રાજકોટ
News of Thursday, 24th November 2022

રાહુલ નામની મિસાઇલમાં ફયુલ નથી, તે લોન્‍ચ નહિ થાય

ભાજપના રાષ્‍ટ્રીય પ્રવકતા - ધુંઆધાર વકતા સંબિત પાત્રા ‘અકિલા'ની મુલાકાતે : કોંગ્રેસ પાસે નેતા - નિયત - નીતિનો અભાવ : મોદીજીએ અસંભવ લાગતા કાર્યો પાર પાડયા : ગુજરાતમાં ‘આપ' ચિત્રમાં નથી : ગુજરાતે ગાંધીજી - સરદારથી માંડીને મોદીજી જેવી વિશિષ્‍ટ નેતાગીરી આપી : પાત્રા

રાજકોટ તા. ૨૪ : રાષ્‍ટ્રવાદ અને રાષ્‍ટ્રીય પ્રશ્નોના ગાઢ અભ્‍યાસુ ભાજપના રાષ્‍ટ્રીય પ્રવકતા અને ધુંઆધાર વકતા સંબિત પાત્રાજી રાજકોટ પ્રવાસ દરમિયાન ‘અકિલા'ની મુલાકાતે આવ્‍યા હતા. ‘અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાએ પાત્રાજીનું કાઠિયાવાડી પરંપરા પ્રમાણે સ્‍વાગત કર્યું હતું.

‘અકિલા' સાથેની વાતચીતમાં પાત્રાજીએ જણાવ્‍યું હતું કે, રાહુલ ગાંધીને લોન્‍ચ કરવા કોંગ્રેસ વર્ષોથી મહેનત કરે છે, પરંતુ રાહુલ નામની મિસાઇલમાં ફયુલ નથી, તેનું લોન્‍ચિંગ કયારેય થવાનું નથી.

સંબિતજીએ કહ્યું હતું કે, કોંગ્રેસ સાવ પતનના માર્ગે છે, આ પક્ષ પાસે નેતા - નિયત અને નીતિ સારી નથી. નેતા તરીકે રાહુલ સતત નિષ્‍ફળ રહ્યા છે છતાં કોંગ્રેસ તેને જ લોન્‍ચ કરવાના આયોજનો કર્યે રાખે છે.

સંબિતજીએ કહ્યું હતું કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટી ચિત્રમાં જ નથી. ભાજપની લડાઇ કોંગ્રેસ સાથે જ છે. ગુજરાતમાં ભાજપનો વિજય નિતિ છે, મહેનત ઇતિહાસ રચવા કરવામાં આવે છે.

સંબિત પાત્રાએ આમ આદમી પાર્ટી પર કટાક્ષ કરતા જણાવ્‍યું હતું કે, પક્ષના પ્રવકતાનું કામ મેસેજ આપવાનું હોય છે, મસાજ કરાવવાનું નહિ.

ગુજરાત રાજ્‍ય અંગે અહોભાવ વ્‍યકત કરતા સંબિત પાત્રાએ કહ્યું હતું કે, ગુજરાતે રાષ્‍ટ્રને વીરલ નેતાગીરી આપી છે, જેમણે ઇતિહાસ રચ્‍યો છે. મહાત્‍મા ગાંધીજીએ આઝાદી અપાવી, સરદાર વલ્લભભાઇ પટેલે રાષ્‍ટ્રનું એકીકરણ કર્યું અને નરેન્‍દ્રભાઇ મોદી રાષ્‍ટ્રનો વિકાસ કરી રહ્યા છે.

પાત્રાજી કહે છે કે, સરકારના કાર્યો અને પક્ષની નીતિ અંગે લોકોને સતત માહિતગાર કરવાનું કાર્ય અમારું પ્રવકતાઓનું હોય છે. નરેન્‍દ્રભાઇ મોદીની સરકાર ત્‍વરિત ગતિથી નિરંતર કાર્યો કરી રહી છે. અમને પ્રવકતાઓને અફસોસ છે કે, તમામ કાર્યો અમે ગણાવી શકતા નથી.(૨૧.૩૧)

કિરીટભાઇ ગણાત્રા મોદીજીના હમસફર

વડાપ્રધાન નરેન્‍દ્રભાઇનો ‘અકિલા' સાથે દાયકા જૂનો સંબંધ : સંબિત પાત્રા

રાજકોટ : ભાજપના રાષ્‍ટ્રીય પ્રવકતા ‘અકિલા'ની મુલાકાતે આવ્‍યા ત્‍યારે ‘અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાએ તેમનું ફૂલહારથી સ્‍વાગત કર્યું હતું. સ્‍વાગતના પ્રત્‍યુત્તરમાં સંબિતજીએ જણાવ્‍યું હતું કે, કિરીટભાઇ ગણાત્રા વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીજીના હમસફર છે, તેમના હસ્‍તે સન્‍માન પામવું મારા સદ્‌નસીબ ગણાય. વડાપ્રધાન મોદીજીના ‘અકિલા' સાથેના દાયકાઓ જૂના સંબંધોનો ઉલ્લેખ પાત્રાજીએ કર્યો હતો.

સંબિત પાત્રાનું વતન ઓરિસ્‍સા છે. તેઓ વ્‍યવસાયે ખૂબ જ નામાંકિત સર્જન છે. રાષ્‍ટ્રભકિતના રંગે રંગાયેલા છે અને રાષ્‍ટ્રીય મુદ્દાઓ પર ગહન અભ્‍યાસ ધરાવે છે.

(3:46 pm IST)