રાજકોટ
News of Thursday, 24th November 2022

વેલનાથપરામાં બૂલેટ ધીમુ હંકારવા કહેતાં ચાર જણાએ ધમાલ મચાવીઃ વૃધ્ધને ઇજા

ઘાયલ થયેલા ૬૦ વર્ષિય મહેશભાઇ ગોહિલની ફરિયાદ પરથી મનોજ, પ્રકાશ અને બંનેના પુત્રો વિરૃધ્ધ બી-ડિવીઝન પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૨૪: મોરબી રોડ વેલનાથપરામાં બે છોકરા બૂલેટ પર ફૂલ સ્પીડથી નીકળતાં રજપૂત યુવાને તેને ધીમે હંકારવાના કહેતાં આ બંને છોકરા અને બંનેના પિતાએ આવી માથાકુટ કરી રજપૂત યુવાનના પિતા પર ઇંટના ઘા કરતાં લોહીલુહાણ થઇ ગયા હતાં.

આ બનાવમાં બી-ડિવીઝન પોલીસે હુમલામાં ઘાયલ થતાં હોસ્પિટલના બિછાને પહોંચેલા વેલનાથપરા શેરી નં. ૨માં રહેતાં અને મજુરી કરી ગુજરાન ચલાવતાં મહેશભાઇ છનાભાઇ ગોહિલ (કારડીયા રાજપૂત) (ઉ.વ.૬૦)ની ફરિયાદ પરથી મનોજ, પ્રકાશ, મનોજનો દિકરો તથા પ્રકાશનો દિકરો મળી ચાર જણા સામે ગુનો નોંધ્યો છે. મહેશભાઇએ હોસ્પિટલના બિછાનેથી પોલીસને જણાવ્યું હતું કે હું પરિવાર સાથે રહુ છું અને મજુરી કરુ છું. મારે બે દિકરા અને ત્રણ દિકરીઓ છે. સાંજે મારો મોટો દિકરો સહદેવ શેરીમાં ઉભો હતો ત્યારે મનોજનો દિકરો બૂલેટ લઇને નીકળ્યો હતો અને તેની પાછળ પ્રકાશનો દિકરો બેઠો હતો.

બૂલેટ ફુલ સ્પીડથી ચાલતું હોઇ જેથી મારા દિકરા સહદેવે તેને ધીમુ બૂલેટ હંકારવાનું કહી સમજાવ્યો હતો. આથી મનોજનો દિકરો અને પ્રકાશનો દિકરો જતાં રહ્યા હતાં. ત્યારબાદ હું અને મારા બંને દિકરા સહદેવ તથા દિશાંત અમારા ઘર પાસે હતાં ત્યારે મનોજ, પ્રકાશ તથા બંનેના દિકરાઓ અમારા ઘર પાસે આવ્યા હતાં અને શું થયું હતું? તેમ પુછતાં સહદેવે છોકરાઓને બૂલેટ ધીમુ હંકારવા સમજાવ્યા હતાં તેમ જણાવ્યું હતું.

આથી મનોજે તારે સમજવું છે કે નહિ? તેમ કહી મારી સાથે અને મારા દિકરા સાથે ઝઘડો કરી ઝપાઝપી કરી હતી. એ પછી મનોજે ઇંટનો ઘા કરતાં મને મોઢા પર લાગી જતાં ચક્કર આવતાં હું પડી ગયો હતો. કપાળ, જમણા નેણ પર ઇજા થઇ હોઇ હોસ્પિટલમાં દાખલ થયો હતો. ઝઘડામાં બીજા કોઇને ઇજા થઇ નહોતી. તેમ વધુમાં મહેશભાઇએ જણાવતાં એએસઆઇ એ. વી. બકુતરાએ ગુનો નોંધી  આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. વિસ્તારમાં માથાકુટ થઇ ત્યારે કોંગી ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરૃ ત્યાં પહોંચેલ અને વિગતો જાણી પોતે કડક કાર્યવાહી કરવા જાણ કરશે તેમ કહ્યું હતું.

(3:46 pm IST)