રાજકોટ
News of Thursday, 24th November 2022

લાયસન્‍સ રાજ, દરોડા રાજ અને હપ્‍તા રાજથી વેપારીઓને ધંધો કરવો મુશ્‍કેલ બન્‍યોઃ પ્રદીપ ત્રિવેદી

વેપારીઓના પડતર પ્રશ્નો ઉકેલવામાં ભાજપ સરકારનું ઉદાસીન વલણઃ ભારે રોષ

રાજકોટ : ગુજરાતમાં વેપારીઓના પ્રશ્નો ઉકેલવામાં ભાજપ સરકાર હંમેશા ઉદાસીન રહી છે તેથી વેપારી વર્ગમાં સરકાર પ્રત્‍યે ભારોભાર અસંતોષ વ્‍યાપેલો જોવા મળે છે તેમ એક નિવેદનમાં રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રદીપભાઈ ત્રિવેદી એ જણાવ્‍યું છે. દર વખતે જુદા જુદા વચન આપીને ફરી જતા ભાજપના નેતાઓને આ વખતે ચૂંટણીમાં સબક શીખવવા માટે આ વેપારી વર્ગે મનમાં ગાંઠ વાળી લીધી હોવાનું યાદીમાં જણાવાયું છે.

તેમણે જણાવ્‍યું છે કે, ગુજરાતમાં છેલ્લા કેટલા સમયથી જે બેફામ શાસન બન્‍યું છે એના કારણે વેપારીઓને ત્રણ પ્રકારની મુખ્‍ય મુશ્‍કેલીઓનો સામનો કરવો પડે  છે. પહેલી મુશ્‍કેલી છે લાયસન્‍સ રાજ. વેપાર કરવા માટે આ લાઇસન્‍સ અને પેલું લાયસન્‍સ એમ કરીને વેપારીને અહીંથી ત્‍યાં દોડાવવામાં આવે છે અને દુનિયાભરના લાયસન્‍સોના કારણે વેપારીઓને ખૂબ જ મુશ્‍કેલીનો સામનો કરવો પડતો હોય છે.

બીજી મુશ્‍કેલી છે દરોડા  રાજ. જો કોઈ માણસ અવાજ ઉઠાવે, -‘ પૂછે, ભાજપની રેલીઓમાં ન જાય અને ભાજપને ફંડ ન આપે તો એના ત્‍યાં રેડ પડતી હોય છે. ગુજરાતમાં પણ રેડ રાજને ખતમ  કરવું જોઈએ અને આ નિર્ધાર કોંગ્રેસનો છે.

વેપારીઓની ત્રીજી મુશ્‍કેલી છે હપ્તા રાજ. આજે રોડ પર લારી પર વેપાર કરનારને ત્‍યાં પણ સાંજે એક ગાડી આવી જાય અને ૨૦૦ ૫૦૦ રૂપિયા લઈ જાય છે. આવી રીતે આખા ગુજરાતમાં ઠેર ઠેર નાના મોટા વ્‍યાપારીઓ પાસેથી હપ્તો ઉઘરાવવામાં આવે છે અને વેપારીઓની મહેનતની કમાણીને છીનવી લેવામાં આવે છે આ બધા પાછળ કોણ છે? કોણ હપ્તા લઇ રહ્યું છે? આ હકીકત બધા જાણે છે અને રૂપિયા છેક ઉપર સુધી પહોચતા  હોવાનું પ્રદિપભાઈએ યાદીમાં જણાવ્‍યું છે.

વેપારીઓ જાણે કોઈ ચોર હોય એવું સરકારનું વલણ હોય છે અને વેપારીઓના હક ના પૈસા વેપારીઓને આપવામાં આવતા નથી. ગુજરાતના લોકો અને ગુજરાતના વેપારીઓ માટે આ ખૂબ જ ચિંતાજનક વિષય છે અને આપણે આમાંથી બહાર આવવું પડશે. આજે આખા ગુજરાતમાં પહેલાની જેમ જીઆઇડીસીની જેમ વેપાર ધંધો કરવા માટે જમીન મળતી નથી અને એના કારણે જ જ્‍યારે આપણે કોઈ ધંધો કરવો હોય તો સૌથી મોટું મૂડી રોકાણ જમીન અને મકાનમાં થતું હોય છે. અને આવા ઘણા મુદ્દાઓ છે જેના કારણે વેપારીઓ મુશ્‍કેલ પરિસ્‍થિતિમાંથી પસાર થાય છે અને આ બધી પરિસ્‍થિતિઓ પાછળનું મૂળ કારણ હાલની સરકારની પોલીસી પેરાલીસીસ અને ટેક્‍સ ટેરેરિઝમ છે. આજે કોઈ વેપારી પોતાનો સામાન લઈને કયાં જતો હોય તો તેને રસ્‍તા પર ઉભો રાખીને તેની પાસેથી ઉઘરાણી કરવામાં આવે છે તો આની પાછળ ભાજપ સરકારની નીતિ હોવાનું યાદીના અંતમાં જણાવાયું છે.

(4:41 pm IST)