રાજકોટ
News of Friday, 25th September 2020

ઇંગ્લીશ દારૂના મોટા જથ્થાના ગુનામાં આરોપીની આગોતરા જામીન અરજી મંજુર

રાજકોટ તા. રપઃ ઇંગ્લીશ દારૂના મોટા જથ્થાના કેસમાં આગોતરા જામીન મંજુર કરવાનો સેસન્સ કોર્ટે હુકમ કર્યો હતો.

આ બનાવ અંગેની વિગત મુજબ તા. ૦૪-૦૮-ર૦ર૦ ના કુવાડવા પાસે પિતૃ કૃપા સોસાયટી પાસે બાવળની જાળીમાં ઇંગ્લીશ દારૂમાં મોટાપાયે કટીંગ થયાની બાતમી મળતા બે આરોપી પકડી પાડેલ હતા અને ઇંગ્લીશ દારૂનો જથ્થો એપીસોડ ગોલ્ડ વિસ્કી ૩૬૦ બોટલ સાથે બે આરોપી મળી આવેલ. આટલો મોટો જથ્થો પકડાતા પોલીસ હરકતમાં આવી ગયેલ અને ગુનાનું મુળ શોધવા તપાસમાં જીતુભાઇ ઉર્ફે જીતેન્દ્ર મનસુખભાઇ જાકાસણીયાનું નામ ખુલેલ, આથી જીતુભાઇ ઉર્ફે જીતેન્દ્ર મનસુખભાઇ જાકાસણીયાની ધરપકડ સામે સેસન્શ કોર્ટમાં આગોતરા જામીનની અરજી કરેલ. આરોપી વતી એડવોકેટ કુ. ભાવના એન. ઝાલાએ એવી રજુઆત કરેલી કે કહેવાતી ઝડતી દરમ્યાન કાયદેસર પંચ લીધા નથી તેમજ આવા કેસ અંગે ''ડિઝાઇન એફ.આઇ.આર.''નો ચુકાદો રજુ કરેલ અને અન્ય આરોપીના નિવેદન પોલીસ સમક્ષ ગ્રાહય નથી તેના આધારે માત્ર આરોપીને ગંભીર ગુનાના અટકમાં લેવામાં આવે તો નિર્દોષ માણસને પણ સંડોવી શકાય, આરોપી જીતેન્દ્ર હાજર થવા તૈયાર છે તેણે કસ્ટડીમાં લઇ તપાસ કરવાની જરૂરીયાત નથી.

સેસન્સ જજ ડી. કે. દવે એડવોકેટ કુ. ભાવના એન. ઝાલાની દલીલ લક્ષમાં લઇ આરોપીને આગોતરા જામીન મંજુર કરેલ હતાં.

(3:39 pm IST)