રાજકોટ
News of Thursday, 26th May 2022

શકમંદ હત્‍યારાના સીસીટીવી ફૂટેજ જાહેર કરાયાઃ માહિતી આપનારને પોલીસ યોગ્‍ય ઇનામ આપશે

સોની વૃધ્‍ધ વિષ્‍ણુભાઇ ઘુંચલાની હત્‍યાનો ભેદ ઉકેલવા માલવીયાનગર પોલીસ અને ક્રાઇમ બ્રાંચની ટીમોની મહેનત યથાવતઃ કેટલાકની પુછતાછ : વિદ્યાકુંજ સોસાયટીના બંગલાના રખેવાળની હત્‍યાનો ભેદ અકબંધ: વિષ્‍ણુભાઇનું મોત ડિસમીસના ઘાથી નહિ ગળાટૂંપાથી થયાનો રિપોર્ટ

રાજકોટ તા. ૨૩: શહેરના અમીન માર્ગ પર વિદ્યાકુંજ સોસાયટીમાં આવેલા નરેશભાઇ પટેલના વેવાઇ પ્રવિણભાઇ પટેલના ઇશાવસ્‍યમ નામના બંગલામાં રખેવાળી કરતાં સોની વૃધ્‍ધ વિષ્‍ણુભાઇ ચકુભાઇ ઘુચલા (સોની) (ઉ.વ.૬૦)ની હત્‍યાનો ભેદ ઉકેલવા માલવીયાનગર પોલીસ અને ક્રાઇમ બ્રાંચની ટીમો કામે લાગી છે. પોલીસને હત્‍યારાના સીસીટીવી ફૂટેજ મળી આવ્‍યા છે. પોલીસે આ ફૂટેજ જાહેર કર્યા છે અને તસ્‍વીરમાં દેખાય છે એ શખ્‍સને કોઇ ઓળખતું હોય કે તે ક્‍યાંય જોવા મળે તો પોલીસને જાણ કરવા જણાવાયું છે. માહિતી આપનારનું નામ પોલીસ ગુપ્‍ત રાખશે અને તેમને યોગ્‍ય ઇનામ આપવામાં આવશે.
હત્‍યાનો ભોગ બનેલા વિષ્‍ણુભાઇ ઘુચલા રૈયા રોડ, અક્ષર પાર્ક, બંધ શેરીમાં ઓમ નામના મકાનમાં રહેતાં હતાં. તેઓ ૩૮ વર્ષથી પટેલ ઇન્‍ફ્રાસ્‍ટક્રકચરવાળા પ્રવિણભાઇ પટેલની કોટેચા ચોકની ઓફિસમાં નોકરી કરતાં હતાં. હાલમાં પ્રવિણભાઇ તેમના પરિવાર સાથે વડોદરા રહેતાં હોઇ રાજકોટના તેમના બંગલાની રખેવાળી વિષ્‍ણુભાઇ ઘુંચલા કરતાં હતાં. પરમ દિવસે સાંજે આઠ પછી એક શખ્‍સ પાછળના ભાગેથી આ બંગલામાં ઘુસી વિષ્‍ણુભાઇની હત્‍યા કરી ભાગી ગયો હતો. અગાઉ નોકરીમાંથી છુટા કરાયેલા નેપાળી શખ્‍સ તરફ શંકા ઉપજતાં તેના સહિતનાને ક્રાઇમ બ્રાંચે ઉઠાવી લઇ પુછતાછ કરી હતી. પરંતુ ભેદ ઉકેલાય તેવી કડી મળી નહોતી.
પોલીસને શકમંદ હત્‍યારાના સીસીટીવી ફૂટેજ મળ્‍યા છે. તસ્‍વીરમાં દેખાય છે એ શખ્‍સ વિશે કોઇની પાસે પણ માહિતી હોય તો એસીપી જે. એસ. ગેડમ (મો.૯૪૦૯૫ ૩૮૬૩૮), પીઆઇ કે. એન. ભુકણ (મો.૯૦૩૩૩ ૯૯૪૫૬), પીએસઆઇ એમ. એસ. મહેશ્વરી (મો. ૮૮૪૯૮ ૭૭૮૩૧) અથવા હેડકોન્‍સ. મસરીભાઇ ભેટારીયા (મો.૯૮૨૫૩ ૩૩૪૨૦) ઉપર જાણ કરવા જણાવાયું છે. ક્રાઇમ બ્રાંચની ટીમો પણ આ ગુનો ઉકેલવા મથામણ કરી રહી છે.

 

(12:25 pm IST)