રાજકોટ
News of Thursday, 24th November 2022

‘હિટ એન્‍ડ રન': ટ્રકે બાઇકને ઉલાળતાં મવડીના પ્રજ્ઞાબેન પટેલનું મોતઃ પતિ અનિલભાઇને ઇજા

સંત કબીર રોડના નાલા પાસે ઓવર બ્રીજ નજીક બનાવ : અકસ્‍માત સર્જી ચાલક ટ્રક લઇ ભાગી ગયોઃ દંપતિ કુવાડવા જઇ રહ્યું હતું ત્‍યારે બનાવ

રાજકોટ તા. ૨૪ : આજીડેમ ચોકડીથી ગ્રીનલેન્‍ડ ચોકડી તરફના સર્વિસ રોડથી આગળ સંત કબીરના નાલા નજીક ‘હિટ એન્‍ડ રન'ની ઘટનામાં ટ્રકે બાઇકને ઉલાળી દેતાં મવડીનું પટેલ દંપતિ ફંગોળાઇ ગયું હતું. જેમાં પત્‍નિનું મોત નિપજતાં કલ્‍પાંત સર્જાયો હતો. બંને કુવાડવા કામ માટે જઇ રહ્યા હતાં ત્‍યારે આ બનાવ બન્‍યો હતો.

જાણવા મળ્‍યા મુજબ મવડીજીવરાજ પાર્ક અંબા મંદિરની સામે શ્રીદર્શન એવન્‍યુ એપાર્ટમેન્‍ટ ફલેટ નં. ૧૦૨માં રહેતાં અને લોધીકાના હરિપર ગામે સિલ્‍વર ઇન્‍ડસ્‍ટ્રીમાં ટર્નિંગ ઓપરેટર તરીકે નોકરી કરતાં અનિલભાઇ સવજીભાઇ કંટેસરીયા (પટેલ) (ઉ.વ.૫૫) ગઇકાલે પોતાના પત્‍નિ પ્રજ્ઞાબેન (ઉ.વ.૫૦)ને પોતાના સીડી ડીલક્‍સ બાઇક જીજે૦૩ડીએલ-૪૯૮માં બેસાડી ઘરેથી કુવાડવા જવા નીકળ્‍યા ત્‍યારે આજીડેમ ચોકડીથી ગ્રીનલેન્‍ડ ચોકડી તરફ સર્વિસ રોડ પર સંત કબીર રોડના નાલાવાળો ઓવર બ્રીજ ચડતાં પહેલા રોડ પર પહોંચ્‍યા ત્‍યાં જ પુરઝડપે એક ટ્રક આવ્‍યો હતો અને બાઇકને ઠોકરે લેતાં પતિ-પત્‍નિ બંને રોડ પર ફેંકાઇ ગયા હતાં.

અકસ્‍માત સર્જી ટ્રકનો ચાલક ટ્રક લઇ ભાગી ગયો હતો. અનિલભાઇને જમણા પગે હાથે સામાન્‍ય ઇજાઓ થઇ હતી. જ્‍યારે તેમના પત્‍નિ પ્રજ્ઞાબેનને માથામાં ગંભીર ઇજા થતાં તે ત્‍યાં જ બેભાન થઇ ગયા હતાં. કોઇએ ૧૦૮ બોલાવી હતી પણ તેને પહોંચવામાં સમય લાગી જતાં રિક્ષા મારફત અનિલભાઇએ પત્‍નિને સિવિલ હોસ્‍પિટલે પહોંચાડયા હતાં. પરંતુ અહિ સારવાર દરમિયાન તેમણે દમ તોડી દેતાં પરિવારમા ગમગીની છવાઇ ગઇ હતી.

હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં આજીડેમ પોલીસ મથકના પીએસઆઇ એચ. બી. ગઢવીએ હોસ્‍પિટલે અને ઘટના સ્‍થળે પહોંચી કાર્યવાહી કરી હતી. પોલીસે અનિલભાઇ કંટેસરીયાની ફરિયાદને આધારે જીવલેણ અકસ્‍માત સર્જી ભાગી ગયેલા ટ્રક ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે. મૃત્‍યુ પામનાર પ્રજ્ઞાબેનને સંતાનમાં બે પુત્ર રાજ અને કરણ છે. બનાવથી પટેલ પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

(1:08 pm IST)