રાજકોટ
News of Friday, 26th February 2021

ઇશ્વર પાર્કમાં છોકરાઓને ઝઘડો ન કરવા સમજાવવા જતા પિતા - પુત્ર અને મિત્ર પર હુમલો

હિતેષભાઇ ભટ્ટ અને તેનો પુત્ર દેવ તથા મિત્ર આશીષભાઇ સારવાર હેઠળ : ચંદુ ગોહેલ, પત્ની રમાબેન મનોજ સહિત ચાર સામે ગુનો

રાજકોટ તા. ૨૬ : શહેરના આજી ડેમ પાસે રોલેક્ષ કારખાના રોડ પર ઇશ્વર પાર્કમાં ઝઘડો કરતા છોકરાઓને સમજાવવા ગયેલા પિતા - પુત્ર અને મિત્ર પર ચાર શખ્સોએ છરી, ધોકા વડે હુમલો કરતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ ઇશ્વર પાર્ક શેરી નં. ૨માં રહેતા હિતેષભાઇ સુરેન્દ્રભાઇ ભટ્ટ (ઉ.૪૪)એ આજીડેમ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં પાડોશી ચંદુ ગોહેલ, મનોજ ગોહેલ, રમાબેન ગોહેલ અને એક મહિલાના નામ આપ્યા છે. હિતેષભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે, પોતે કોઠારીયા રોડ પર આજીડેમ પોલીસ સ્ટેશનની સામે શ્રી રાંદલ મેડીકલ સ્ટોર્સ નામની દુકાન ધરાવે છે. પોતાને સંતાનમાં બે પુત્ર છે. ગઇકાલે પોતાનો મોટો પુત્ર દેવ તથા મિત્ર આશીષભાઇ ઉર્ફે અશ્વિનભાઇ પ્રવિણભાઇ ત્રણેય પોતાની શેરીમાં રહેતા ચંદુભાઇ ગોહેલના ઘર પાસે હતા તેમના દીકરાનો દીકરો કરણ અને પોતાનો નાનો દીકરો કાર્તિક બંને રમતા રમતા ઝઘડો કરતા હોઇ જે બાબતે પોતે તેને સમજાવતા હતા તે દરમિયાન ચંદુ ગોહેલ તેની પત્ની રમાબેન તેનો દીકરો મનોજ અને અન્ય ત્રણ લોકો હાજર હતા. આ લોકોને સમજાવતા હતા તે દરમિયાન ચંદુ તથા મનોજે ઉશ્કેરાઇ જઇ પોતાની સાથે ઝપાઝપી કરવા લાગેલ તે દરમિયાન આશીષ તથા પોતાનો મોટો દીકરો દેવ બંને પોતાને છોડાવવા વચ્ચે પડતા રમાબેન તથા બીજી એક મહિલા બંને ઝપાઝપી કરી ઢીકાપાટુનો માર મારેલ તથા ચંદુએ પોતાના માથામાં લાકડાનો ધોકો મારી દેતા પોતે નીચે પડી ગયા હતા. અને મનોજે મીત્ર આશીષભાઇને માથામાં તથા હાથે છરી મારી દેતા તે પડી જતા તેને માથામાં ઇજા થઇ હતી. દેકારો બોલતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા અને ત્રણેયને ૧૦૮ મારફતે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બનાવ અંગે ભકિતનગર પોલીસે હિતેષભાઇ ભટ્ટની ફરિયાદ પરથી ચારેય શખ્સો વિરૂધ્ધ ગુનો દાખો કરી એએસઆઇ વાય.ડી.ભગતે તપાસ હાથ ધરી છે.

(3:15 pm IST)