇમરાન અને અશ્વિનભાઇને ઇજા

કેસરી પુલ નજીક બાલાજી કોલ્ડ્રીંકસ પાસે રાત્રીના નજીવી વાતે ઝઘડો થતાં રિક્ષાચાલક ઇમરાન ઓસમાણભાઇ તલવાટીયા (ઉ.વ.૨૨) અને અશ્વિનભાઇ દોલતજી આડેસરા (ઉ.વ.૫૧) (રહે. બંને બેડીનાકા)ને ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં એ-ડિવીઝનમાં જાણ કરાઇ હતી.

(12:15 pm IST)