રાજકોટ
News of Thursday, 26th May 2022

ચુનારાવાડમાં મકાનના ડખ્‍ખામાં કોળી પરિવારજનો વચ્‍ચે બઘડાટીઃ પાંચને ઇજા

નવાગામના શિનને માંડાડુંગર પાસે બનેવી મહેશે માર માર્યો

રાજકોટ તા. ૨૬: ચુનારાવાડ-૮માં રહેતાં કોળી પરિવારો વચ્‍ચે મકાનના મનદુઃખમાં ડખ્‍ખો થતાં છરી-ધોકાથી મારામારી થતાં પાંચને ઇજા થઇ હતી.
ચુનરાવાડમાં રહેતાં અને શેડ ફીટીંગનું કામ કરતાં ભીખુભાઇ મેપાભાઇ સોલંકી (ઉ.૪૦) અને તેના પત્‍નિ લાભુબેન (ઉ.૩૮) રાતે ઘરે હતાં ત્‍યારે મકાનના નીચેના માળે જ રહેતાં ભાણેજ કુલદીપે છરીથી હુમલો કરી ઇજા કરતાં સિવિલમાં દાખલ થયા હતાં. ભીખુભાઇને બહેનો અને માતા સાથે મકાન બાબતે મનદુઃખ ચાલતું હોઇ ભાણેજે આ હુમલો કર્યાનું જણાવાયું હતું.
સામા પક્ષે લાભુબેનના દેરાણી સુનિતાબેન રાજુભાઇ સોલંકી, રંજનબેન રફાજી ઠાકોર (ઉ.૫૦) અને સાસુ પ્રેમીબેન મેપાભાઇ સોલંકી (ઉ.૯૦) પણ પોતાના પર આકાશે છરી, ધોકાથી હુમલો કર્યાની રાવ સાથે સિવિલમાં દાખલ થતાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂએ થોરાળા પોલીસને જાણ કરી હતી.
બીજા બનાવમાં નવાગામ આવાસમાં રહેતાં કિશન ભૂપતભાઇ જાલસણીયા (ઉ.૨૨)ને રાતે માંડા ડુંગર પાસે માધવ વાટીકામાં બહેન કાજલના ઘરે હતો ત્‍યારે બનેવી મહેશે માર મારતાં સિવિલમાં દાખલ થયો હતો. બહેન કાજલે ભાઇને ફોન કરી પતિ મહેશ ઝઘડો કરતો હોવાનું કહેતાં કિશન બનેવીને સમજાવવા જતાં હુમલો કરાયો હતો. સાથે હરેશ પણ સામેલ હોવાનો આક્ષેપ કરાયો હતો. બનાવ અંગે આજીડેમ પોલીસને જાણ કરાઇ હતી.
રેતી ભરી લે પછી અગાસી ધોવાનું કહેતાં જસુબેન પર ધોકાવાળી
ભાવનગર રોડ પર રાજમોતી મીલ પાછળ મફતીયાપરામાં રહેતાં જસુબેન વિજયભાઇ શાપરા (ઉ.૫૩) નામના કોળી મહિલાને સવારે આઠેક વાગ્‍યે ઘર નજીક અરવિંદ ગઢવીએ ઇંટ, ધોકાથી હુમલો કરી ઇજા પહોંચાડતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા છે. જસુબેનના ઘર પાસે તેમની રેતી પડી હોઇ તે ભરતાં હોઇ ત્‍યારે પડોશી અગાસી ધોતાં હોઇ તેમને જસુબેને પોતે રેતી ભરી લે પછી અગાસી ધોવાનું કહેતાં બોલાચાલી કરી હુમલો કરાયાનું પરિવારજને જણાવ્‍યું હતું. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે થોરાળા પોલીસને જાણ કરી હતી.
થોરાળામાં મિલન કબીરા પર છરી, લાકડીથી હુમલો
થોરાળા રામાપીરના મંદિર પાસે શેરી નં. ૫માં રહેતાં મિલન કિશનભાઇ કબીરા (ઉ.૨૩) પર રાતે શામજી, દિલીપ, સંજય અને દિલીપે છરી-લાકડીથી હુમલો કરી ઇજા કરતાં સિવિલમાં ખસેડાતાં થોરાળા પોલીસને જાણ કરાઇ હતી.
અમરજીતનગરમાં ભુરીબેને પડોશી અનિલભાઇને ફટકાર્યા
એરપોર્ટ રોડ અમરજીતનગર-૩માં રહેતાં અનિલભાઇ વિનુભાઇ હાલોરી (ઉ.૪૭)ને પડોશી ભુરીબેન અને અજાણ્‍યાએ ધોકાથી માર મારતાં સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થતાં ગાંધીગ્રામ પોલીસને જાણ કરવામાં આવી હતી.
દેવડામાં સોનલબેનને સસરાએ ઇંટ ફટકારી
લોધીકાના દેવડામાં રહેતી સોનલબેન રાજુ વાઘેલા (ઉ.૨૫)ને રાતે તેના સસરા ગાંડુભાઇએ કોઇ કારણે ઝઘડો કરી ઇંટ, લાકડાથી માર મારતાં રાજકોટ સિવિલમાં દાખલ થતાં ચોકીના હેડકોન્‍સ. રામશીભાઇ વરૂએ લોધીકા પોલીસને જાણ કરી હતી.
મેટોડા જઆઇડીસીમાં આશાબેન ડીડીટી પી ગઇ
મેટોડા જીઆઇડીસી સનરાઇઝ પાર્કમાં રહેતી આશાબેન દિનેશ દાણીધારીયા (ઉ.૪૬)એ રાતે ડીડીટી પી લેતાં સારવાર માટે રાજકોટ ખસેડાતાં લોધીકા પોલીસને જાણ કરવામાં આવી હતી.

 

(10:47 am IST)