રાજકોટ
News of Friday, 25th November 2022

દિકરાને બદલે દીકરીનો જન્‍મ થતા પુત્રવધુને ત્રાસ આપતા સાસરીયા વિરૂધ્‍ધ ઘરેલું હિંસાની ફરિયાદ

રાજકોટ,તા.૨૫: દિકરાને બદલે દિકરી જન્‍મતા શારીરીક માનસીક ત્રાસતાપ આપી શિવરાજગઢની પરણીતાને રાજકોટ તેના પિયરમાં પુત્રી સહીત કાઢી મુકતા તેણીએ ઘરેલું હિંસાની ફરીયાદ કરેલ છે.

સદરહું કેસમાં અરજદાર પીડીતસ્ત્રી પુજાબેન મહેશભાઇ રાઠોડનું પિયર રાજકોટનું રૈયાગામ છે. જેમણે સને ૨૦૧૭માં શિવરાજગઢ મુકામે રહેતા જયંતીલાલ ઉર્ફે જયેશ હમીરભાઇ સરવૈયા સાથે લગ્ન કરીને કોડભર્યુ લગ્નજીવન વિતાવવાના સપના સેવેલા. પરંતુ સાસરીયામાં તેના પતિ,સાસુ, જેઠ, જેઠાણી, નણંદ અને મામાજી સસરાના સહીત ત્રાસતાપ અને હેરાનગતિથી તેઓનું જીવન દુષ્‍કર બની ગયેલ હતું. છતાં પોતાના મા-બાપની આબરૂ અને એકદિવસ સૌ સારાવાના થશે તેવી ઉજળી આશાએ તેમણે બધો ત્રાસતાપ મુંગે મોઢે સહન કરેલ હતો. પરંતુ જ્‍યારે ૨૦૧૯માં તેમને સંતાનમાં દિકરી અવતરી ત્‍યારે તેના સાસરી પક્ષના લોકોએ તેને હડધુત અને અપમાનીત કરીને કહ્યું કે, ‘‘તારે ખોળે દિકરીએ જન્‍મ લીધો છે તો તું તેને ઉકરડામાં નાખી આવ.  આવું તિરસ્‍કૃત વર્તન અને અપમાન સહન કરવા છતાં ૨૦૨૦માં તેઓને પહેરેલ કપડે મા-દિકરીને સાસરામાંથી હાંકી કાઢેલ અને તેમના કપડા-લતા, દરદાગીના,સ્ત્રીધન અને અન્‍ય તમામ કરીયાવરની વસ્‍તુઓ સાસરા પક્ષના લોકોએ હડપ કરી લીધેલ હતી.

આથી મહિલાએ રાજકોટ કોર્ટમાં ડોમેસ્‍ટીક વાયોલન્‍સ એકટ હેઠળ તેમના પતિ, સાસુ, જેઠ જેઠાણી, નણંદ અને મામાજી સસરા વિરૂધ્‍ધ કેસ દાખલ કરાવેલ છે. સદરહું કેસમાં અરજદારો વતી એડવોકેટ શ્રી વિપુલ આર.સોંદરવા તથા સોનલ એમ. સોંદરવા રોકાયેલા છે.

(4:46 pm IST)