રાજકોટ
News of Friday, 25th September 2020

તું કેમ ટ્યુશનના ટીચર સાથે બહુ વાતો કરે છે?...કહી ધો-૧૦ના છાત્રની ધોલધપાટ

લક્ષ્મીવાડીના પ્રિયાંશ ગોહેલને ઉમંગ અને સુજલે ફટકારતાં સારવાર લેવી પડી

રાજકોટ તા. ૨૫: લક્ષ્મીવાડીમાં રહેતાં અને દસમા ધોરણમાં ભણતાં છાત્રને ઘર નજીક ટ્યુશન કલાસીસ પાસે હતો ત્યારે ધોરણ બારમાં અભ્યાસ કરતાં એક છાત્ર સહિત બે જણાએ ટીચર સાથે વાત કરવા બાબતે ઝઘડો કરી મારકુટ કરી લેતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

લક્ષ્મીવાડી-૧૦માં રહેતો પ્રિયાંશ અરવિંદભાઇ ગોહેલ (ઉ.૧૪) સાંજે ઘર નજીક ટ્યુશન કલાસીસમાં જતો હતો ત્યારે રસ્તામાં શેરી નં. ૧૭માં નાઇસ બ્યુટી પાર્લર પાસે ઉમંગ અને સુજલે ઝઘડો કરી ઢીકા-પાટુનો માર મારતાં અને ગુપ્તાંગ નીચેના ભાગે પણ ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં ચોકીના સ્ટાફે ભકિતનગર પોલીસને જાણ કરી હતી.

પ્રિયાંશ ધોરણ-૧૦માં ભણે છે. તેના પિતા અરવિંદભાઇ ધીરજલાલ ગોહેલે કહ્યું હતું કે પ્રિયાંશ ટ્યુશનના ટીચર સાથે અભ્યાસ બાબતે વાત કરતો હોઇ ધોરણ-૧૨ના છાત્રોએ તું કેમ ટીચર સાથે બહુ વાતો કરે છે? તેમ કહી ધોલધપાટ કરી હતી.

(12:16 pm IST)