રાજકોટ
News of Thursday, 24th November 2022

‘ભગવાન બચાવે' : લોન અને હપ્‍તાના ચકકરમાં ફસાતા લોકોને રૂકજાવનો સંદેશો આપતી મલ્‍ટીસ્‍ટાર કોમેડી ગુજરાતી ફિલ્‍મ

રાજકોટની મંજરીનું પાત્ર ભજવનાર જીનલ બેલાણી ખુદ અભિનેત્રી હોવા સાથે લેખક, દિગ્‍દર્શક અને નિર્માતા પણ છે : રીકવરી એજન્‍ટ જતીન દેસાઇની ભુમિકા ભૌમિક સંપતે નિભાવી છે : સોનુ નિગમના સ્‍વરમાં એક ગીત છે અને દિવ્‍યાકુમારના સ્‍વરમાં ગવાયેલ ટાઇટલ સોંગમાં ગુજરાતી કહેવતોને વણી લેવાનો નવતર પ્રયોગ : બીજી ડીસેમ્‍બરે ગુજરાત અને મુંબઇમાં રીલીઝ

રાજકોટ તા. ૨૪ : લોન અને હપ્‍તાના ચકકરમાં અનેક જીંદગીઓ હોમાય રહી છે, ત્‍યારે આવા આંધળુકીયા સાહસ કરનારાઓને રૂકજાવનો સંદેશો આપવા ‘વાલ્‍મીકી પિકચર્સ' દ્વારા મલ્‍ટી સ્‍ટાર કોમેડી ફિલ્‍મ ‘ભગવાન બચાવે'નું નિર્માણ કરવામાં આવ્‍યુ છે.

‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા ફિલ્‍મના મુખ્‍ય અદાકાર ભૌમિક સંપત અને જીનલ બેલાણીએ જણાવ્‍યુ હતુ કે ખાસ કરીને યુવા વર્ગ આજકાલ ક્રેડીટકાર્ડ, લોન, હપ્‍તા સીસ્‍ટમના રવાડે ચડી જાય છે અને પછી ફસાય જાય છે. છેલ્લે ઘણી વખત આત્‍મ હત્‍યા કરવા સુધી મજબુર થવુ પડે તેવા સંજોગો પણ સર્જાતા હોય છે. ત્‍યારે આવા લોકોને ખોટો ખર્ચ ન કરો અને કરકસરથી એટલે કે જેટલી સગવડ છે તેમાં જ આનંદથી રહોનો સંદેશ આ ફિલ્‍મ ‘ભગવાન બચાવે' ના માધ્‍યમથી રજુ થયો છે.

ઉલ્લેખનીય છે કે ફિલ્‍મમાં રાજકોટની મંજરી અંતાણીનું પાત્ર ભજવનાર જીનલ બેલાણી પોતે જ રાઇટર, પ્રોડયુસર, ડીરેકટર અને એકટર એમ એક સાથે ચાર ચાર ભુમિકામાં છે. આ પહેલા ‘વીકીડાનો વરઘોડો', ‘પોલંપોલ', ‘બસ ચા સુધી' જેવી ફિલ્‍મોમાં કામ કરી ચુકયા છે.

જયારે આ ફિલ્‍મમાં રીકવરી એજન્‍ટ  જતીન દેસાઇની ભુમિકા ભૌમિક સંપતે નિભાવી છે. તેઓએ જણાવ્‍યુ હતુ કે આ પહેલા મે સીરીઝ ‘ તીખી મીઠી લાઇફ' ‘પુરી પાણી' એમ બે ગુજરાતી વેબસીરીઝ કરી છે તેમજ હિન્‍દી ફિલ્‍મ ‘સાડા અડ્ડા',  ‘સમ્રાટ એન્‍ડ કંપની' માં પણ કામ કરી ચુકયો છુ. પણ અહીં ‘ભગવાન બચાવે' ફિલ્‍મની વાત કરીએ તો હળવી રમુજો સાથે ગંભીર સંદેશો આપવાનો આ ફિલ્‍મમાં ખુબ સરસ પ્રયાસ થયો છે.

આપણી ગુજરાતી કહેવાતોને વણી લઇને દિવ્‍યા કુમારના સ્‍વરમાં કંડારવામાં આવેલ ટાઇટલ સોંગ પણ જમાવટ કરી રહ્યુ છે. તો અન્‍ય બે ગીત સોનુ નિગમના સ્‍વરમાં કંડારવામાં આવ્‍યા છે. મોટાભાગનું શુટીંગ અમદાવાદમાં થયુ છે.

આગામી ર ડીસેમ્‍બરના ગુજરાત અને મુંબઇમાં રીલીઝ થવા જઇ રહેલ આ ફિલ્‍મમાં જીનલ બેલાણી અને ભૌમિક સંપત ઉપરાંત મુની ઝા મુખ્‍ય ભુમિકામાં છે તો સાથે ભાવિની જાની, પ્રેમ ગઢવી, રોનક કામદાર, હેમાંગ દવે, મેહુલ બુચ, અનુરાગ પ્રપન્‍ના, ઓજસ રાવલ, મોરલી પટેલ, ચાર્મી પંચાલ, વૈશાખ રતનબેન, વિશાલ ઠકકરે પણ અભિનયના ઓજસ પાથર્યા છે.

તપન વ્‍યાસ દ્વારા સીનેમેટોગ્રાફી અને રાકેશ સોની દ્વારા સંપાદન થયુ છે. સંગીત ભાવેશ શાહે પીરસ્‍યુ છે. નીતિન કેનીની આગેવાની હેઠળ મુંબઇ મુવી સ્‍ટુડીયોએ વાલ્‍મીકી પીકચર્સ સાથે આ ફિલ્‍મનું નિર્માણ કરેલ છે. સોનુ નિગમ, નકાશ અઝીઝ, દિવ્‍યાકુમાર જેવા ટોચના બોલીવુડ ગાયકોએ પ્‍લેબેક કર્યુ છે. ફિલ્‍મનું વિતરણ યુએફઓ સીને મીડિયા નેટવર્ક દ્વારા કરવામાં આવનાર છે.

તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે ફિલ્‍મ ‘ભગવાન બચાવે'ની વિગતો વર્ણવતા જીનલ બેલાણી અને ભૌમિક સંપત નજરે પડે છે.

(4:06 pm IST)