રાજકોટ
News of Thursday, 25th November 2021

આ...લે..લે... રેસકોર્ષનાં મહિલા ગાર્ડનમાં ઝુંપડપટ્ટીઃ ડે.મેયર ડો. દર્શીતા શાહે તાત્કાલીક જગ્યા ખાલી કરાવી

બગીચાને પાણી પીવડાવવાના કોન્ટ્રાકટરોના મજુરોએ બગીચામાં જ ઝુંપડી ખડકી દિધાનું ખુલ્યું

રાજકોટ, તા., ૨૪: શહેરનાં રેસકોર્ષ સંકુલમાં મ.ન.પા. દ્વારા મહિલાઓ માટે ખાસ 'મહિલા ગાર્ડન' બનાવાયો છે. પરંતુ આ બગીચામાં છેલ્લા કેટલાક દિવસોથી મજુરોનાં ત્રણ-ચાર ઝુંપડા  થઇ ગયાનું ડે. મેયર ડો.દર્શીતા શાહના ધ્યાને આવતા તેઓએ તાત્કાલીક ધોરણે આ ઝુંપડાઓ દુર કરાવ્યા હતા.

આ અંગે ડે.મેયર ડો.દર્શિતાબેન શાહે વિગતો આપતા જણાવ્યું હતું કે તેઓ આજે સવારે રેસકોર્ષનાં મહિલા ગાર્ડનમાં વોકીંગ માટે ગયા ત્યારે બગીચામાં બે-ત્રણ ઝુંપડા નજરે પડયા હતા. આથી તેઓએ ત્યાં જઇને જોયુ તો અંદર મજુરો રહેતા હતા અને રસોઇ પણ કરતા હોવાનું જોવા મળ્યું હતું.

આથી ડે.મેયરશ્રીએ તાત્કાલીક ગાર્ડન વિભાગનાં અધિકારી શ્રી ચૌહાણ અને જગ્યા રોકાણ વિભાગનાં અધિકારી શ્રી બારૈયાને જાણ કરી સ્થળ પર બોલાવ્યા હતા અને બગીચામાં થયેલ ઝુંપડાઓનું દબાણ દુર કરવા જણાવ્યું હતું.

આથી બન્ને અધિકારીઓએ બગીચામાંથી ઝુંપડાઓ દુર કરાવી જગ્યા ખાલી કરાવી હતી.

દરમિયાન આ પ્રકરણમાં એવુ ખુલવા પામ્યુ હતુ કે બગીચામાં ઝુંપડા બાંધી જે મજુરો રહેતા હતા તે બગીચામાં પાણી પીવડાવવા તથા માવજત માટેનાં કોન્ટ્રાકટરનાં જ મજુરો હોઇ તેઓએ બગીચામાં જ ઝુંપડા બાંધી રહેતા હતા.

આ ઉપરાંત ડે.મેયરશ્રીએ આ મહિલા ગાર્ડનમાં માત્ર મહિલાઓ સિવાય અન્ય કોઇ પ્રવેશી ન શકે તે માટે બગીચાનો એક જ મુખ્ય પ્રવેશ દ્વાર ચાલુ રાખવા અને બાકીના જે બે-ત્રણ પ્રવેશ દ્વારો છે તે બંધ કરાવી દેવા સુચનાઓ આપી હતી.

(3:33 pm IST)