મોબાઇલ ફોન ચોરીને ભાગી રહેલા શખ્સની ધોલધપાટઃ મોઢામાંથી ફીણ નીકળવા માંડતા મારકુટ કરનારા લોકોએ મુઠીઓ વાળી
રાજકોટઃ શહેરના કેનાલ રોડ પર બપોરે એક શખ્સને ટોળાએ પાછળ દોડી 'ચોર ચોર'ની બૂમો પાડી પકડી લીધો હતો અને ધોલધપાટ શરૂ કરી હતી. રસ્તા પરથી પસાર થનારા પણ વહેતી ગંગામાં હાથ ધોવા ઉભા રહી ગયા હતાં. પરંતુ વધુ મારથી બચવા શકમંદે ખિસ્સામાંથી કંઇક કાઢીને પોતાના મોઢામાંમુકી દેતાં બીજી જ પળે મોઢામાંથી ફીણ નીકળવા માંડતા અને તે ફૂટપાથ પર બેભાન થઇ પડી જતાં મારકુટ કરવા ભેગા થયેલા લોકો ગભરાઇ ગયા હતાં અને 'ભાગે ઇ ભાયડા' એ મુજબ ચાલતી પકડી હતી. એક ભાઇ આ શખ્સની મદદે આવ્યા હતાં. પરંતુ થોડીવાર બાદ એ શખ્સ ભાનમાં આવી ગયો હતો અને તે પણ રવાના થઇ ગયો હતો. બચવા માટે તેણે નાટક કર્યાની પણ લોકોમાં ચર્ચા થઇ રહી હતી. તસ્વીરમાં શકમંદ શખ્સ અને એકઠા થયેલા લોકો જોઇ શકાય છે. આ મામલે કોઇ ફરિયાદ થઇ નહોતી. (ફોટોઃ અશોક બગથરીયા)