રાજકોટ
News of Sunday, 26th June 2022

ટ્રાફિક મેમો પ્રજાને દંડવા નહિ, નિયમો યાદ કરાવવાઃ એસીપી મલ્‍હોત્રા

કાલે લોકઅદાલતમાં ટ્રાફીક નિયમન ભંગના ૬૩, ૦૦૦ કેસ ટ્રાફીક પોલીસ મુકશેઃ શહેરની ટ્રાફીક સમસ્‍યા નિવારવાનો ગોલ : કાયદાની જોગવાઇ મુજબ છ મહિના પહેલાના મેમો રદ ગણવાની જોગવાઇઃ પોલીસે છ મહિના દરમિયાન સવા લાખ મેમો કમાન્‍ડ એન્‍ડ કંટ્રોલ રૂમ મારફત ફટકાર્યાઃ આ પૈકીના:૬૩ હજાર વાહન ચાલકોના મોબાઇલ ઉપલબ્‍ધ હોવાથી મેસેજથી નોટીસ અપાઇ છેઃ છ મહિના પહેલાના મેમો નહિ વસુલવા હાલતુર્ત ટ્રાફીક પોલીસને સુચના અપાઇ છે

રાજકોટ, તા., ૨૫: આવતીકાલે તા.ર૬મીના જીલ્લા કાનુની સતા મંડળના સહયોગથી ટ્રાફીક નિયમોના ભંગ બદલ કમાન્‍ડ એન્‍ડ કંટ્રોલ રૂમના સીસીટીવી મારફત શોધાયેલા નિયમ ભંગના કેસમાં છેલ્લા છ મહિના દરમિયાન સવા લાખ વાહન ચાલકોને દંડ ફટકારતો ઇ-મેમો આપવામાં આવ્‍યો છે. આ પૈકીના ૬૩ હજાર કેસો આવતીકાલે ટ્રાફીક લોકઅદાલતમાં મુકવામાં આવશે તેવું ટ્રાફીક બ્રાન્‍ચના એસીપી વી.આર.મલ્‍હોત્રાએ આજે પ્રેસ કોન્‍ફરન્‍સમાં જણાવ્‍યું હતું. ઇ-મેમો કે ઇ-ચલણ ફટકારવા પાછળ પ્રજાને દંડવાનો પોલીસનો આશય નથી પરંતુ ટ્રાફીક નિયમન યાદ કરાવવાનો આશય છે તેવું તેમણે જણાવેલ.

સવા લાખ વાહન ચાલકો પૈકી ૬૩ હજારના નંબર ટ્રાફીક પોલીસ પાસે ઉપલબ્‍ધ હોવાથી તેમને ફીજીકલી નોટીસ બજાવવી ટુંક સમયમાં શકય ન હોવાથી વોટસએપ તથા એસએમએસના માધ્‍યમથી નોટીસ આપવામાં આવ્‍યાનું મલ્‍હોત્રાએ જણાવ્‍યું હતું. છ મહિના પછીના ટ્રાફીક નિયમન ભંગના કેસોમાં ૯ થી ૯ાા કરોડના દંડની વસુલાત બાકી છે. આ દંડ વસુલવા તા.રપ મી એટલે કે આજ સુધીમાં પેન્‍ડીંગ ઇ-મેમો ભરી દેવા પ્રેસનોટ અને સોશ્‍યલ મીડીયાના માધ્‍યમથી પોલીસે નોટીસ આપી હોવાથી છેલ્લા કેટલાક દિવસોથી પ્રજામાં હો-હા મચી ગઇ હતી. ખોટી રીતે ઇ-મેમો ફટકારાયાની પણ અસંખ્‍ય ફરીયાદો ઉઠી છે. આ બાબતના પ્રશ્નમાં મલ્‍હોત્રાએ જણાવેલ કે, જો કોઇ વાહન ચાલકને એવું લાગતુ હોય કે તેમને આપવામાં આવેલો ઇ-મેમો ખોટી રીતે અપાયો છે તો તેઓ કમાન્‍ડ એન્‍ડ કંટ્રોલ રૂમ, પોલીસ કમિશ્નર કચેરી ખાતે અરજી કરી શકે છે. જો તેમની ફરીયાદ યોગ્‍ય લાગશે તો ઇ-મેમો રદ કરાશે. આ વ્‍યવસ્‍થા જયારથી કમાન્‍ડ એન્‍ડ કંટ્રોલ રૂમ અસ્‍તિત્‍વમાં આવ્‍યો ત્‍યારથી જ છે.

ઘણા કેસીસમાં વાહન ચાલકોને પોતાનું વાહન ન હોવા છતા ખોટા ઇ-મેમો મોકલાયાની ફરીયાદો પણ ઉઠતી રહી છે. ટેકનીકલ કારણોસર થયેલી ભુલ પણ અમે નિવારીએ છીએ અને આવા મેમો રદ કરીએ છીએ.

છ મહિના બાદ અને છ મહિના પહેલાના  ટ્રાફીક નિયમન ભંગના ર૩ લાખ કેસમાં ૧૪૭ કરોડથી પણ વધુ દંડ વસુલવો બાકી છે તેવી માહિતી તેમણે પ્રેસ કોન્‍ફરન્‍સમાં આપી હતી. સીસીટીવી મારફત ફટકારાયેલા નિયમભંગના કેસ માત્ર પ્રજાએ જ કર્યા છે કે સરકારી વાહનોના ચાલકોએ પણ કર્યા છે? આવા પ્રશ્નના જવાબમાં શ્રી મલ્‍હોત્રાએ જણાવ્‍યું હતું કે સરકારી વાહનોને દંડ ફટકારાયાની કે વસુલાયાની વિગતો હાલતુર્ત મારી પાસે નથી ! આ તબક્કે પ્રશ્ન એ પણ થાય છે કે શું ટફીક નિયમોનો ભંગ ખાલી પ્રજા જ કરે છે? સરકારી વાહનોના ચાલકો કરતા જ નથી? સામાન્‍ય સંજોગોમાં નો-પાર્કીગ ઝોન સહીતના સ્‍થળોએ સરકારી વાહનો આડેધડ પાર્ક થયાનું પણ લોકોની નજરે પડતું જ હોય છે. આ ઉપરાંત કમાન્‍ડ એન્‍ડ કંટ્રોલ રૂમની નજરમાં એક પણ સરકારી વાહને નિયમ ભંગ કર્યાનું ન આવ્‍યું હોય તે પણ આヘર્યજનક બાબત છે.

છ મહિના પહેલાના ઇ-ચલણ કે ઇ-મેમો રદ કરવાના કોર્ટના ડાયરેકશન બાબતે થયેલા પ્રશ્નના જવાબમાં મલ્‍હોત્રાએ જણાવ્‍યું હતું કે, હાઇકોર્ટમાં આ મુદ્દે પબ્‍લીક ઇન્‍ટરેસ્‍ટ લીટીગેશન થયેલી છે. જે હાલ પેન્‍ડીંગ છે. એક માહિતી મુજબ નીચલી અદાલતે કાયદાની જોગવાઇ મુજબ જો પોલીસ છ મહિના પહેલાના મેમોની વસુલાત ન કરી શકી હોય તો તે મેમો રદ ગણાય છે. આ બાબતે મલ્‍હોત્રાએ જણાવેલ કે, હાલ ટ્રાફીક પોલીસ છેલ્લા છ મહિના દરમિયાનના ઇ-ચલણનો જ દંડ વસુલે છે. એ પહેલાના પેન્‍ડીંગ મેમોનો દંડ વસુલવા કોઇ પણ પ્રકારનું દબાણ થતુ નથી. (૪.૧૯)

‘સરકારી સીસીટીવી'ની નજરમાં ‘સરકારી વાહનો' ચડયા જ નહિ ?!

ટ્રાફીક નિયમન ભંગના ર૩ લાખ કેસોમાં પ્રજા પાસેથી ૧૪૭ કરોડનો દંડ બાકી

રાજકોટઃ આજે ટ્રાફીક એસીપી વી.આર.મલ્‍હોત્રાએ યોજેલી પત્રકાર પરીષદ દરમિયાન સામે આવેલી માહિતી મુજબ ટ્રાફીક નિયમનનો ભંગ કરનાર ર૩ લાખ વાહન ચાલકોને ઇ-મેમો ફટકારવામાં આવ્‍યા છે. જે પૈકી ૧૪૭ કરોડના દંડની વસુલાત બાકી છે. છેલ્લા ૬ મહિના દરમિયાન જ સવા લાખ વાહન ચાલકોને નિયમભંગ બદલ કમાન્‍ડ એન્‍ડ કંટ્રોલ રૂમ દ્વારા ઇ-મેમો મોકલાયા છે. આ દંડની રકમ ૯ થી ૯ાા કરોડ રૂપીયા થવા જાય છે. માત્ર પ્રજાએ જ ટફીક નિયમનો ભંગ કર્યો કે ેસરકારી વાહનોએ પણ ? આ પ્રશ્નના જવાબમાં મલ્‍હોત્રાએ જણાવ્‍યું હતું કે, આ માહિતી મારી પાસે નથી !

તેમણે જણાવ્‍યું હતું કે, ટ્રાફીક પોલીસ દ્વારા સ્‍થળ પર અપાતુ ચલણ અને ઇ-ચલણ એ અલગ-અલગ છે. ઇ-ચલણ સીસીટીવી મારફત નજરે પડતા નિયમભંગ બદલ આપવામાં આવે છે. આ વચ્‍ચે ‘અહો આヘર્યમ' જેવો મુદ્દો એ છે કે સરકારી સીસીટીવીને  સરકારી વાહનો નજરે જ ચડયા નહિ હોય?   (૪.૨૦)

છ મહિના પહેલાના મેમો વસુલવા કોઇ દબાણ નથીઃ મલ્‍હોત્રા

રાજકોટ, તા., રપઃ  પોલીસ દ્વારા ફટકારવામાં આવેલા દંડના મેમોની જો ૬ મહિનાના ગાળામાં વસુલાત ન થાય તો તે રદ ગણાય તેવી કાયદાકીય જોગવાઇ બાબતે તમારૂ શું કહેવું છે? તેવા પ્રશ્નના જવાબમાં શ્રી મલ્‍હોત્રાએ જણાવેલ કેનીચલી કોર્ટનું એક ડાયરેકશન છે અને હાઇકોર્ટમાં એક મેટર પેન્‍ડીંગ છે માટે અમે છ મહિના પહેલાના ઇ-મેમોનો દંડ વસુલવા વાહન ચાલકોને કોઇ પણ પ્રકારનું દબાણ કરતા નથી અને ટ્રાફીક કચેરીએ છ મહિના પહેલાનો દંડ વસુલવાનું બંધ કરાયું છે.

(3:49 pm IST)