રાજકોટ
News of Friday, 25th September 2020

આજી ડેમ ચોકડીએ મામલતદાર દંગીનો સપાટો : ૪૮ મકાન - દુકાનનો કડૂસલો

૧૫ કોમર્શિયલ બાંધકામો : ૨૫ નાના મોટા મકાન - ઓરડી - ૮ દુકાનો ઉપર બુલડોઝર ફેરવી દેવાયુ : ૧૫ કરોડની જમીન ખુલ્લી : મામલતદાર દંગી - સર્કલ ઓફિસર ફીરોઝ બાંભણીયા અને સ્ટાફ દ્વારા કાર્યવાહી : ૧૦ હજાર ચો.મી. જમીન ઉપર દબાણ હતું : ઝૂ ફોરેસ્ટી માટે કલેકટરે ૪ હજાર ચો.મી. જમીન કોર્પોરેશનને આપી હતી : લોકોના ટોળે ટોળા

આજીડેમ ચોકડીએ મામલતદારશ્રી દંગી અને સ્ટાફે આજે ત્રણ સ્થળે સરકારી જમીન ઉપર દબાણ હટાવી ઓપરેશન હાથ ધર્યું હતું તે તસ્વીરમાં નજરે પડે છે.

રાજકોટ તા. ૨૫ : કલેકટરની સૂચના બાદ આજે પૂર્વ મામલતદાર શ્રી દંગીએ સપાટો બોલાવી આજી ડેમ ચોકડીએ ૧૦ હજાર ચો.મી. જમીન ઉપર ઉભા થઇ ગયેલા ૪૮ જેટલા નાના-મોટા કોમર્શિયલ બાંધકામો, મકાનો, દુકાનો, ઓરડી ઉપર બુલડોઝર ફેરવી દઇ ૧૫ કરોડની જમીન ખુલ્લી કરાવી હતી. બે દિ' પહેલા પશ્ચિમ મામલતદારશ્રી ભગોરાએ સાધુ વાસવાણી રોડ ઉપર ૧૫ કરોડની જમીન ઉપર થઇ ગયેલ દબાણ દૂર કરાયું હતું, ત્યાં આજે પૂર્વ મામલતદાર શ્રી દંગીએ સાથે સર્કલ ઓફિસર શ્રી ફિરોઝ બાંભણીયા, અન્ય સ્ટાફ, પોલીસ બંદોબસ્ત, જેસીબી, જીઇબીની ટીમો પણ જોડાઇ હતી.

પૂર્વ મામલતદાર કચેરીના સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ, આજીડેમ ચોકડીએ - ભાવનગર રોડ પર પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલ સરકારી જમીન ઉપર ઉભા થઇ ગયેલા ૧૫૦૦ ચો.મી. જમીન ઉપર ૧૫ કોમર્શિયલ મકાનો તોડી પડાયા હતા. આ પછી ઓપરેશન ટીમે આજીડેમ ચોકડીથી આગળ સર્વે નં. ૨૩૬ની ઝુ ફોરેસ્ટ માટે કલેકટરે કોર્પોરેશનને આપેલ ૪ હજાર ચો.મી. જમીન ઉપર ઉભી થઇ ગયેલ બે કમ્પાઉન્ડ વોલ, ૨૫ નાના-મોટા મકાનો, ઓરડી, ઝુપડા તોડી પડાયા હતા અને ત્યારબાદ ૪૫૦૦ ચો.મી. જમીન ઉપરની ૮ દુકાનો ઉપર પણ બુલડોઝર ફેરવી દેવાયું હતું, કુલ ૧૫ કરોડની ૧૦ હજાર ચો.મી. જમીન ખુલ્લી કરાવી હવે ત્યાં ફેન્સીંગ કમ્પાઉન્ડ વોલ બાંધવા અંગે મામલતદારશ્રી દંગીએ સ્ટાફને ત્વરીત કાર્યવાહી કરવા આદેશો કર્યા હતા.

આટલા બધા ઉભા થઇ ગયેલા દબાણો સંદર્ભે તમામ સામે કડક પગલા લેવા મામલતદારે કલેકટરને રીપોર્ટ કર્યો છે.

(3:16 pm IST)