રાજકોટ
News of Thursday, 25th November 2021

ચેકરિટર્ન કેસમાં નિલકંઠ સ્ટીલ્સના પ્રોપરાઇટરને એક વર્ષની સજા અને લાખોની રકમનું વળતર ચુકવવા હુકમ

રાજકોટ તા. રપઃ રાજકોટના રહેવાસી ક્રીમીશા સ્ટીલ્સ પ્રા. લી.ના પ્રોપરાઇટર, શિવ પ્રકાશ ત્રિવેદીએ રાજકોટની કોર્ટમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ હેઠળ દાખલ કરેલ ફરિયાદના કેસમાં રાજકોટની કોર્ટમાં આરોપી નીલકંઠ સ્ટીલ્સના પ્રોપરાઇટર, શીલાદેવી ગર્ગને એક વર્ષની સજાનો હુકમ ફરમાવેલ છે.

આ કેસની ટુંકમાં વિગત એવી છે કે, શિવ પ્રકાશ ત્રિવેદી, ક્રીમીશા સ્ટીલ્સ પ્રા. લી.ના નામથી પ્રોપરાઇટરશીપ ફર્મ ચલાવે છે. જેમાં સ્ટીલ્સ અને લોખંડનું વેચાણ કરે છે. આરોપી શીલાદેવી ગર્ગ, નીલકંઠ સ્ટીલ્સના પ્રોપરાઇટરને સ્ટીલ્સ અને લોખંડ ખરીદવાની હોય જેથી આરોપીએ ફરિયાદીનો સંપર્ક કરેલ અને ફરિયાદીની ફર્મ માંથી રૂ. ૩૭,૧૪,૬૮૯/- અંકે રૂપિયા સાડત્રીસ લાખ ચૌદ હજાર છસો નેવ્યાસી પુરાનો માલ લીધેલ. જે રકમની ફરિયાદી શિવ પ્રકાશ ત્રિવેદીએ આરોપી શીલાદેવી ગર્ગ પાસેથી માંગણી કરતા, આરોપીએ ફરિયાદીને તા. ૦૭/૦૬/ર૦૧૮ના રોજ રૂ. ૩૭,૧૪,૬૮૯/- અંકે રૂપિયા સાડત્રીસ લાખ ચૌદ હજાર છસો નેવ્યાસી પુરાનો ચેકો આપેલ. જે ચેકો ''એકસીડસ અરેન્જમેન્ટ''ના શેરા સાથે પરત ફરતા, તેમજ કાનૂની નોટિસ પાઠવવા છતાં તે ચેકો મુજબની રકમની ચૂકવણી ન કરતા ફરિયાદી શિવ પ્રકાશ ત્રિવેદીએ આરોપી શીલાદેવી ગર્ગ વિરુધ્ધ રાજકોટની કોર્ટમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-૧૩૮, ૧૪૧ તથા ૧૪ર હેઠળ ફરિયાદ દાખલ કરેલ.

ત્યારબાદ સદરહું કેસમાં ફરિયાદ પક્ષે પુરાવો પૂરો થયા બાદ કેસ દલીલ ઉપર આવતા ફરિયાદીના એડવોકેટો મલ્હાર કમલેશભાઇ સોનપાલએ સુપ્રિમ કોર્ટ તથા અલગ-અલગ વડી અદાલતોના ચુકાદાઓ રજૂ કરી ફરિયાદીએ પોતાનું કાયદેસરનું લેણું સાબિત કરેલ હોય તેમજ બચાવ પક્ષે ફરિયાદીના મૌખિક તેમજ દસ્તાવેજી પુરાવાનો ખંડનાત્મક પુરાવો રજૂ રાખી શકેલ ન હોય તે ધ્યાને લઇ આરોપીને સજા કરવા રજૂઆત કરેલ હતી.

ફરિયાદ પક્ષે થયેલ રજુઆત ધ્યાને લઇ રાજકોટના એડી. ચીફ જયુ. મેજી.શ્રીએ આરોપી શીલાદેવી ગર્ગને દોષિત ઠરાવી એક વર્ષની કેદની સજા તથા ચેકની રકમ ફરિયાદીને ૬૦-દિવસની અંદર ચૂકવી આપવા હુકમ કરેલ છે તથા જો આરોપી ફરિયાદીને ૬૦-દિવસની અંદર રકમ ન ચૂકવે તો વધુ છ માસની કેદની સજાનો હુકમ ફરમાવેલ છે.

આ કામમાં ફરિયાદી વતી રાજકોટના ધારાશાસ્ત્રી મલ્હાર કમલેશભાઇ સોનપાલ રોકાયેલા.

(3:01 pm IST)