રાજકોટ
News of Thursday, 26th May 2022

પૂર્વ મહિલા કોર્પોરેટરના પુત્ર સંકેત રાવલની હત્‍યાનો પ્રયાસ કરનારા ત્રણની ધરપકડ

ભકિતનગર પોલીસે જયદીપ ઉર્ફે અંકીત અને રાઘવને દબોચ્‍યા : પાડોશી જયએ સંકેતના ત્રણ ટુવ્‍હીલર રોડ પર મુકી દઇ પોતાની કાર પાર્ક કરી દેતા તેને સમજાવવા જતા ડખ્‍ખો થયો‘ હતો.

રાજકોટ તા.૨૬: શહેરના કોઠારીયા રોડ પર હુડકો પોલીસ ચોકીની બાજુમાં ખોડીયાર હોટલ પાછળ જૂના હુડકો કવાર્ટરમાં પૂર્વ મહિલા કોર્પોરેટરના પુત્રની હત્‍યાનો પ્રયાસ કરનારા ત્રણ શખ્‍સોને ભકિતનગર પોલીસે પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ કોઠારીયા રોડ પર જુના હુડકો કવાર્ટર નં.૯૭માં રહેતા અને પિતા સાથે ઇ-સ્‍ટેમ્‍પીંગનું બહુમાળી ભવન ખાતે કામ કરતા સંકેત રાજેશભાઇ રાવલ (ઉ.વ.૩૨)એ પરમ દિવસે પોતાનું બાઇક, માતાનું પેગો ટુવ્‍હીલર અને બહેનનું પ્‍લેઝર એમ ત્રણ વાહનો પોતાના ઘર બહાર છાયા નીચે પાર્ક કર્યા હતા. એ પછી પાડોશી જય કુબાવત આવ્‍યો હતો. અને પોતાને કાર પાર્ક કરવી છે તમારા વાહનની ચાવી આપો તો તેમ કહી ચાવી લઇ ગયો હતો. બાદ તેણે ત્રણેય વાહનો ટ્રાફિકને અડચણરૂપ થાય એ રીતે દૂર રોડ પર રાખી દીધા હતા અને પોતાની કાર છાયામાં પાર્ક કરી દીધી હતી. આથી હું જયને ઘરે તેને આ રીતે વાહનો શું કામ મૂકી દીધા ? તેમ કહેવા જતા જય ઘરે હાજર નહત હોઇ તેની માતા અને પત્‍નીને વાત કરતા માતાએ કહેલ કે વાહનો એમ જ રહેશે. તેવું કહી ઝધડો કર્યો હતો. એ પછી હું મારી ઘરે આવી ગયો હતો. બાદ જય એ પોતાને ફોન કરી કોઠારીયા રોડ ડીલક્‍સ પાન પાસે બોલાવતા પોતે ત્‍યાં જતા તેણે  તુ કેમ મારી પત્‍નીની છુડતી કરે છે ? તેવો ખોટો આરોપ મુકી ઝઘડો કર્યો હતો અને છરીથી હુમલો કરી ડાબા કાન પાછળ છાતીના ભાગે જીવલેણ હુમલો કર્યો હતો અને પેટમાં છરકા જેવી ઇજા પહોંચાડી હતી. જયની સાથે બીજા ત્રણ અજાણ્‍યા શખ્‍સો હતા. તેણે પણ પ્‍લાસ્‍ટીકના પાઇપથી પોતાને હાથ-પગ પર માર માર્યો હતો. એક શખ્‍સ પાસે તલવાર પણ હતી. આ બનાવ અગે ભકિતનગર  પોલીસે સંકેત રાવલની ફરિયાદ પરથી જય કુબાવત સહિત ચાર શખ્‍સો સામે હત્‍યાની કોશિષ  સહીત કલમો હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. દરમ્‍યાન હેડ કોન્‍સ. દિલીપભાઇ બોરીચા, કોન્‍સ. મનીષભાઇ ચાવડા, વિશાલભાઇ દવે, તથા પુષ્‍પરાજસિંહ  ગોહિલને બાતમી મળતા કોઠારિયા મેઇન રોડ હુડકો કવાર્ટર નં.૯૬ માં રહેતો જયદીપ ઉર્ફે જય પરેશભાઇ કુબાવત (ઉ.વ.૨૪) માધવ હોલ પાછળ  સૂર્યોદય સોસાયટી શેરી નં.૫ ના અંકીત અરવીંદભાઇ મૈયડ (ઉ.વ.૨૨) અને ૮૦ ફુટ રોડ પર વિવેકાનંદનગરમાં રહેતો રાધવ પંકજભાઇ લશ્‍કરી (ઉ.વ.રર)ને ગણતરીની કલાકોમાં પકડી લીધા હતા. આ કામગીરી પી.આઇ. એલ.એલ.ચાવડા, પી.એસ.આઇ. એચ.એન.રાયજાદા, એ.એસ.આઇ. નિલેષભાઇ મકવાણા, હેડ કોન્‍સ. હીરેનભાઇ પરમાર, કોન્‍સ. મનીષભાઇ, વાલજીભાઇ, પુષ્‍પરાજસિંહ, વિશાલભાઇ હોમગાર્ડ, હાર્દિકભાઇ પીપળીયા અને દિપભાઇ ટાંક દ્વારા કરવામાં આવી હતી.

(2:48 pm IST)