રાજકોટ
News of Thursday, 26th May 2022

ગાંજા સાથે ફ્રુટનો ધંધાર્થી અબ્‍દુલકાદીર પકડાયોઃ માસીયાઇ ભાઇ બીલાલની શોધ

એસઓજી પીઆઇ જે. ડી. ઝાલા, પીએઅસાઇ ડી. બી. ખેર અને ટીમે બાલાજી હોલ પાસેથી દબોચ્‍યોઃ બીલાલ અગાઉના ગાંજો અને દારૂના ૪ કેસમાં સામેલ

રાજકોટ તા. ૨૬: શહેર એસઓજીની ટીમે મવડી ૧૫૦ રીંગ રોડ પર બાલાજી હોલ પાસે આવેલા અર્જુન પાર્ક આવાસ યોજના ક્‍વાર્ટર નજીક રોડ પરથી અબ્‍દુલકાદીર ઉર્ફ નાનુ જમાલભાઇ મેતર (ઘાંચી) (ઉ.૨૩-રહે. અર્જુન પાર્ક આવાસ ક્‍વાર્ટર બ્‍લોક નં. ૧/૧૮૧૦) નામના ફ્રુટના ધંધાર્થીને રૂા. ૧૪ હજારના ૧ કિલો ૪૦૦ ગ્રામ ગાંજા સાથે પકડી લીધો છે. તેની પાસેથી રૂા. ૪૨૨૦૦ની રોકડ પણ કબ્‍જે કરવામાં આવી છે.
ફ્રુટનો ધંધો કરતો અબ્‍દુલકાદીર કાળા રંગના પ્‍લાસ્‍ટીકના ઝબલામાં ગાંજો લઇને નીકળ્‍યો છે તેવી માહિતી મળતાં શંકાસ્‍પદ રીતે અટકાવી તલાસી લેતાં ગાંજો મળતાં તાલુકા પોલીસમાં એનડીપીએસ એક્‍ટ હેઠળ ગુનો દાખલ કરાવાયો હતો. પુછતાછમાં અબ્‍દુલકાદીરે કબુલ્‍યું હતું કે તેના માસીના દિકરા બિલાલ સલિમભાઇ મેતર (રહે. અર્જુન પાર્ક આવાસ ક્‍વાર્ટર, એફ-૧૮૮૪)એ પોતાને આ ગાંજો આપ્‍યો હતો.  જેમાંથી ૪૨ હજારનો ગાંજો તેણે વેંચી નાંખ્‍યો હતો. જે રોકડ કબ્‍જે થઇ છે તે ગાંજો વેંચીને મેળવી હોવાનું તેમજ પાંચ છ મહિનાથી ફ્રુટનો ધંધો બરાબર ચાલતો ન હોઇ ગાંજો વેંચવાના રવાડે ચડયાનું રટણ તેણે કર્યુ હતું.
ગાંજો આપનાર બિલાલ મેતર હાથમાં આવ્‍યો નહોતો. તેના વિરૂધ્‍ધ અગાઉ પણ એનડીપીએસ અને દારૂના ચાર ગુના તાલુકા, આજીડેમ, બી-ડિવીઝન પોલીસમાં નોંધાઇ ચુક્‍યા છે. પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયાની સુચના મુજબ ટીમ નારકોટીક્‍સ પ્રવૃતિ અટકાવવા પેટ્રોલીંગમાં હતી ત્‍યારે પીઆઇ જે. ડી. ઝાલા, પીએસઆઇ વિરમભાઇ ધગલ, હેડકોન્‍સ. ઇન્‍દ્રસિંહ જાડેજા, મોહિતસિંહ જાડેજા, કૃષ્‍ણદેવસિંહ જાડેજા, જીજ્ઞેશભાઇ અમરેલીયા, ફિરોઝભાઇ રાઠોડ, દિગ્‍વીજયસિંહ ગોહિલ, કોન્‍સ. હાર્દિકસિંહ પરમાર, રણછોડભાઇ આલ અને દિવ્‍યરાજસિંહ રાઠોડે આ કામગીરી કરી હતી. એફએસએલ અધિકારી વાય. એચ. દવે પણ કામગીરીમાં જોડાયા હતાં. વધુ તપાસ માટે અબ્‍દુલકાદીરને તાલુકા પોલીસને સોંપાયો છે.

 

(10:44 am IST)