રાજકોટ
News of Thursday, 24th November 2022

આઇસરના ઠાઠામાં સામાન ઉપર બેઠેલા અટીકાના જયરાજસિંહ જાડેજાનું માથું ઝાડમાં અથડાતાં મોત

ખોખડદળ પાસે વિચીત્ર અકસ્‍માતઃ વડાળી નવુ મકાન બનાવ્‍યું હોઇ સામાન ફેરવતી વખતે બનાવ : ૨૪ વર્ષિય યુવાનના મોતથી દસ માસની દિકરીએ પિતાનું છત્ર ગુમાવતાં પરિવારમાં ગમગીનીઃ વાહન તેના મોટા ભાઇ ચલાવતાં હતાં: પોલીસે પિતા લખધીરસિંહની ફરિયાદ પરથી ગુનો નોંધવાની કાર્યવાહી કરી

રાજકોટ તા. ૨૪: કોઠારીયાથી ખોખડદળના રસ્‍તે સીએનજી પંપ પાસે આઇશરના ઠાઠામાં ભરેલા સામાન પર બેઠેલા ધારેશ્વર સોસાયટીના દરબાર યુવાનનું માથુ રસ્‍તા પરના ઝાડની ડાળીમાં અથડાતાં તે રોડ પર ફેંકાઇ જતાં ગંભીર ઇજા થવાથી મોત નિપજ્‍યું છે. કરૂણતા એ છે કે આઇસર આ યુવાનના મોટા ભાઇ ચલાવી રહ્યા હતાં અને ઘરનો સામાન મુકવા વડાળી ગામે જઇ રહ્યા હતા.

 

આ બનાવમાં આજીડેમ પોલીસે મૃત્‍યુ પામનાર જયરાજસિંહ જાડેજા (ઉ.વ.૨૪)ના          ઢેબર રોડ અટીકા સાઉથની ધારેશ્વર સોસાયટીમાં રહેતાં અને પંચરની દૂકાન ચલાવતાં લખધીરસિંહ સાહેબજીસિંહ જાડેજા (ઉ.વ.૫૫)ની ફરિયાદને આધારે આઇશર ટ્રક નં. જીજે૦૩ડબલ્‍યુ-૭૪૧૯ના ચાલક તેના જ મોટા પુત્ર યુવરાજસિંહ વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે.

લખધીરસિંહ જાડેજાએ જણાવ્‍યું હતું કે બુધવારે સાંજે હું ઘરે હતો ત્‍યારે ત્‍યારે અમારી બાજુમાં આવેલા આશીર્વાદ ટ્રાન્‍સપોર્ટવાળા બહાદુરભા માંજરીયાનો આઇસર ટ્રક મારો પુત્ર યુવરાજસિંહ (ઉ.વ.૩૨) લાવ્‍યો હતો. તેમાં અમારો ઘરનો સામાન ભરી તે વડાળી ગામે મુકવા ગયા હતાં. મારા દિકરા યુવરાજસિંહ સાથે ભાર્ગવ સોલંકી આગળની કેબીનમાં બેઠો હતો. જ્‍યારે પાછળના ભાગે સામાન ઉપર નાનો દિકરો જયરાજસિંહ (ઉ.વ.૨૪) બેઠો હતો. તેની સાથે પડોશી અરશીલ કુરેશી પણ પાછળ બેઠો હતો.

સાંજે સાડા સાતેક વાગ્‍યે મોટા દિકરા યુવરાજસિંહે મને ફોન કરી જાણ કરી હતી કે કોઠારીયાથી ખોખડદળ ગામ તરફ જતાં સીઅનેજી પંપ પાસે મેં ગાડી થોડી સ્‍પીડથી ચલાવતાં નાનો ભાઇ જયરાજસિંહ સામાન  પર બેઠો હોઇ તેના માથામાં ઝાડની ડાળી ભટકાતાં તે રોડ પર ફંગોળાઇ જતાં માથામાં અને શરીરે ગંભીર ઇજાઓ થઇ છે. તે બેભાન થઇ ગયો છે. આ સાંભળી હું તથા અમરદિપસિંહ બલેનો કાર લઇને પહોંચ્‍યા  હતાં અને પુત્ર જયરાજસિંહને સિનર્જી હોસ્‍પિટલમાં અને ત્‍યાંથી સિવિલમાં ખસેડયા હતાં. પરંતુ  ત્‍યાં તેનું મૃત્‍યુ નિપજ્‍યું હતું.  આજીડેમ પોલીસ મથકના પીએસઆઇ એ. એમ. મહેતાએ વિશેષ કાર્યવાહી કરી હતી.

મૃત્‍યુ પામનાર યુવરાજસિંહ બે ભાઇ અને એક બહેનમાં સોૈથી નાના હતાં અને પોણા બે વર્ષ પહેલા જ લગ્ન થયા હતાં. તે બેંક કલેક્‍શનનું કામ કરતાં હતાં. સંતાનમાં દસ મહિનાની દિકરી છે. જેણે પિતાની છત્રછાંયા ગુમાવતાં અને પરિવારે જુવાનજોધ દિકરો ગુમાવતાં કલ્‍પાંત સર્જાયો છે.

(4:17 pm IST)